Monday, April 11, 2016

વિષાદ

 વિષાદ


ખી રાત  તંદ્રામાં પસાર થઇ ગઈ..
આંખોએ જાણે બંધ નહીં થવાની જીદ પકડી છે.. સતત મારી પાંપણો પર કો’ક દસ્તક દીધા કરે છે..ગઈકાલે બજારમાં ફરતાં ફરતાં નજર સમક્ષ થઇ ગયેલો એ ધૂંધળો ચહેરો મન પર સવાર થઇ ગયો છે..
“બજારમાં તહેવારોને કારણે પુષ્કળ ભીડ ... અને એમાં જાણીતાંય વિખૂટાં પડી જાય તો અલપ ઝલપ દેખાયેલો એ ચહેરો હવે આ ભીડમાં હું ક્યાં શોધું..??”
“ હા... ! હતો તો એજ તો પછી  અચાનક ક્યાં અદ્રશ્ય થઈ ગયો..? શું એ માત્ર ભ્રમજ હતો કે વાસ્તવિકતા હતી..??”
બધાજ પ્રશ્નો નિરુત્તર રહ્યાં છે...
ઘરે તો આવી ગઈ ...પણ એણે સમગ્ર ચેતાતંત્રને હલબલાવી મૂક્યું છે..
મારા હસબન્ડતો વ્યવસાયાર્થે બહારગામ છે, અને એમની ગેરહાજરીમાં અતીતનો આ પડછાયો શીદને આવ્યો હશે..? સતત એ પડછાયો મારી સમક્ષ આવીને ઉભો થઇ જાય છે.. ઘોર અંધારી રાત્રે પડછાયાનું કોઈ અસ્તિત્વજ ના હોય ત્યારે ક્યાંથી મારી ચોપાસ ફરે છે એ..!!!
અગાશીમાં હીંચકા પરજ આખી રાત જાગતા ઉંઘતા પસાર થઇ ગઈ.. ગગનની સાથેય મારે કેવો ઘરોબો છે..!   એકદમ પરિચિત છતાંય જોજનો દૂર..!!!
એનીજ  સ્વરાંકન કરેલી એક રચનાના શબ્દો ત્રૂટક ત્રૂટક કાનમાં ગુંજ્યા કરે છે....

“પાસપાસે તોય,
કેટલાં જોજન દુરનો આપણો વાસ..!
આમતો ગગન સાવ અડોઅડ,
તોય છેટાંનો ભાસ ......!! “

બસ હિંચકે ઝૂલતાં ઝૂલતાં કાનમાં ગૂંજતું એ ગીત....એનું સંગીત અને ખરજના દર્દભર્યા એના અવાજમાં ગવાયેલું ગીત જાણે ગગનનો એકેએક તારો ગાઈ રહ્યો હોય એવો ભાસ થાય છે ...
ઘડીક દૂરથી તો ઘડીકમાં સાવ અડોઅડ આવીને, મારી પીઠ થપથપાવીને પાછો ક્યાંક દૂર નાસી જતો એ, અને એનો અવાજ, ચેન પડવા નથી દેતો મને...
અગાશીમાં ફેલાઈ ગયેલો ગુલમહોરનો કેસરિયો વૈભવેય કોઈજ બીજી અનુભૂતિ નથી કરાવી શકતો..પણ આ વહેલી પરોઢે પક્ષીઓના કલરવમાંથી દૂરદૂરથી એક સંબોધન થતું સંભળાયાં કરે છે..
“ચકી...એય ચકી........ચ.....કી....!!!”
“એ મને કાયમ ચકીજ કહેતા... જ્યારે પહેલી વખત એમણે મને ચકી કહ્યું ત્યારે મેં એમને પૂછેલું ....કે તમે મને ચકી કેમ કહો  છો ???”

