Tuesday, May 3, 2016

છેલ્લું લખાણ


                                                                                                      શ્યામાબહેનનાં અવસાનને પંદર દિવસ થયાં... 
મૃત્યુપર્યંતની તમામ ક્રિયાઓ પતી ગઈ... શ્યામાબહેનનાં અવસાનનાં સમાચાર મળતાંજ અનિકેત, અનાર અને અનુરાગને લઈને સુરતથી અમદાવાદ આવી પહોંચ્યો. શ્યામાબહેનનું એકમાત્ર સંતાન હતી અનાર..! કુટુંબમાંય વળી બીજું કોણ હતું ? અને એટલે જ્યારે શ્યામાબહેનનાં દેહને અગ્નિદાહ દેવાનો પ્રશ્ન આવ્યો ત્યારે કોઈ દૂરના પીતરાઈ પાસે એ વિધિ કરાવવાને બદલે અનિકેત અગ્નિદાહ આપે એવું નક્કી થયું.. શ્યામાબહેનને પણ અનાર કરતા વધારે અનિકેત સાથે ફાવતું હતું.
 અનિકેત જોકે ઝાઝૂ રોકાયો નહી.. એતો અગ્નિસંસ્કારના દિવસે અને એ પછી બેસણાના દિવસે એમ બે દિવસ રોકાયો હતો.. અને પછી એ સુરત ચાલ્યો ગયો. અનાર અને દીકરો અનુરાગ ત્યાં રોકાયા. અનારનું બીજી વિધીઓ પતાવવા માટે અહીં રહેવું આવશ્યક હતું..
પંદરેક દિવસમાં ક્રિયાકર્મ પતિ જાય પછી ઘરનું બધું વ્યવસ્થિત ગોઠવી ઘરને  લોક કરી સુરત જવું એવું અનાર અને અનિકેતે  નક્કી કરેલું..,, અને એટલે એ પ્લાનિંગ પ્રમાણે અનાર ઘરની સાફસૂફીમાં વ્યસ્ત હતી..ઘરના તમામ રાચરચીલા સાથે, ઘરની એક એક દીવાલો સાથેની નાનીમોટી તમામ વસ્તુઓ સાથે અનારની નાનપણની ઘણીબધી સ્મૃતિઓ જોડાયેલી હતી..
શ્યામાબહેનનાં અવસાનથી અનાર બહુ દુ:ખી થઇ હતી...રડી રડીને આંખો સૂઝી ગયેલી..  જો કે હવેતો આંસુઓએ પણ પોરો ખાધો છે, માત્ર હૈયું રડે છે. ક્યારેક મમ્મી સાથે બનેલી કોઈક ઘટના યાદ આવતાં આંખોના પહેરામાંથી આંસુ બહાર સરકી આવે છે....ત્યારે, હવે ઘરમાં એના આંસુ લૂછવાવાળું પણ કોઈ નથી... ધીમે ધીમે મન વિસારે પડવા માંડ્યું છે..અનારે પ્રયત્નપૂર્વક મનને વાળી લીધું છે અને બીજા કામમાં જોતરી દીધું છે..
ઘરની સાફસૂફીની શરૂઆત કરી...વારાફરતી બધાં  રૂમ સાફ કરવા માંડ્યા અને વધારાનો સામાન પેક કરવા માંડ્યો. ઘરની સાથે અને વસ્તુઓની સાથે જોડાયેલી સ્મૃતિ કોથળામાં અને બૉક્સમાં સીલ થવા માંડી.. હવે માત્ર મમ્મીના રૂમની સફાઈ કરવાની હતી...અનારે એકેએક  વસ્તુ પર ઝીણવટભરી નજર નાખી. મમ્મીના રૂમમાં બહુ વ્યવસ્થિત રીતે બધું ગોઠવાયેલું પડ્યું હતું...વર્ષોથી બંધ રહેતું કબાટ, એક ખૂણે પડેલું ટેબલ અને તેના પર પડેલાં પુસ્તકો... ટેબલ પર એક કાચનો કલાત્મક ગ્લાસ હતો તેનો તેઓ પેન-સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરતા.. અને તેમાં ત્રણ-ચાર પેન-પેન્સિલ પડી છે...એક ખૂણામાં પડેલું ટેબલ લેમ્પ...બધું ટેબલ પર એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું પડ્યું હતું.. આ રૂમની ખાસ જરૂર પડતી નહીં એટલે એ રૂમ તરફ કોઈનું ખાસ ધ્યાન પણ પડેલું નહિ.
