Monday, July 4, 2016

થેન્ક્સ બેબી...


નિકોલસ  હોલ  ચિક્કાર ભરાયેલો હતો..અમેરિકન એકેડેમી ઑફ ગુજરાતી લિટરેચર એન્ડ કલ્ચર
(એ એ જી એલ સી)નું સિલ્વર જ્યુબિલી ફંક્શન હતું. સમગ્ર અમેરિકામાંથી આવેલા સાહિત્યરસિક પ્રેક્ષકથી આખો સભા-ખંડ ઉભરાઈ રહ્યો હતો અને એનું કારણ એ હતું કે આજે આ સભાને સંબોધન કરવા એક એવી વ્યક્તિ આવવાની છે કે જે મૂળેતો સાહિત્યકાર છે અને એવો વિક્રમસર્જક સાહિત્યકાર છે જેણે ગુજરાતી સાહિત્ય સર્જનના ક્ષેત્રનાં તમામ રેકોર્ડ્સ પોતાના નામે કરી નાખ્યા છે...ભારત સરકારે એમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. તેઓ જેટલા સારા સર્જક છે તેનાથી પણ સારા વક્તા છે....અનેક ભાષાઓ પર તેનું  જબરદસ્ત પ્રભુત્વ છે...એમને સાંભળવા તે એક લહાવો છે....અમેરિકાના ગુજરાતીઓને સંબોધવા આજે પહેલી વખત તે આવી રહ્યા છે...લોકોમાં એમને સાંભળવાનો સખ્ત ક્રેઝ છે....બધાં લોકો આગન્તુકની વાટ જોતા હતાં.... થોડીવારમાં એક લીમોઝીન નિકોલસ હોલના દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ...શોફરે દરવાજો ખોલ્યો અને એક પુરુષ બહાર આવ્યો.... હોલની બહાર એમને આવકારવા ઉભેલા એકેડેમીના પ્રબંધક અને પ્રેક્ષકનો, એ આગંતુક જ આજના અતિથી વક્તા હોવાનો વિશ્વાસ દ્રઢ થઇ ગયો. લગભગ પંચાવનની આસપાસ ઉંમર...સ્ટાઉટ એથ્લેટિક બોડી.. કેને કૉલના ગ્રેઇશ બ્લુ કલરના સુટમાં રાલ્ફ લોરેનનું વ્હાઈટ શર્ટ અને તેના પર ડાર્ક બ્લુ બેઈઝ અને યેલો સ્ટ્રાઈપ્સવાળી ટાઈ, પ્રાડાના રીમલેસ ગ્લાસીસ, સોલ્ટ એન્ડ પીપરી-મેટીક્યુલસલી ટ્રીમ કરેલી બીયર્ડ... સુંદર હેરસ્ટાઈલ અને કાન પરના સફેદ વાળ...એક હાથમાં પાઈપ અને બીજા હાથમાં બે-ત્રણ પુસ્તકો અને યુવાનને પણ શરમાવે તેવી એકદમ સ્ફૂર્તીલી ચાલ... કોઈ પણ સ્ત્રીને મોહી લેવા માટેનો પૂરતો કેરીઝમા તેનામાં હતો.
શ્રીમતી સંયુક્તા બ્રહ્મર્ષિએ આયોજકો વતી તેમને આવકાર્યા... ચાર આંખો ભેગી થતાંજ મગજમાં એક ચમકારો થયો.. ગુજરાતી ઢબની સાડીમાં બ્યુટીફૂલ લેડી અશર્સ બન્ને જણને ડાયસ તરફ લઈ ગયાં...હોલમાં ઉપસ્થિત તમામ શ્રોતાઓએ ઉભા થઈને ખૂબ ક્લેપ્સથી તેમને આવકાર આપ્યો...તેમણે હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું..અને તેમની સીટ પાસે આવીને નમસ્કારની મુદ્રામાં ઉભા રહી ગયા...થોડી વાર સુધી ક્લેપીંગ ચાલુ રહ્યું...
સમારંભની શરૂઆતમાં એ.એ.જી.એલ.સીના ન્યૂ જર્સી ચેપ્ટરના અધ્યક્ષા શ્રીમતી સંયુક્તા બ્રહ્મર્ષીએ બુકે અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું... સ્ટેજ પર ફક્ત તેઓ બેજ હતાં જ્યારે બાકીના તમામ મહાનુભાવો સામે ફર્સ્ટ રોમાં બેઠા હતાં.. ઔપચારિકતાઓ પતી અને અતિથી વક્તાનો પરિચય આપવા માટે અધ્યક્ષ મહોદયા પોડિયમ પાસે આવ્યા....અને બોલવાનું શરુ કર્યું..
"મિત્રો અને ગુજરાતીના સાહિત્યરસિક શ્રોતાઓ....એ.એ.જી.એલ.સીનું ગૌરવ અને સદભાગ્ય છે કે તેના રજત મહોત્સવમાં ગુજરાત અને ગુજરાતીના એક સવાયા પુરુષ ..બહુચર્ચિત અને બહુપ્રચલિત લેખક...અરે તેથીએ વધારે, અત્યંત પ્રભાવક વક્તા પધાર્યા છે...એમનો પરિચય એમની કલમ દ્વારા આપણને સૌને છે જ અને શ્રેષ્ઠ વક્તા તરીકેનો તેમનો પરિચય થોડી વારમાં આપણને મળશે.. પણ મારે જે કહેવું છે તે તેમના વ્યક્તિત્વ વિષે ......મારું સદભાગ્ય કહું કે  દુર્ભાગ્ય ??? મને એમની સાથે થોડો વખત કામ કરવાનો મોકો મળ્યો છે. ખુબ લાંબો સમય વિતી ગયો છે એ વાતને જોકે પણ મેં એમને એ સમયે જેવા જોયા હતા-અનુભવ્યા હતા એવાજ એ અત્યારે પણ હશે એ વિષે મને લેશમાત્ર સંશય નથી. મેં તેમને કેવા જોયા -અનુભવ્યા હતા એ આપને કહું..?” ઓડીટોરીયમમાંથી એકસાથે ઘણા બધાનો હકાર સંભળાયો.. એટલે સંયુક્તાએ ફરી બોલવાનું શરુ કર્યું.