“ જો હું તને ચકી એટલા માટે કહું છું કારણકે... કારણકે... ચકી એ મારું સૌથી વહાલું અને લાડકું નામ છે...અને હા....! ચકી એતો નિર્દોષતાનો પર્યાય છે.. અને સાચું કહું ને તો  મને તો, ચકી જેવોજ ફરફરાટ અને તરવરાટ તારામાં દેખાય છે..”
ચકી શબ્દ સાંભળતાજ મારું સમગ્ર ચેતાતંત્ર ઝંકૃત થઇ ઉઠતું... હું કહેતી...”પ...પ..પણ ...પણ આટલું નાનું સંબોધન..?”
“ હા ચકી...., જ્યારે સંબંધમાં નિકટતા આવે છે ત્યારે સંબોધન ટૂંકું બને છે.. “
સામાન્ય રીતે જેનો વિસ્તરવાનો ક્રમ છે એ સમય પણ આજે સંકોરાયા કરે છે....અને મને અનાયાસ ધકેલે છે અતીતના ઊંડાણમાં.. હૃદયમાં કંડારાયેલાં યાદનાં એકેએક પૃષ્ઠ આજે નજર સમક્ષ થયેલા એ ચહેરાએ ઉઠાવેલા બવંડરમાં આમથી તેમ ઉડયા કરે છે.... વિખરાયાં કરે છે.....અને હું, બસ તાકી રહી છું....મારી આંખો સ્થિર થઇ ગઈ છે ...શ્વાસની ગતી તીવ્ર બની ગઈ છે.. અને મનના બાઈસ્કોપમાં જોઈ રહી છું એ અતીતના કાલખંડને..... હું વિસરાયેલા એ સમયખંડમાં હડદોલાયા કરું છું.. ફંગોળાયા કરું છું..
                                   XXX                XXX                XXX
પપ્પાજીને એ વખતે એમની કંપની તરફથી ક્વાર્ટર મળ્યું હતું....
મુગ્ધાવસ્થાના એ તબક્કે કેટકેટલાં શમણાં આંખોમાં આંજેલા...! અમારાથી ત્રીજાજ બ્લોકમાં એ નવાજ રહેવા આવેલા..તદ્દન રૂક્ષ માણસ..સાવ અનાકર્ષક ચહેરો અને અવ્યવસ્થિત લિબાસ...પણ.. અવાજમાં ગજબની ભીનાશ ..!!
રોજ  વહેલી સવારે એમના ક્વાર્ટર તરફથી આવતો ગાવાનો ધીમો અવાજ....અને એ અવાજે ધીમે ધીમે મારા મનોમસ્તિષ્કનો કબજો લઇ લીધો હતો..
સંગીત શિક્ષક હતા એ અને કેટલાંય લોકો એમની પાસે સંગીતની તાલીમ માટે આવતાં.. યુવાનો યુવતીઓ અને પ્રૌઢો બધાંજ એમનાં શિષ્યવૃંદમાં સામેલ હતાં..અને એટલેજ, એ પણ હમેશાં ઘેરાયેલા રહેતા લોકોની ભીડમાં...
હું પણ એમની પાસે સંગીતની તાલીમ માટે ગઈ.. મારી તાલીમ શરુ થઇ.. એમની શીખવવાની પધ્ધતીજ કાંઇક વિશિષ્ઠ હતી..બસ મને તો રસ પડતો ગયો..સમય વિસ્તરતો ગયો..ત્રણ-ચાર વર્ષનો અભ્યાસ થયો.. પારંગતતા તરફ આગળ ધપવા માંડી.. એમના પ્રિય વિદ્યાર્થીઓમાંની એક હું હતી.. પાસપાસે રહેતા એટલે સમયનાં કોઈ બંધનો નડતાં નહીં...ઘણીવખત તો રાત્રે મોડા સુધી મને તે શીખવતા.. એકજ ધ્યેય હતું સંગીતની તાલીમ મેળવવાનું...