મમ્મીની એક ડાયરી ટેબલના ડ્રોઅરમાંથી અનારને મળી આવી..એને યાદ આવ્યું કે મમ્મી નિયમિત રીતે ડાયરી લખતી. જીવનની સારી-ખોટી સ્મૃતિ એમાં નોંધતી. જો કે અનારે મમ્મીની એ ડાયરી અગાઉ ક્યારેય જોવાનો પ્રયત્ન સુધ્ધાં નહોતો કર્યો..એજ તો હતી શ્યામાબહેનની તાલીમ..! અનાર ૩૩ વર્ષની થઇ પણ શ્યામાબહેનનાં જીવનના અંત સુધી ક્યારેય એણે એમના જીવન વિષે કશું પૂછ્યું ન હતું. હા, ક્યારેક શ્યામાબહેન કોઈ વાત કરે તો એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતી, એમાં રસ લેતી અને ચર્ચા પણ કરતી..પરંતુ સામે ચાલીને એ કશું પૂછતી નહીં.. એવું પણ ન હતું કે એને એ બાબતમાં રસ ન હતો પરંતુ અનાર એવું દ્રઢપણે માનતી હતી કે મમ્મીની પણ પોતાની એક પર્સનલ લાઇફ હોય અને એના વિષે કાંઈ પણ જાણવાની ઇન્તેજારી એણે રાખવી જોઈએ નહીં.
અનારને એટલીતો ખબર હતીજ કે એના પપ્પા ભાસ્કરભાઈ આજથી ૩૩ વર્ષ પહેલાં જ્યારે એનું આ પૃથ્વી પર અવતરણ થવાને બેજ મહિના બાકી હતા ત્યારે ક્યાંક ચાલી નીકળ્યા ....અંધકારમાં પડછાયાની જેમ જાણે તેઓ ઓગળી ગયા અને જતી વખતે તે મમ્મીને સંબોધીને એક ચિઠ્ઠી લખતા ગયા હતા. અનાર જ્યારે સમજણી થઇ અને એના પપ્પા વિષે બહુ પૂછપરછ કરવા માંડી ત્યારે એક વખત શ્યામાબહેને એ ચિઠ્ઠી એને બતાવેલી. આજે પણ એ ચિઠ્ઠી અહિં ક્યાંક હશે એમ માનીને અનારે શોધવા માંડી. શ્યામાબહેને એ ખૂબ સાચવીને કબાટમાં એક પાઉચમાં બહુ વ્યવસ્થિત રીતે એક કવરમાં મૂકેલી. કાગળ પીળો પડી ગયેલો પણ આજે પણ એની સ્યાહી એવીને એવીજ હતી. અક્ષરો ના તો ઝાંખા પડ્યા હતા ના તો કાગળ પર જરાય સળ પડ્યા હતા.
આ કાગળ જ તો શ્યામાબહેનની મૂડી હતી ને..!!  અનારે ખૂબ સાચવીને ચિઠ્ઠી લઈને વાંચવા માંડી...