પારદર્શક છતાંય ભ્રામક વ્યક્તિત્વ ...અત્યંત પ્રામાણિક.....એમને નફરત કરવાવાળા પણ એમની સાથેના સંગાથે એમનાં પ્રેમમાં અચૂક પડી જાય... એમની લાગણી પણ માણવા જેવી....પછી એ કોઈ વિદ્યાર્થી પ્રત્યે હોય, સહકાર્યકર સાથેની હોય કે પછી કોઈ દોસ્ત સાથેની હોય.. આપણું આતિથ્ય સ્વીકારીને તેમણે, એ.એ.જી.એલ.સી ની અને સમગ્ર અમેરિકામાં નિવાસ કરતા ગુજરાતી સાહિત્ય પ્રેમીઓની શોભા વધારી છે એમ કહેવામાં હું જરા પણ અતિશયોક્તિ નથી કરતી.. ન્યૂ જર્સી ચેપ્ટર આ વખતે હોસ્ટ હોવાને નાતે અને એ.એ.જી.એલ.સીના અધ્યક્ષ હોવાને નાતે મેં તેમને પત્ર લખ્યો હતો અને આમંત્રણ આપ્યું હતું  ત્યારે પ્રત્યુત્તરમાં એમણે જે લખી મોકલ્યું તે અક્ષરશ: આ પ્રમાણે હતું. હું સમજું છું કે તે વખતે તેમને મારો પરિચય નહીં થયો હોય...!! ફક્ત ત્રણ વાક્યનો સ્વીકૃતિપત્ર આપ સૌ શ્રોતાઓને વાંચી સંભળાવું છું.
સંયુક્તાએ  રીડીંગ ગ્લાસીસ પહેર્યા અને પત્ર વાંચવા માંડ્યો.
અધ્યક્ષ મહોદયા, અમેરિકન એકેડેમી ઓફ ગુજરાતી લીટરેચર એન્ડ કલ્ચર, ન્યૂ જર્સી.,
આપના આમંત્રણનો અસ્વીકાર કરવાની દુષ્ટતા હું નથી કરી શકતો....કારણ આપના દેશ સાથેતો હું લાગણીથી જોડાયેલો છું....સત્ય એ છે કે મારા અસ્તિત્વનો એક ટૂકડો આપના દેશમાં જ ક્યાંક છે....મારા જીવનની મધુરી ક્ષણ ને લઈને કોઈક ત્યાં ગોપાઈ ગયું છે....જેને હું શોધું છું... ચાલો, આપના નિમિત્તે હું તેમ કરી શકીશ... આપના આયોજન દ્વારા મને એક નિમિત્ત મળી ગયું.. હું સ્વીકાર કરું છું આપનું આમંત્રણ...!! સંયુક્તાએ એક નજર એમના તરફ કરી અને કહ્યું : "સર...., લ્યો આપનો બહુ  મોટો ચાહકવર્ગ અહીં મોજુદ છે...આપના ખુબ વખાણ સૌએ સાંભળ્યા છે અને આપની કલમમાંથી વહી આવતા શબ્દો દ્વારા મદહોશી અનુભવતો આ તમારો બહોળો વાચકવર્ગ આપને સાંભળવા ઉત્સુક છે... હું આપની અને આપના શ્રોતા વચ્ચેથી ખસી જાઉં છું...! મેં આઈ નાવ રીક્વેસ્ટ આર ગેસ્ટ સ્પીકર મિસ્ટર સાર્થક માનસેતા ટુ એડ્રેસ ધીસ લવલી ક્રાઉડ..... અને હા,ધેર ઇઝ નો ટાઈમ લીમીટ..."
અનાઉન્સમેન્ટ થતાં જ હોલમાં સળવળાટ ચાલુ થઇ ગયો... અને સાર્થક તેમની ચેર પર થી ઉભા થયા અને એ સાથે તમામ ઉપસ્થિત લોકો પણ હોલમાં એક સાથે ઉભા થઇ ગયા અને ખૂબ તાળીઓથી તેમને વધાવી લીધા...સાર્થક એમની ચેરથી પોડિયમ સુધી પહોચ્યા પછી પણ તાળીઓ ચાલુ જ રહી...છેવટે અધ્યક્ષાએ ઉભા થઇ તમામને બે હાથથી સ્થાન ગ્રહણ કરવા ઈશારો કર્યો...બસ થોડી ક્ષણોમાં હોલમાં સન્નાટો વ્યાપી ગયો.સાર્થક લેક્ટમ પાસે આવ્યો..સહેજ ગળું સાફ કર્યું, એકાદ ક્ષણનો વિચાર કર્યો....અધ્યક્ષાની ચેર તરફ જોયું ....બન્ને નજર એક થઇ...સમ્બોધનની શરૂઆત માટેની સંમતી જાણે આંખો દ્વારા મેળવી લીધી...! આપના આ અધ્યક્ષ મહોદયા મારા એક વખતનાં સાથી છે...આમંત્રણ મળ્યું ત્યારે એમનાં નામથી ભ્રમિત થયો..પણ અક્ષર તો અત્યંત પરિચિત હતાં.....ઓળખી ગયો હતો.... અને હા દોસ્તો આપ સર્વની ક્ષમાયાચના સાથે બીજી એક મારી અંગત વાત... આપનાં આ મેડમને મને માનવાચક સમ્બોધન કરીને બોલાવવાનું નહિ ફાવે...!"
ફરી એનાં તરફ જોયું...સંયુકતાએ હસતા હસતા હાથના ઇશારે પરમીશન જાણે આપી દીધી.
"સંયુક્તા અને મારાં સ્વજનો ..."