                                 XXX           XXX             XXX

હવે તો એમનું પણ મ્યુઝીક કમ્પોઝર તરીકે નામ થઇ ગયું છે.
એ હવે, માત્ર સંગીત શિક્ષકજ નથી રહ્યા પરંતુ હવે તેમનું પોતાનું એક  “હાઉસ ઓફ મ્યુઝીક”
છે..અને ઘણાં સારા કમ્પોઝીશન્સ કરે છે..  જાયન્ટ સ્કેલ પર તે મ્યુઝીકલ ઈવેન્ટ્સ કરે છે.. તેમનો પહેરવેશ, રહેણીકરણી બદલાયાં છે.. ઘણાબધાં પ્રોફેશનલ મેનરીઝમ્સ હવે તે શીખી ગયા છે.. છોકરીઓની ભીડ આસપાસ વધવા માંડી છે..અન્ય લોકો વચ્ચે સતત તે ઘેરાયેલા રહે છે અને એટલેજ, મારા માટેય, હવે તેઓ બહુ સમય ફાળવી શકતા નથી..
અકારણ મને પણ લોકો તરફ ઈર્ષ્યા થવા લાગી છે.. અજાણપણેય એમના માટે મારામાં પઝેસીવનેસ આવી ગઈ છે..ત્યારે હું મારી જાત સાથે જ સંવાદ કરું છું
“ કેમ મને આવો ભાવ થાય છે..?? હેં..? મારે શું છે એમની સાથે ??”
આ પ્રશ્નોના કોઈ જવાબ મળતા નથી..
અનેક પ્રશ્નો અને એમના માટેની ધારણાઓની વણઝાર ફરી પાછી  મારી સામે આવીને ખડી થઇ જાય છે..
“ લોકોની સાથે અને એમાંય  ખાસ કરીને સ્ત્રીઓ સાથે  એકદમ ખૂલીને વાત કરવી...સંબંધનો એકદમ વિસ્તાર કરવો એજ એનો સ્વભાવ છે..એની ફિતરત છે... શું છે આ માણસમાં કે લોકો એની આસપાસ ટોળે વળે છે..? એવું તો એનું કાંઈ આકર્ષક વ્યક્તિત્વ પણ નથી...“ હું સ્વગત ગણગણતી રહી.. જેમજેમ આવા પ્રશ્નો સામે આવતા ગયાં તેમતેમ એના તરફનું ખેંચાણ પણ એટલીજ તીવ્રતાથી વધવા માંડ્યું..મનમાં રીતસર દ્વંદ્વ આરમ્ભાઈ ગયું છે.. “ તદ્દન છીછરો આ માણસ સંબંધને શું જાણે..?? લાગણી જેવું તત્વ આટલા પરિચય પછીય મને તો એનામાં વર્તાયું નથી..શું એને મારા માટે કોઈ ભાવ હશે..લાગણી હશે..પ્રેમ....???? હોઈ શકે...?? જો કે અમારા બે વચ્ચેનો  ઉંમરનો ખાસ્સો તફાવત અને સામાજિક અસમાનતા એવો કોઈ ભાવ ઉદભવવા દઈ શકે ખરા..??” બસ..!! અનેક વિચારો મને આમથી તેમ હડદોલ્યા કરે છે..

                              XXX             XXX              XXX

“મારી મુગ્ધાવસ્થા અને હું સતત એના તરફ આકર્ષાતી રહી છું.... પ્રથમ વ્યક્તિ છે આ,  જેણે મને હચમચાવી નાંખી છે..મારું મન ચગડોળની માફક એકજ દિશામાં ઘુમરાયા કરે છે.... કશુંજ સૂજતું નથી.. પ...પ.પણ કેમ કરીને વ્યક્ત થવું એની પાસે..? હું તો સાવ બહાવરી બની ગઈ છું. અરે ..હા એનું પણ મારા તરફ ધ્યાન ગયું હોય એવું લાગે તો છે.. હવે તો એ મારી સામે જૂએ છે કે પછી મારી સાથે વાત પણ કરે છે તોય એમની નજરમાં અને એમનાં શબ્દોમાં પણ મારા તરફનો વિશેષ ભાવ વ્યક્ત થતો હોય તેવું લાગે છે...એમના શબ્દોમાંથી મારા માટે વ્હાલ વરસતું હોય એવો અહેસાસ થાય છે.....તો મનમાં પાછું એમ પણ થાય છે કે આભાસીતો  નહીં હોય ને આ અહેસાસ..???”

                             XXX               XXX               XXX

મારા મનમાં વિચારોનું દ્વંદ્વ ચાલે છે... હું સતત એના તરફ જોતી રહું છું...એમનું આટલું બારીક નિરીક્ષણ કદાચ કોઈએ નહિ કર્યું હોય... મારી આંખો હવે બોલકી બની છે, પણ વાણીમાં ની:શબ્દતા છવાયેલી છે..  શું એ આંખોની ભાષા નહીં સમજતો હોય..? સમજતો તો હોય જ ને....!  તો પછી કેમ એના તરફથી  કોઈજ પ્રતિભાવ નથી..?
                           