"શ્યામા,
આપણા લગ્નની પ્રથમ રાત્રેજ મેં તને મારા વિચારો જણાવેલા. સાંસારિક જીવન પ્રત્યેનો મારો અભિગમ અને તે વિશેની મારી ઉદાસીનતા બાબત આપણે દીર્ઘ સંવાદ થયાનું પણ મને યાદ છે.. તને પણ એ યાદ હશેજ.... ગૃહસ્થજીવન પ્રત્યે મને કોઈ અનુરાગ નથી એ તું જાણે છે.. માં-બાપની ઇચ્છા-અપેક્ષા અને જીદ ની સામે ઝૂકીને મારે તારી સાથે  જોડાવું પડ્યું.., પણ આ માર્ગ મારો નથી.. સંસારની માયામાં જકડાઈ જાઉં કે પછી વાસનાના ભરડામાં હું આવી જાઉં એ પહેલા મેં તારી સમક્ષ મુક્તિ માટે વિનંતી કરેલી.. પરંતુ તેં સંબંધ વિચ્છેદનો સ્પષ્ટ ઇન્કાર કરેલો...અને એક ઇચ્છા પણ પ્રગટ કરેલી...હા, અને તું જ્યારે આટલું મોટું બલિદાન આપવા માટે તૈયાર થતી હોય તો મારે મારા આત્માની મરજી વિરુદ્ધ પણ તારી એ માંગણી પૂરી કરવી જ જોઈએ એમ માનીને મેં તને એક બાળક આપ્યું... પણ ફરી પાછો એ મોહપાશ મારી સામે આવવાની ભીતિ થઇ  આવી, બાળક જન્મે અને એનાં નાનાં નાનાં હાથોની મમતાભરી કેદમાં મને જકડી લે એ પહેલાં હું દૂર ચાલ્યો જાઉં...જ્ઞાનના માર્ગે.. અને એજ મને શ્રેયસ્કર લાગ્યું...
આપણે લોકનિંદા કે ટીકા-ટિપ્પણની પરવા ના કરીએ એવી સમજદારી અને હિમ્મત તો આપણે કેળવી લીધી છે ને....!
"શ્યામા ! મહાભિનિષ્ક્રમણ પહેલાની સિદ્ધાર્થની મન:સ્થિતિ જેવીજ અત્યારે મારી પણ મન:સ્થિતિ છે.. પારાવાર મનોવેદના, મનોમંથન અને માનસિક સંઘર્ષ પછી પણ અંતે તો મને મેં જે માર્ગે જવાનું પસંદ કર્યું છે એજ માર્ગ  સાચો લાગ્યો છે.
હું એ જ રસ્તે જાઉં છું., શોક ના કરીશ શ્યામા... સંતાપને શમાવવાની સમજણ તો  આપણે દસ-બાર માસના સહજીવનમાં કેળવી શક્યાજ છીએ એમ હું માનું છું.. અને હા..બાળક મોટું થઈને પૂછશે એના પિતા વિષે, પણ ભવિષ્યના સવાલોના ઉત્તર અને ભવિષ્યમાં ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા જેટલી તો તું સક્ષમ છે જ ...".- ભાસ્કર
અનાર આખી ચિઠ્ઠી વાંચી ગઈ. આંખોમાંથી આંસુના ત્રણ-ચાર બુંદ ગાલ પર આવીને અટકી ગયાં. ક્યાંય સુધી એ કાગળ હાથમાં પકડીને અનાર બેસી રહી..  મમ્મીનો ચહેરો આંખ સામે આવીને અટકી ગયો..તેની સાથે વિતાવેલો સમય ચિત્રપટની જેમ આંખ સામેથી પસાર થવા માંડ્યો અને મનોમન વંદન કરવા લાગી મમ્મીને...
અનારે પ્રત્યક્ષ દેહે તો  ક્યારેય પપ્પાને જોયા નહતા , જોયા હતા અનુભવ્યા હતા તો દીવાલ પર ટીંગાતી તસવીરમાં... એક બાજુ ચિઠ્ઠી અને બીજી બાજુ તસવીર...વારાફરતી જોઈ રહી... એ દિવસે અનાર કશું કામ ના કરી શકી. મન સતત મમ્મીના સમગ્ર જીવન વિષે વિચારતું રહ્યું.. મમ્મીએ પારાવાર સંઘર્ષ કરીને એને મોટી કરી ...ભણાવી...પરણાવી...એના જીવનમાં એને સ્થીર થવામાં બનતી બધી મદદ કરી ...અને આમ તો શ્યામાબહેન માટે અનાર સિવાય બીજું હતું પણ કોણ ...?