એકદમ ટૂંકું છતાં મોહક સંબોધન....! ઘેરા અવાજમાં થયેલા એ સંબોધનથી લોકોમાં ઉન્માદ વ્યાપી ગયો..અવાજની ગહેરાઈથી કેટલીયે સ્ત્રીઓની સીસક નીકળી ગઈ...હોલમાં એક સાથે "ઓ વાવ" અવાજ આવ્યો..અને ફરી પછી તાળીઓ....
"સંયુક્તાએ કહ્યું...આ દેશ સાથે મારે લાગણીનો સંબંધ છે...,સત્ય છે...,હાજી, સત્ય છે એ....અને એટલે જે સંબંધમાં હૃદયનો હસ્તક્ષેપ હોય એની આસપાસનું તમામ જીવંત કે નિર્જીવ પણ સ્વજનજ હોયને...???? મને ત્રણેક વિષયો સૂચવાયા હતાં....મારી પસંદગી પ્રતીક્ષા પર ઢળી...કારણ આ...આ  આપનો દેશ મને બોલાવે એની મને વર્ષોથી પ્રતીક્ષા હતી...ઝંખના હતી....દોસ્તો, સાર્થકની એજ સાર્થકતા છે કે એની એ ઇચ્છા આજે સાર્થક થઇ......?? "
થોડી ક્ષણનું મૌન આખા ઓડીટોરીયમમાં લોકોનાં શ્વાસના અને ઉપર સીલિંગમાં ફરતા પંખાઓનો જ અવાજ સંભળાતો હતો...પોડિયમ પર પડેલા ગ્લાસમાંથી એક ઘૂંટો પાણી પીધું એક નજર એમણે સભાગૃહમાં નાખી લીધી અને ફરી પાછા બોલવાનું શરુ કર્યું.
"મિત્રો પ્રતીક્ષા વિષય પર જ આવી જાઉં....જીવન એટલે પ્રતીક્ષાની વણઝાર....માના ગર્ભથી લઈને ગંગાજળનું એક ટીપું મુખમાં પડે તે બે ઘટનાઓ વચ્ચે ઘટતી ઘટનાઓની ઘટમાળ એ પ્રતીક્ષા....માંના ગર્ભમાં ઉછરતા ભ્રુણને જીવનપ્રવેશની પ્રતીક્ષા તો મરણપથારીએ કણસતા જીવને જીવનમુક્તિની પ્રતિક્ષા...શિશુને જન્મ લેવાની  તો માને જન્મ આપવાની પ્રતીક્ષા..
પ્રતીક્ષા એ તો નશો છે અને નશામાં મદહોશ રહેવામાં જે મજા છે એ પ્રાપ્તિમાં ક્યાં છે ?
પ્રાપ્તિ એ તો હેંગઓવર ઓવર છે.પ્રતીક્ષામાં પીડા છે..વિરહ છે..મૂંઝવણ છે...તાલાવેલી છે..છટપટાહટ છે.
જીવનમાં જયારે કશાની કે કોઈની પ્રતીક્ષા ના રહે ત્યારે એવી વ્યક્તિ જીવિત છતાં મૃતઅવસ્થામાં છે એમ અચૂક માનવું.
આપણા શાસ્ત્રોમાં-પૂરાણકથાઓમાં વર્ણવાયેલાં કેટલાંક પાત્રોની પ્રતીક્ષા યાદ કરવા જેવી છે...
ઉર્મિલાએ કરેલી લક્ષ્મણની પ્રતીક્ષા.. શકુંતલાએ કરેલી દુષ્યંતની પ્રતીક્ષા...શબરીની રામદર્શનની પ્રતીક્ષા..
અહલ્યાની રામસ્પર્શની પ્રતીક્ષા...સીતાની રામમિલનની પ્રતીક્ષા...
આમાંથી કોની પ્રતીક્ષા મહાન...??? પ્રતીક્ષામાં વળી મહાનતા કેવી..??? એમાંતો દુઃખ છે, વેદના છે, વિરહ છે, તડપ છે..
જેના અંગેઅંગ યૌવનની ભરપૂર વસંત ખીલી છે એવી નવયૌવનાને વસંતના વધામણાં થાય એની પ્રતીક્ષા તો લગ્નની ચોરીમાં ફેરા ફરતાંય જેની આંખો વિહવળતાથી લગ્નમંડપમાં પોતાના પ્રિયજનને શોધતી હોય અને એનાં આગમનની આતુરતાથી પ્રતીક્ષા કરતી હોય....!!
પ્રવચન તો ખૂબ લાંબુ ચાલ્યું... સભાગૃહમાં સન્નાટો હતો... ફક્ત લોકોનાં શ્વાસોછ્વાસનાં તો ક્યારેક કોઈકનો ખાંસવાનો અવાજ આવતો હતો.. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા..
"આપની રજા લઉં" એટલું બોલીને સાર્થક જ્યારે એમની વાત પૂરી કરીને એમની ચેર તરફ ગયા...ત્યારે શ્રોતા ટ્રાન્સમાંથી બહાર આવ્યા... જાણે સંમોહન થયું હોય એવી અનુભૂતિ સૌને થતી હતી... સાર્થક, ચેર તરફ આવતા જ સયુંક્તા પોતાના સ્થાને ઉભી થઇ ગઈ અને એ સાથે જ હોલમાં ઉપસ્થિત તમામ શ્રોતા પણ એમને અનુસરતાં ઉભા થઈ ગયાં અને  ખૂબ તાળીઓ વગાડી એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું...કાર્યક્રમ પૂરો થયો...ઘણાંબધાં પ્રેક્ષક ડાયસ પર એમને મળવા ધસી આવ્યા...સાર્થક થોડી બેચેની અનુભવતો હતો.... ભીડથી ઘેરાઈ જવાના પ્રસંગતો તમામ કાર્યક્રમોમાં બનતા,પરંતુ આજે તો એને એકાંતનો ખપ હતો ને....! આજે કશું નહિ ફક્ત સંયુક્તા સાથે વધારેમાં વધારે સમય વિતાવવો હતો...આજે અનાયાસ, મનગમતું અત્યંત સુખદ આશ્ચર્ય સયુક્તાનાં સ્વરૂપે તેની સામે આવ્યું હતું...અને હવે તે ઝડપથી તેની અનુભૂતિ કરવા માંગતો હતો.. સયુંક્તાએ સાર્થકના મ્હો પર ભીડના કારણે અણગમાના ભાવ જોયા અને તે એમની મદદે આવી... બહુ ઓછા લોકો રહ્યા..બધા પ્રબંધક સાથે ઔપચારિકતા પતાવી. સંયુક્તાએ સાર્થકને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું....સ્વીકાર્યું....!