                            XXX               XXX                 XXX

રવિવારે કોઈ પણ પ્રયોજન વગર અચાનક ઘરે આવી ચડયા અને તે પણ  બિલકુલ જાણ કર્યા વગર..ઘરમાં મારા મિત્રો હતા..એ પણ બેઠા અમારી સાથે પણ સહેજ અસ્વસ્થ હોય એવું લાગ્યું..ખાસ કાંઈ બોલતા ન હતા..મોટેભાગે મૌન રહ્યા. ઔપચારિકતા પતાવી અને તરતજ વિદાય થયા..પણ એમના ચહેરા પરની રેખાઓ તંગ થઇ ગઈ હતી..એ હું નોંધી શકી હતી.. બીજા દિવસે હું એમને ત્યાં ટ્યુશન માટે ગઈ..મારી સાથે વાત કરવાનું ટાળતા હોય એવું લાગ્યું..અને મેં એમને બોલાવવાનો પ્રયત્ન કર્યો તો સાવ શુષ્ક પ્રતિભાવ..જરા સરખીયે ઉષ્મા ના વર્તાઈ એમના વર્તનમાં...જોકે એમના આવા વર્તાવથી મને તો છૂપો આનંદજ થયો.. જાણે તીર બરોબર નિશાન ઉપરજ વાગ્યું હોય એમ લાગ્યું.. મારી આશા પૂરી થશે જ એવો હવે મને વિશ્વાસ થવા લાગ્યો.. હું કાંઈજ બોલી નહીં...બેસી રહી એમની સામે જોઇને.. મારું એમને ટીકી ટીકીને જોઈ રહેવું એમને અકળાવવા લાગ્યું..
“ શું જોઈ રહી છે મારી સામે..?”
“ શું થયું છે તમને.....હેં..??”
“ શું થવાનું છે મને ...કાંઈજ નથી થયું મને ..”
“ સાચું બોલો છો..?”
“હા “
“ ખરેખર સાચું બોલો છો..”
“હા...ખરેખર સાચું બોલું છું “
“ ના... તમે ખરેખર ખોટું બોલો છો.. ખબર નહીં પણ કેમ હું તમારા વર્તનમાં આવેલા ફેરફાર જોઈ શકું છું...અનુભવી શકું છું, મને દેખાય છે તમારા ચહેરાના બદલાતા હાવભાવ...તમારા ચહેરા પરની તંગ બનતી રેખાઓ....તમારા અવાજમાંથી આવતી તોછડાઈ...તમારો રુક્ષ વ્યવહાર.. અને..! અને..તમારી આંખમાં દેખાતો ઈર્ષ્યાનો ભાવ...”:
“ હા..હા..હા..હું જ ખરાબ છું.. મને ઈર્ષ્યા થાય છે એ લોકો માટે જે તારી સાથે મજાક-મસ્તી  કરે છે ...તને સ્પર્શ કરે છે.. “
અને એ સાથેજ સામે પડેલા હાર્મોનિયમને જોરથી લાત મારી....હાર્મોનિયમ તૂટી ગયું....હું અવાચક બની ગઈ...ગભરાઈ ગઈ .... મારા મોમાંથી ચીસ નીકળી ગઈ...મારા હાથોથી મારો ચહેરો ઢંકાઈ ગયો..
સુનમુન બેસી રહી હું... સમય સડસડાટ દોડતો હતો  અને હું, ક્યારની એકજ જગાએ બેઠી હતી.....
એ પણ એમના આસન પર જ્યાં બેસીને એ બધાને શીખવતા એજ જગાએ બેસી રહેલા.. વિચારોનું ધુમ્મસ બન્ને પક્ષે છવાયેલું હતું...  બહુવારે હું ઉભી થઇ અને ત્યાંથી જ મેં કહ્યું “ હું જાઉ છું...”
એ પણ ઉભા થયા, રસોડામાં ગયા ફ્રીઝમાંથી પાણીની બોટલ લઇને આવ્યા મારી પાસે  અને ગ્લાસમાં મને પાણી આપ્યું.. મેં એક ઘૂંટો પાણી પીધું અને જવા માંડ્યું ત્યાંજ એમણે પાછળથી મને કહ્યું ‘ આઈ’મ સોરી ... “