મમ્મી વિદાય થઇ ગઈ સદાને માટે.. અનાર ગમગીન થઇ ગઈ...બેસી રહી એમજ ક્યાંય  સુધી... ઘડીક મમ્મી તો ઘડીક ચીઠ્ઠીમાનાં પેલા અક્ષરો અને એમાં લખાયેલો એકેએક શબ્દ..... પડઘાતો હતો... એક અવાજ, સાવ અજાણ્યો તોય જાણે એ હતો પોતાનો એક અંશ.. .હડદોલા ખાતી રહી બંને બાજુ અને સાવ નિશ્ચેતન થઈને છતની સામે નજરને સ્થીર કરીને ચત્તાપાટ પડી રહી પલંગમાં...
ખાસ્સો સમય વીતી ગયો... ઉભી થઇ પલંગમાંથી...બાથરૂમમાં જઈ ફ્રૅશ થઇ આવી અને મનમાં પાછો એક ઝબકારો થયો..મમ્મીની ડાયરી લખવાની આદતથી તે વાકેફ હતી અને એને ચોક્કસ ખાતરી હતીકે મમ્મીની ડાયરીઓ એકદમ સરસ રીતે ગોઠવાયેલી મળશે.. કબાટ ખોલ્યું..તો  આખું કબાટ ભરીને તારીખ અને નંબર સાથેની ડાયરીઓ મળી આવી..સામે પડેલી છેલ્લી ડાયરી લઈ અને છેલ્લું પાનું ખોલ્યું..  અવસાનના પંદર દિવસ પહેલાનો એ દિવસ હતો જ્યારે છેલ્લી વખત શ્યામાબહેને ડાયરી લખેલી... ડાયરી લઈને અનાર મમ્મીના વર્કટેબલ પાસે આવી.. અને લાકડાની ખુરશી પર બેસી ગઈ અને છેલ્લા દિવસથી એણે વાંચવાનું શરુ કર્યું..
" જીવનની આ નમતી સંધ્યાએ એક વિચાર આવે છે કે શું માત્ર તર્પણ કરવા માટેજ આ જીવન હતું..!!
શું મેળવ્યું ...કેટલું મેળવ્યું..? શું..કોને..કેટલું આપ્યું..?
જીવનનું ગણિત માંડીને સરવૈયું માંડું છું તો એટલું દેખાય છે કે મારી પાસે હતું પણ શું આપવા માટે..? જો હું કાંઈ પણ આપી શકી છું તો તે તો છે માત્ર પ્રેમ..લાગણી. મારી અંદર વહેતા લાગણીના ઝરણામાંથી સૌને ભીંજવી શકી છું..બસ.! અને...એજ તો મારું સદ્ભાગ્ય છે ને ... !!  નહિ તો હું તો સાવ એકલી અટૂલી દૂર છેવાડાના રેલવેનાં ફ્લેગ સ્ટેશન જેવી જ હતી ને...? બધું  ગતિ કરતું હોય અને સ્થીર હોય માત્ર એ ફ્લેગ સ્ટેશન ! થોડીથોડી વારે જામતો કોલાહલ ઘડીકમાં શમી જાય અને પછી એના નસીબમાંતો હોય એજ વેરાન નિર્જનતા.. એકલતા...!!!
 અરે...હુંય ગાંડી જ છું ને ..!!!
ગામને પાદરે ઉભેલા વડલાને તે વળી વટેમાર્ગુ સાથે પ્રીત કેવી..? વટેમાર્ગુ તો આવે અને જાય..
મારે તો બસ મારી આગળ પાછળથી આવીને પસાર થઇ જતાં લોકોને જોયાં કરવાનાં..?
પતિ જ્ઞાનમાર્ગે નીકળી પડ્યા.. દીકરી એના જીવનમાં ..એના સંસારમાં પરોવાઈ ગઈ.. સ્નેહીઓ મિત્રો...સગા-વહાલાં સૌ આવ્યાં અને ગયાં, રહી ગઈ હું સાવ એકલીઅટૂલી...!! જે જે કોઈ આવ્યા તે કંઈક મેળવવા કે પામવા...
 હું તો હતી દરિયાની રેત અને મને તો હતી પ્યાસ...પણ હાય નસીબ.....મારાં ભાગ્યમાંતો બસ હતાં માત્ર ફેનિલ મોજાં....આવ્યાં નાં આવ્યાં અને પાછાં જતાં રહ્યાં..અને રહી ગઈ નરી ખારાશ.....!!