લીમોઝીનમાં પડેલો તેનો લગેજ સંયુક્તાની મર્સીડીસ કારમાં ટ્રાન્સફર થઇ ગયો.
સંયુક્તા બધા આયોજકોનો આભાર માનવા માટે ગઈ ત્યાં સુધીમાં સાર્થકે ઓપન સ્પેઇસમાં જઈ પાઈપ સળગાવી. સાર્થક માટે પાઈપ પીવી એ અનિવાર્ય બની ગયું છે. સંયુક્તા ત્યાં આવી અને તેના મ્હો પર પાઈપના કારણે અણગમાનો ભાવ આવી ગયો પણ એ કશું બોલી નહિ અને ગાડી તરફ ચાલવા માંડી..સાર્થક આ અણગમો પામી ગયો પણ કશું બન્યું નથી એમ રાખીને સાર્થક તેને ફોલો કરવા માંડ્યો. સંયુકતાની મર્સીડીસ કાર ઘર તરફ સડસડાટ દોડવા માંડી.... ગાડી પૂરપાટ જતી હતી અને એટલાજ ઝડપથી વિચારો પણ !!! ...બંનેમાંથી કોઈ કશું બોલતું ન હતું. સયુંક્તાનું ઘર ખાસ્સું દૂર ન્યૂયોર્ક અપસ્ટેટમાં હતું... બંને જણ પોતપોતાના મનાકાશમાં વિહરી રહ્યાં હતાં.....લગભગ એક કલાકના ડ્રાઈવ પછી ગાડી એક મોટા વિલાના પોર્ચમાં  આવીને ઉભી રહી...ખૂબજ સુંદર લોકેશન અને એકસ્ટ્રીમ કોર્નર પરનું આ હાઉસ હતું...ડાબી બાજુએ વિશાળ પોન્ડ હતું અને એમાં પક્ષીઓ તરતાં હતાં...એની ફરતે સ્ટ્રીટ લાઈટ્સનો મદ્ધિમ ઉજાસ અને વિલાની ચારે બાજુથી સ્પોટ લાઈટ્સ દ્વારા ફેંકાતા પીળા અજવાળામાં વિલા કોઈ મોન્યુમેન્ટની જેમ શોભતું હતું. ઘરની અંદરની સજાવટ પણ બેનમૂન હતી.. એથનિક અને કન્ટેમ્પરરીનાં સમન્વયવાળું ફર્નીચર-પેઈન્ટીંગ્સ- કર્ટેન્સ- ક્રોકરી અને ઘરની એકેએક ચીજ મેટીક્યુલસલી ગોઠવેલી હતી....મેઈન હોલની બાજુમાં એક રૂમ હતો જે ગ્લાસડોરથી બંધ હતો...
"આવો આ મારા આશિયાનામાં આપનું સ્વાગત છે,મિસ્ટર સાર્થક માનસેતા.." ખડખડાટ હસી પડી..
"થેન્કસ સાયુ...!"એજ સંબોધન થઈ ગયું જે વર્ષો પહેલાં તે સંયુક્તા માટે કરતો...જોકે વર્ષો પહેલાજ કેમ અત્યારે પણ અસંખ્યવાર મનમાંને મનમાં તો એ સંબોધન કરે જ છે અને એટલે જ મનની વાત પ્રગટ થઇ ગઈ..
" બહુજ સારું લાગ્યું સાર્થ.." સયુંક્તાએ પણ એજ સંબોધન કર્યું જે તે પહેલા કરતી હતી.....
"તારે ફ્રેશ થવું છે..??ચેઈન્જ કરીલે...હું પણ ચેઈન્જ કરીને આવું..."
થોડીવારે જયારે સંયુકતા ચેંજ કરીને આવી ત્યારે સાર્થક લાયબ્રેરી રૂમમાં પુસ્તકો જોતો હતો...ખુબજ સુંદર  રીતે ગોઠવાયેલી હતી લાયબ્રેરી...દુનિયાનાં તમામ પ્રચલિત લેખકોનાં પુસ્તકો હતાં..એમાં એના પુસ્તકો પણ હતાં. ભારતીય લેખકોના વિભાગમાંથી સાર્થે એક પુસ્તક લીધું અને સામે રીક્લાઈનરમાં બેસીને પાના ઉથલાવવા માંડ્યો.
સંયુક્તા કિચનમાં કશુંક કામ કરતી હતી અને જોતી પણ હતી સાર્થને...ધીમેધીમે એની પાછળ આવીને ઉભી રહી ગઈ...સાર્થ પહેલું પાનું ખોલીને એકીટસે જોયા કરતો હતો એના લખાણ પર...લખ્યું હતું..
અર્પણ: વરસી ના વરસીને અલોપ થઇ ગયેલી એક વાદળીને.......- સાર્થક
"તારુજ પુસ્તક છે અને લખાણ પણ તારુંતો છે...,તો પછી...કેમ આટલા કુતુહલથી જુએ છે સાર્થ?"
"આપણને ક્યારેક આપણા વિષે પણ કુતુહલ થતું હોય છે ને સાયુ ...."
" સાયુ... તારા હસબંડ ક્યાં છે...? એન્ડ વ્હોટ અબોઉટ યોર ચિલ્ડ્રન ?"
"કેમ એ બધું તમને એકદમ યાદ આવ્યું..?"
"બસ એમજ...કોઈ ઘરમાં દેખાતું નથી એટલે...!!!"
" અહીં કોઈ જ નથી..." થોડીવાર મૌન રહી અને પછી બોલી...