                                XXX                 XXX                XXX

અંત આવી ગયો મારી ભ્રાંતિનો....
સ્વીકૃતિ મળી ગઈ મારા અરમાનને...
એના વર્તનમાં એકદમ પરિવર્તન હતું.. એ વધારે ખુશ પણ દેખાતા  ...તો વધારે બોલકા  પણ બન્યા હતા.. એમની તમામ ગતીવિધીઓમાં આવેલા ફેરફારો કોઇના પણ ધ્યાને આવી શકે એટલા એ બદલાયેલા હતા..
એમના ઘરે બનેલા એ પ્રસંગ પછી ઘણાંબધા દિવસોએ આજે મળવાનું બન્યું.. અમે બન્ને એકલાંજ હતાં...બન્નેને કૈક બોલવું હતું પણ જીભ ઉપડતી નહતી...ખાસી વાર પછી પણ એ કશુંજ બોલ્યા નહીં... બહુ વાર એમજ બેસી રહ્યાં...મારી સામે જોઈ શકતા ન હતા...ક્યાંતો નીચે જોઈ રહેતા કે પછી આજુબાજુ દીવાલો પર જોતા હતા.. કંઇક કહેવાની ગડમથલ ચાલી રહી હતી..
“ ચકી... તને..તને બહુ દુઃખી કરીને મેં તે દિવસે...?”
મારી આંખમાંથી ગરમગરમ આંસુનું એક ટીપું એમના હાથ પર પડયું અને ત્યારેજ એમણે ઊંચું જોયું ..મારી સામે જોયું અને બોલ્યા ” ચકી, તું ક્યાંથી ઉડતી ઉડતી આવી ચડી આ સાવ કોરા આકાશમાં..હેં..!”
“બહુ રાહ જોઈ છે મેં...બહુ ઉડી..હા બસ ઉડીઉડીને થાકવામાંજ હતી અને મને મારો મુકામ દેખાયો તમારામાં..”
“પ...પણ... પણ, આ મુકામ પણ કાયમી નથી ચકી...!!.”
“ કેમ...????”
મારા પર આભ તૂટી પડ્યું...મારી આંખોમાંથી આંસુનો ધોધ વહેવા માંડ્યો..વિખરાઈ ગયો સપનાનો માળો... હજુતો તણખલા વિણતા અને ગોઠવતામાંજ જાણે વિખરાઈ ગયો...
“ ચકી...પ્લીઝ..! તું સાંભળ મને..”
મારી આંખો ધોધમાર વરસી રહી હતી..
“ શું સાંભળું હવે...હેં..??”
“ મારા અંગત પ્રશ્નો છે..”
“એ તમારું અંગત આપણું અંગત ના બની શકે..?” મેં રીતસર આજીજી કરવા માંડી..
“ ના ચકી ના...હું મારા વિષાદોને વહેંચી નથી શકતો...મારા આનંદમાં તું સહભાગી થઇ શકે પણ ના, મારા વિષાદો મારા પુરતાજ છે..”
“ હું શું એટલી નિકટ નથી કે...????”
“ ખબર નથી..”
“ કેમ..??”
“ ચકી...મારી કમનસીબી એ છે કે હું કશું પામી નથી શકતો..”
એ દિવસે પછી બહુ લાંબી વાત ના થઇ શકી..
મારી આંખો રડી રહી હતી ..મન વિષાદગ્રસ્ત હતું અને હૃદય તેની નિયત ગતિથી બમણાં વેગે ચાલતું હતું...શ્વાસ ધમણની પેઠે તીવ્ર ગતિથી ચાલતા હતા..અમે બંનેએ એકબીજાની સામે જોયું નજરો મળી અને તરતજ એમને નજર ફેરવી લીધી.... હું જોઈ શકી કે મારા મોં પરના ભાવ એને બહુ કનડતા હતા., કોણ જાણે કેમ એ દિવસે એ મારી આંખોનો સામનો કરી શકતા ન હતા અને એટલે અનાયાસ ઉભા થયા અને એક હરફ પણ ઉચ્ચાર્યા વગર જતા રહ્યા....હું  રડતી કકળતી રહી.. કોઈ હતું નહીં કે જે મારા આંસુ લુછી શકે..