પણ હવે વળી ફરિયાદ શીદને ... હેં ? જીવનને આ પંચાંવનમે વર્ષે..? ના રે ના...! આ વળી ફરિયાદ ક્યાં છે..કે ક્યાં છે આક્રોશ આ તો સહેજ અમથું..હૈયું ભરાઈ આવ્યું..! હવે તો રાહ જોઉં છું ચીર નિદ્રાની..
 ભાસ્કર...! તમને આપેલા વચન પ્રમાણે હું તો જીવન જીવી ગઈ...જીવી ગઈ શું..? આ જીવન પૂરું થવા આવ્યું. તમે આરોપેલા બીજમાંથી આવી અનાર અને જૂઓ તો ખરા કેવડી મોટી થઇ ગઈ, અને આજે  એના ગુલશનને સજાવી સંવારી રહી છે.. મેં તો એને ખૂબ જાળવી છે..બહુ દેખભાળ રાખી છે...અને હા મેં તો પ્રયત્ન કર્યો છે કે એને તમારી ખોટ પડવા ના દઉં...ભાસ્કર,
ભાસ્કર આ તો બધું એ જ સત્ય છે જે તમારી હાજરીમાં પણ આમ જ હોત..તમે જ્યાં પણ હો ભાસ્કર, આજે મારે એક વાતનો પણ એકરાર કરવો છે...અને તો જ હું નિરાંત અનુભવી શકીશ, તો જ મને ધરપત થશે.. ભાસ્કર..!
આજે હા...ભાસ્કર તમારી સાથે એક બીજો ચહેરો પણ યાદ આવે છે..આ ઢળતી સાંઝે એ પણ કેમ અચાનક યાદ આવી ગયો...? હા ભાસ્કર, મને પણ  ક્યાંક થી સહારો મળ્યો હતો..તમારા ગયા પછી મને એક ટેકણ મળેલું...જ્યાં માથું મુકીને હું નિરાંત અનુભવતી..એક ખભો મળેલો જેને ટેકે હું વેદનાનો ભાર હળવો કરી શકતી હતી..પણ ભાસ્કર એ સુખેય હતું તો ઉછીનુંજ ને ? અને વળી ઉછીનું મેળવેલું સુખ તે કાંઈ શાશ્વત થોડું હોય  ???
આજે રહી રહી ને મને એક પ્રશ્ન થાય છે કે શું હું સંસાર પ્રત્યેની વફાદારી કે જવાબદારી ચૂકી છું..?
ભાસ્કર..! તમે તો સીદ્ધાર્થને અનુસર્યા..પણ શું હું યશોધરા બની શકી..????
આજે મારા મનનો બોજ હળવો થયો...ખૂબ વજન લાગતું હતું..
તમને જીવનમાં ફરી ના મળી શકાયું એનો રંજ છે જ  પણ જો વિધાતા મારી હથેળીમાં ગૃહસ્થ જીવનની રેખા ચીતરવાનુંજ ભૂલી ગઈ હોય તો વળી દોષ કોને દેવો..???
આપણે તો માણસ ..???
 ડાયરીમાં આ મારું છેલ્લું લખાણ છે ભાસ્કર..!  બસ હવે જીવન રહે કે ના રહે..પણ ડાયરીમાં લખવા જેવું કઈ રહેશે નહિ..
શાંતિ શાંતિ શાંતિ:"
ડાયરી બંધ કરી અને ખોળામાં મૂકી, એની આંખોમાં આંસુ હતા... ઉભા થવાની શક્તિ જાણે  એ ગુમાવી ચુકી હતી.. નીચું જોઇને ટાઈલ્સ પર પગનો અંગૂઠો ઘસતી રહી.....મમ્મીને એ મનોમન વંદન કરતી રહી... અને અનાયાસ એનાથી બોલાયું " પપ્પા...તમે સ્વાર્થી હતા... મારી મમ્માને ખૂબ અન્યાય કર્યો છે તમે...  આઈ વિલ નેવર લવ યુ...!!"

                                                   ***