"અમારા  ડિવોર્સ થઈ ગયા  છે...એ મારા એક્સ હસબન્ડ, ન્યૂયોર્કમાં ક્યાંક રહે છે...કોઈ ફિલીપીનો લેડી સાથે એમણે લગ્ન કરી લીધા છે, દીકરો ડોક્ટર છે...કેલીફોર્નીયામાં એની પત્ની સાથે રહે છે ખુશ છે...બોલો આનાથી વધારે કાંઈ પૂછવું છે ?''
"ના.."
"................"
"એક વાત કહું સાર્થ ...એ બધી વાત આપણે પછી ક્યારેક કરીએ તો....આજે હું બહુ ખુશ છું અને તમારી સાથે નો સમય હું વેડફી નાખવા નથી માંગતી...એ મારા જીવનનો અંધારો ઓરડો છે અને એના કમાડ મેં બહુ સખ્ત રીતે ભીડી દીધાં છે...."
"..................." સાર્થક મૌન થઇ ગયો શું બોલવું તે સમજણ પડતી ન હતી ...
" ચાલ હું ચાય બનાવું....પછી કશુંક ખાઈએ..?" સંયુક્તા કિચનમાં ગઈ..
"સાર્થક તું પણ અહીં જ આવી ને બેસ ...હું કામ કરતી જઈશ અને તારી સાથે વાતો પણ કરતી જઈશ"....સાર્થક  પણ તેની પાછળ કિચનમાં ગયો..કિચન જોઇને સાર્થકથી "વાહ" બોલાઈ ગયું.. વિશાળ કિચન અને અતિ આધુનિક અપ્લાયન્સીસ અને ગ્લાસ શોકેસમાં ગોઠવેલી કીમતી સ્કોટ ઝવિસેલની ક્રિસ્ટલ ક્રોકરી, લાઈટ પિંક ગ્રેનાઈટ મઢેલું વોલ ટુ વોલ કિચન પ્લેટફોર્મ અને તેની સામે સર્વિસ પ્લેટફોર્મ....અને ત્યાં બેસવા માટેની લેધર સીટવાળી સ્ટીલ ફ્રેમની પબ ચેર્સ હતી..સામે ડાઇનીંગ એરિયામાં ૧૨ લોકો એક સાથે બેસીને ખાઈ શકે એવું મોટું ગ્લાસનું ડાઈનીંગ ટેબલ, ભવ્ય કિચન હતું. સર્વિસ ટેબલ પર પબ ચેર પર સાર્થ બેસી ગયો... ચાય પીતા-પીતા આડીઅવળી ઘણી વાતો કરી...
"સાયુ...મને તારા જીવનની કરુણતા વિષે જરા પણ અણસાર નહતો..તું અહીં ઝઝૂમી-ઝૂરી અને હું ત્યાં ઝૂર્યો, હું તો બસ તારી રાહ જોતો રહ્યો..હતું કે તું આવીશ...તું તો ના આવી પણ મને તારી પાસે બોલાવી લીધો..!"
"સાર્થ, સાચું કહું તો હું તો ઇચ્છતીજ હતી કે તું અહીં આવે...."
"સાયુ ....અહીં તારા ઘરમાં બીજું કોઈ નથી અને હું તારી સાથે છું...!એક પરપુરુષ સાથે એકલા રહેવાનું....!!!
"તું મારા માટે પરપુરુષ...! હેં સાર્થ ! મારા જીવનનો મારે કોઈને હિસાબ નથી આપવાનો ... મને લાગે છે સાર્થ તું કન્ફયુઝ છે....., ખુલી જા સાર્થ, ખુલી જા..."
"એટલું બધું કહેવું છે કે ક્યાંથી શરૂઆત કરવી એજ ખબર નથી પડતી.."
"આપણા બંનેની કદાચ એકસરખી પરિસ્થિતિ છે .."
"સાયુ, આપણે મળ્યા એ સંજોગ હતો પણ વિખૂટા પડવું એ દુર્ઘટના હતી...પંગુતા આવી ગઈ....અપંગ બની ગયો હોઉં એવી લાગણી સતત થયા કરતી...."
"તારાથી દૂર થઈને હું સુખી હતી એવું ના માનીશ સાર્થ...તારા તરફ લાગણી વહેવી ક્યારે,કેવી રીતે શરુ થઇ એની મને તો ખબર પણ ન હતી રહી....બસ હુંતો ઢસડાઈ આવી હતી તારા તરફ..પણ વિધાતાનું વિધાન તો કંઈક જૂદું જ હતું ને.....?
"ખૂબ નામ મળ્યું...શોહરત મળી, પુષ્કળ પૈસાતો મળ્યાજ... અરે સત્તા પણ મળી... પણ એ બધું   કોના માટે હેં...? બે ઘડી કશું બોલી નહીં અને એક નિસાસો નાખ્યો અને ફરી બોલવાનું શરુ કર્યું..."જેના માટે હતું એની નિયતિમાં ન હતું...વર્ સુધીનાં ઘર્ષણ અને સંઘર્ષને અંતે અમે છૂટા પડ્યા... દીકરીનું પઝેશન મેં સ્વેચ્છાએ સ્વીકાર્યું અને એને ખૂબ સરસ રીતે ઉછેરી, ડોક્ટર બનાવી. દીકરી એની પસંદના એના કલીગ બંગાળી ડોક્ટરને પરણી અને કોલકત્તામાં સેટલ થઇ ગઈ..."
"સાર્થ અરે....! વાતોમા ને વાતોમાં હુંતો જમવાનું બનાવવાનું જ ભૂલી ગઈ....બોલ શું ખાઈશ ?"
"કાંઈ પણ...લાઈટ..."
"સાયુ...! સદભાગ્ય એ છે કે મારી વર્ષોની પ્રતીક્ષા પૂર્ણ થઇ...તને મળ્યા પછીનો હવે કુદરતનો કોઈપણ ફેંસલો મંજુર છે..."