                              XXX            XXX                XXX

એ દિવસની ઘટના પછી મેં સંગીત ક્લાસમાં જવાનું બંધ કરી દીધું ...
છેલ્લા એક અઠવાડીયાથી તબિયત પણ બગડી છે..
શરીર બહુ ક્ષીણ થઇ ગયું છે.. કશુંજ ગમતું નથી...બેડમાં પડીજ રહી છું..
ખાસ્સી વારે દરવાજો નોક થયો.. મેં  ઉભા થયા વગરજ બૂમ પાડી
“ કમ ઓન ઇન...!!!”
દરવાજો ખૂલ્યો..મેં મારી પાછળ ગોઠવાયેલા લાર્જ સાઈઝ મિરરમાંથી એમને જોયા..
આવ્યા મારી પાસે ....મારા બેડની બાજુમાં  એક ચેર હતી તેના પર બેસી ગયા..
મૌન હતા.. હું ધારી ધારીને એમના ચહેરા સામે જોઈ રહી હતી...
“ ચકી..! બહુ ચિંતા થતી હતી તારી..” બહુ વારે તેઓ બોલ્યા.. અવાજમાં ખર્રાશ આવી ગઈ હતી..
“ કેમ....?? મારી ચિંતા કરવા  જેવો સંબંધ છે આપણો..??
એમણે મારી હથેળી હાથમાં લીધી..અને તેના પર બીજો હાથ ફેરવતા રહ્યા... બસ નીચું જોઇને બેસી રહ્યા..
પહેલીજ વખત પરપુરુષના સ્પર્શનો અનુભવ થયો....ક્ષીણ શરીરે પણ સ્પર્શના કાનખજૂરાના સળવળાટનો અનુભવ અત્યંત રોમાંચકારી લાગ્યો....રોમરોમ પ્રગટ્યું સ્પર્શનું અજવાળું.....શરીરમાં રક્તનું જાણે પૂર આવ્યું હોય તેમ આખા શરીરમાં ભ્રમણ થવા માંડ્યું..શરીરનું ઉષ્ણતામાન અસામાન્ય બનવા લાગ્યું....મારા પગ ભીડાવા માંડ્યા અને પગની આંટીઓ વળી ગઈ..
અને એક ગરમ ગરમ પાણીનું બુંદ મારા હાથ પર પડ્યું.. હું ચમકી ગઈ.. બસ... સ્પર્શનો રોમાંચ ઓસરી ગયો.. ત્વચા અને શરીરનાં અન્ય કોશો ઢીલાં થઇ ગયાં..  મેં એમની સામે જોયું.. એમણે પણ મારી સામે જોયું... હોઠ ભીડાયેલા હતા અને નકારમાં માથું ધુણાવતા હતા..સહેજ અધડુંકા ઉભા થયા.. ખિસ્સામાંથી એક નાનકડું એન્વેલપ મારા હાથમાં પકડાવી દીધું અને મારા હાથ પર એક ચૂંબન કરીને સડસડાટ બહાર નીકળી ગયા.. હું કાંઈ પણ સમજુ એ પહેલાતો એ નીકળી ગયા... મારી બૂમ મારા હોઠ પાસે આવીને થંભી ગઈ.. થોડીવાર લાગી મને આ ઝંઝાવાતમાંથી બહાર આવતા અને સ્વસ્થ થતાં.. મેં એન્વેલપ ખોલ્યું.. એક  મોટા કાગળ પર બરોબર વચ્ચે કાળા મોટ્ટા અક્ષરે લખ્યું હતું... “ ના “
અને પછી નીચે નાના અક્ષરે લખ્યું હતું..  
“મારી વહાલી ચકી..     
ચકી...મારી કમનસીબી એ છે કે હું કશુંજ પામી નથી શકતો.. હું..શાપિત પુરુષ છું... હા હું શાપિત પુરુષ છું.. હું..હું.. હું.. સત્વહીન પુરુષ છું....”

મારા હાથમાંથી કાગળ પડી ગયો..
     
                                XXX                XXX             XXX

આજે આ વહેલી પરોઢે એકાંતમાં એ વિખરાયેલા ચહેરાની કરચો ભેગી કરું છું...અને તોયે ક્યાં થાય છે ભેગો સંપૂર્ણ ચહેરો..
આમતેમ વિખરાયેલા એકાંતનાં ટુકડાઓમાંથી અનાયાસ ઉપસી આવેલો એ ચહેરો ભલે  પીડા આપતો, ભલે દર્દ આપતો.. તોય એ ચહેરો મારો છે.. મારા અંતરમાં એ કેદ છે
મારા કાનમાં ગુંજે છે એના ગીતનાં શબ્દો..
“પાસપાસે તોય,
કેટલાં જોજન દુરનો આપણો વાસ..!
આમતો ગગન સાવ અડોઅડ,
તોય છેટાંનો ભાસ ......!! “
                                              XXXXXXXXXXX


                                                                                વિજય ઠક્કર