થોડીવાર આડીઅવળી વાતો થતી રહી એટલામાં  સંયુક્તાએ કીનવા-સેલડ, સ્ક્રેમ્બ્લ્ડ એગ્સ  અને સેન્ડવીચીઝ તૈયાર કરી દીધાં અને સાથે ફ્રેશ મિક્સ ફ્રુટપંચના મોટા બે ગ્લાસ ભરીને મૂકી દીધા. બંને જણ થોડું જમ્યા...
"સાર્થ....! આવ આપણે ગાર્ડનમાં બેસીયે"...ખુબ સુંદર લેન્ડસ્કેપીંગ કરેલું હતું......અને સ્પ્રીન્ગને લીધે ટેમ્પરેચર પણ મઝાનું હતું...એમ કહીએકે માદક હતું...ગાર્ડનમાં ચેર્સ અને સેન્ટર ટેબલ મુકેલાં હતા..સાર્થ આવીને ત્યાં ચેર પર ગોઠવાઈ ગયો....સંયુક્તા ફ્રેશ થવા ગઈ...અને જ્યારે  આવી ત્યારે વ્હાઈટ ટ્રાન્સપરન્ટ નાઈટ ડ્રેસ પેહરીને આવી...હાથમાં ટ્રે હતી અને તેમાં બે વાઈન ગ્લાસ હતાં સાથે એક વાઈન બોટલ હતી...સેન્ટર ટેબલ સજાવી દીધું..." સાર્થ મને ખબર છે તને ડ્રીંક કરવાનું ખુબ ગમે છે અને એટલેજ જેવું તારું અહીં આવવાનું કન્ફર્મેશન આવ્યું પછી મેં  ઓસ્ટ્રેલીયન વાઈન સ્પેશ્યલ ઓર્ડરથી મંગાવ્યો...બહુ સરસ વાઈન છે  "કોલોનિયલ એસ્ટેટ એમીગર " યુ વિલ એન્જોય સાર્થ...!"

" થેન્ક્સ બેબી " સાર્થક પણ ધીમે ધીમે રોમેન્ટિક મૂડમાં આવતો હતો...પાઈપ સળગાવી સંયુક્તાના ચહેરા પર અણગમાનો ભાવ આવ્યો પણ તરત તેણે હાવભાવ બદલી નાખ્યા કારણ એ આજની રાતના જીવનનાં આ શ્રેષ્ઠ સમયમાં મૂડ ખરાબ કરવા નહોતી માંગતી.... બંને જણ ખુબ ખુશ હતાં ....વાઈન ની અસર હવે ધીમે ધીમે વર્તાવા માંડી...સતહ બદલાવા માંડી...ખૂબ વાતો કરી અને સંયુક્તા ઉભી થઈ અને સાર્થની ચેરની પાછળ આવીને એકદમ અડોઅડ ઉભી રહી ગઈ...એના વાળમાં આંગળીઓ ભરાવી દીધી અને ક્યાંય સુધી કશું પણ બોલ્યા વગર એમ કરતી રહી...સાર્થક ચેર પરથી ઉભો થયો અને સંયુક્તા તરફ ફર્યો અને હાથ ફેલાવી દીધા...સયુંક્તા એના બે ફેલાયેલા હાથ વચ્ચે સમાઈ ગઈ, એકબીજાના આશ્લેષમાં ક્યાંય સુધી ઉભા રહ્યા...શરીરમાં ગરમાહટ આવી ગઈ....ઉત્કટતા અને ઉન્માદ વ્યાપી ગયાં ...મન અને શરીર ની એકાત્મકતા સધાઈ ગઈ અને સંબંધ એક નવા જ પથ પર વિસ્તરી ગયો. 
                                               *******

   



Saturday, June 18, 2016

નખ્ખોદિયો


ટો  સ્ટેશને આવીને થોભી.. માના અને મહર્ષિ ધીમેથી ઉતર્યા ...એક હાથમાં કપડાંની સૂટકેસ અને બીજા હાથમાં મહર્ષિને પકડેલો.. ઓટોનું ભાડું ચૂકવીને પાછળ છૂટી ગયેલા રસ્તા પર એક નજર કરી.. સ્ટેશનમાં પ્રવેશ ટીકીટ ખરીદીને પ્લેટફોર્મ પર આવી ગઈ..હજૂતો ટ્રેન આવવાની થોડીવાર હતી.. દૂર એક બાંકડો ખાલી હતો.. માના ત્યાં જઈને બેસી ગઈ..એકબાજૂ સૂટકેસ મૂકી અને બીજી બાજુ મહર્ષિને બેસાડ્યો..ખબર નહીં આ નાનકડો છોકરો મહર્ષિ પણ આજે એકદમ ચૂપ થઇ ગયો છે...!! કશું જ બોલતો નથી..ફક્ત મમ્મીની પાછળ દોરવાયો જાય છે.
સ્ટેશન પર મુસાફરોની ચહલપહલ, ફેરિયાનો ઘોંઘાટ, કુલીઓની આવન-જવન, રેનબસેરા જેવા આ પ્લેટફોર્મ પર સ્થાઈ નિવાસ કરતાં સમાજનાં તમામ અવલંબનને પાછળ મૂકીને આવેલાંમાંથી કેટલાંક લોકો અહીં-તહીં સૂતાં છે..અને આ બધી ભીડ વચ્ચે માના દૂરના છેડે આવેલા બાંકડે બેઠીબેઠી પોતાના મન સાથે તુમૂલ યુદ્ધ લડી રહી હતી.. ગંતવ્ય વિષે હજુ મનમાં દ્વિધા છે..પણ એટલોતો મનમાં ચોક્કસ નિર્ધાર કરી લીધો છે કે જે છોડ્યું છે ત્યાંથી તો  મન હવે સદાને માટે વાળી લેવું.. છેલ્લા ત્રણ-ચાર વર્ષના સંઘર્ષ પછી માનાએ જાણે મેદાન છોડી દીધું....
સલીલ...હા ! સલીલ એનો પતિ... એની સાથેના સંઘર્ષનો અંત આવી ગયો.. એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.. પતિ-પત્ની નામનું લેબલ તોડી નાખ્યું.
ગઈ રાત્રે બંને વચ્ચે ખૂબ ઝગડો થયો.. વૈચારિક મતભેદો, નાનકડાં મન અને કશું જતું નહીં કરવાની વૃત્તિ..પુરુષનો અહમ અને પુરુષ મનમાં ધીમેધીમે ઉછરીને મોટા થયેલા સંશયના કીડાના સળવળાટે આ ગૃહસ્થીને ઊધઈની જેમ કોરી ખાધી...અને અંતે અવિશ્વાસના પાયા પર ઉભી રહેલી એ ઇમારત ધરાશાયી થઇ ગઈ..
બસ છૂટી ગયું બધું પાછળ...!
માનાના મનની ઉદાસી ચહેરા પર સ્થાઈ થઇ ગઈ છે...મહર્ષિનો કલબલાટ પણ સાવ શમી ગયો છે..કારણ આખી રાત એણે પપ્પા-મમ્મીને લડતાં જોયાં હતા.. સુનમુન થઇ ગયેલા બાળમન પર થયેલા આઘાતોએ ન જાણે શું શું અંકિત કરી દીધું હશે..! અત્યારેતો એની શી ખબર પડે..? એ બધું ક્યારે અને કેવા સ્વરૂપે બહાર આવશે એનીયે અત્યારે કેવી રીતે ખબર પડે..!!!  આખી રાત સામસામા રાડારાડ અને ચીસાચીસ અને વાક્પ્રહારો ચાલતા રહેલા ત્યારે એ એના પપ્પાને આજીજી કરતો હતો અને એની કાલીકાલી ભાષામાં  બોલતો હતો : “પપ્પા..મારી મમ્મા સાથે ઝગડો ના કરો ને..મારી મમ્મા રડે છે..” અને એ પણ રડતો..
ટ્રેન આવવાની તૈયારી થઇ. મુસાફરોની ચહલપહલ વધી ગઈ..પ્લેટફોર્મ પરનો શોરબકોર અને ભાગંભાગ છતાંય માના તો હજુયે એમજ બાંકડે બેસી રહી હતી..એનું મન-તન જાણે નિશ્ચેતન થઇ ગયાં હતાં.
ટ્રેન આવી થોભી અને જતી પણ રહી તોયે માનાતો એમજ બાંકડે સૂનમૂન બેસી રહેલી...ઘણી વારે મહર્ષિએ જ્યારે એને હલબલાવી નાંખી ત્યારે એનામાં સ્વસ્થતા આવી.. અને હાંફળીફાંફળી આજુબાજુ જોવા માંડી..પ્લેટફોર્મ પરનો શોરબકોર શમી ગયો હતો ખુબ ઓછા લોકોની અવરજવર હતી...એને ધ્રાસકો પડ્યો.. “  શું ટ્રેન જતી રહી..??  ઓહ માય ગોડ...શું કરું હવે..?? “
કડવા વિચારોની હારમાળા તૂટી ગઈ..આખરે ફરી પાછી મહર્ષિને લઈને સ્ટેશનની બહાર આવી..ઉભી રહી ગઈ..એક દિશામાં હમણાં છોડીને આવી એ બધું, બીજી દિશામાં વર્ષો પહેલાં કાયમને માટે જેને અલવિદા કરેલી એ મા-બાપનું ઘર અને ત્રીજી દિશામાં એને મૂકીને જતી રહેલી ટ્રેનનું પ્લેટફોર્મ.... ત્રિભેટે આવીને ઉભી થઇ ગઈ...ક્યાં જવું ...કેવી રીતે જવું...શું થશે..? અનેક ભાવો...અનેક પ્રશ્નાર્થ મનમાં ઉભા થયાં.
                           
                          XX                          XX                        XX                         XX

“ વિદ્યા ઊંઘ નથી આવતી તને..?”
“ ના કોણ જાણે આજે જીવ બહુ બળ્યા કરે છે..”
“ભગવાનનું નામ લે વિદ્યા અને ઊંઘવાનો પ્રયત્ન કર એટલે ઊંઘ એની મેળે આવી જશે.. હજુતો રાતના
ત્રણ વાગ્યા છે..”
“કૌછુ..! મને તો જાણે કૈક ખોટું થવાનું હોય એવું લાગ્યા કરે છે..”
“ વિદ્યા તું નકામી ચિંતા કરે છે... કશુંય અશુભ નથી થવાનું.. અને જે કાંઈ થાય કે બને ..બધું ઈશ્વરની ભેટ માનીને સ્વીકારી લેવાનું તો બહુ દુઃખ ના થાય સમજી...?”
“બધું સમજુ છું પણ મારું મન આજે કશુંક અમંગળ થવાનું હોય એમ બેચેન છે..”
“ જો વિદ્યા વિધાતાએ દરેકની હથેળીમાં ચિતરામણ કર્યું હોય છે..આપણને એની નાતો સમજ પડે કે ના એમાં ખબર પડે..અને એ અજ્ઞાનમાં જ સુખ છે..સુઈ જા જે થશે તે  બધું સારું થશે..”
થોડીવાર બેમાંથી કોઈ ના બોલ્યું .
“ કૌછુ..સાંભળો છો..? આ મીની તો મઝામાં હશે ને ? મને એ છોડીની બહુ ચિંતા થાય છે.
“એની ચિંતા કરવા જેવી નથી વિદ્યા....! હવે સુઈ જા અને બધું ભગવાનને સોંપી દે...આપણી મીની બહુ સમજદાર છોકરી છે..”
આ બંને ઘટનાઓ એજ રાત્રે સમાંતર બનેલી..એક બાજુ માનાનો એના પતિ સાથે સંબંધવિચ્છેદ અને બીજી બાજુ માનાના મમ્મીનો સંતાપ-વિલાપ અને ચિંતા....એમનું દુઃસ્વપ્ન ખરેખર એ દિવસે કડવું સત્ય બનીને સામે આવ્યું.
હજુતો સવાર જ પડી હતી, ઘરનાં બધાં સભ્યો નીત્યક્રીયાઓ પતાવીને પોતપોતાનાં કામે વળગવાની
પળોજણમાં હતાં અને એજ વખતે માનાનો ઘરમાં પ્રવેશ થયો અને સૌથી પહેલી નજર એના પર મમ્મીની જ પડી.
.” અરે મીની ..! તું આમ અચાનક આટલી વહેલી સવારે ..?? “
“હા મમ્મી... હું થોડા દિવસ રહેવા આવી છું..”
“ પણ આટલી વહેલી સવારે અને એય પાછી આટલી મોટી બેગ લઈને..?”
“ હા મમ્મી આજે વહેલી સવારે નક્કી કર્યું અને નીકળી પડી...પણ કેમ મમ્મી હું અહીં રહેવા ના આવી શકું..?”
“આવવાની ક્યાં ના છે બેટા...પણ આતો થોડું જુદું લાગ્યું એટલે કહ્યું...”
“ અરે વિદ્યા ! તું આમ કેમ કહે છે..? શું થયું છે તને હેં..”
“ મને ક્યાં કશું થયું છે..? આ તો ગામમાંને ગામમાં છોડી રહેતી હોય અને સવારના પહોરમાં આમ આવડી મોટી બેગ લઈને આવે તો ચિંતા તો થાય ને ..? પણ એ તમને નહીં સમજાય... એના માટે તો મા થઈને અવતરવું પડે...”
હવે પપ્પાનો વારો હતો..: “બેટા બધું સારું તો છે ને ..?”
“ હા પપ્પા બધું ઠીક છે..અને એ તો ઠીક કે સારું ના પણ હોય તો ક્યાં કશું આપણા હાથમાં હોય છે..?”
“ બેટા...!  કેમ આવું બધું નિરાશાજનક બોલે છે ?”
“ કશું જ નથી પપ્પા..આ તો બસ..”
“ તું સાચું તો બોલે છે ને બેટા ...?”
માના એ  હિમ્મતપૂર્વક રોકી રાખેલો પોતા પરનો સંયમ ખૂટી પડ્યો..ચોધાર આંસુએ રડી પડી..મમ્મીને ફાળ પડી...કશુંક  અશુભ થવાના એંધાણ મળેલા એ સાચા પૂરવાર થયા...પપ્પાના ખોળામાં માથું મુકીને ક્યાંય સુધી રડતી રહી..મમ્મી-પપ્પા બંને એને સાંત્વન આપતા રહ્યાં...બહુ વારે શાંત થઇ...સહેજ સ્વસ્થ થઇ..એ આખો દિવસ કોઈએ કશું પૂછ્યું નહીં..અને માનાએ પણ કશુંય કહ્યું નહીં...આખો દિવસ માના ગુમસૂમ બેસી રહી....
એ રાત્રે પપ્પા-મમ્મી હિંચકે બેઠાં હતાં અને માના એ રૂમમાં પ્રવેશ કર્યો..એના હાથમાં એક કાગળ હતો અને એ કાગળ એણે પપ્પાના હાથમાં મૂક્યો..મમ્મીતો આ જોઇને બઘવાઈજ ગઈ અને લગભગ બુમ પાડી ઊઠ્યા
“ શેનો છે એ કાગળ...મીની..?
“ કશું નથી..વિદ્યા તું શાંતિ રાખીશ..?  મને પહેલા વાંચવા તો દે...”
“હે ભગવાન શું થવા બેઠું છે આ..?” વલોપાત કરવા માંડ્યા.
“ કશું જ નથી થવા બેઠું.. મને પહેલા કાગળ વાંચવા દઈશ..??” પપ્પા સહેજ ગુસ્સે થઇ ગયા.
પપ્પાએ કાગળ વાંચવા માંડ્યો..:
“   આપણે દસ વર્ષ સાથે રહ્યા છતાં આપણું માનસિક સંયોજન ના થઇ શક્યું અને એટલે હવે આપણે છુટા પડીએ એજ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે આપણા અને મહર્ષિના હિતમાં છે અને એ વિકલ્પ આપણને બંનેને મંજુર છે કારણ કે આપણે બંને સમાયોજન સાધીને સાથે રહી શકીએ એ સામર્થ્ય ગુમાવી ચૂક્યા છીએ.
આ લખાણ આપણે બંનેએ  રાજીખુશીથી અને સમજણપૂર્વક અને પૂરા હોશોહવાસમાં લખ્યું છે અને જરૂર જણાય તો કોર્ટ રજિસ્ટ્રેશન આપણા બંનેમાંથી કોઈ પણ કરાવી શકે છે..”
કાગળમાં નીચે બંનેની સહીં હતી. કાગળની એક કોપી માના પાસે અને એક કોપી એની પાસે હતી.
પપ્પા કાગળ વાંચતા જ અવાક્ થઇ ગયા..કપાળ પર પરસેવો વળી ગયો..ચશ્મામાં ઝાંય વળવા માંડી..શ્વાસની ગતિ બેવડાઈ ગઈ.. આંખો ભીની થઇ આવી.. મમ્મી પણ રડવા લાગ્યાં... કોઈ કોઈને સાંત્વન આપી શકે એ પરિસ્થિતિમાં હતું જ નહીં.. માના પણ રડતી હતી.. એકલો મહર્ષિ સ્વસ્થ હતો એ પણ આ દ્ગશ્ય જોઇને બઘવાઈ ગયો.. માના પાસે જઈને એને વળગી પડ્યો.. અને એના આંસુ લૂછવા માંડ્યો..” મમ્મા તું ના રડીશ નહીં ને .. આપણે પપ્પાની કિટ્ટા કરી દઈશું...”
બધાં શાંત થઇ ગયા...સુનમુન...કોઈ કશું બોલતું નથી.. બધાં પોતપોતાના મન સાથે સંવાદ કરતા હતા કે પોતપોતાની રીતે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા હતાં. ખાસ્સી વાર પછી પપ્પાએ પૂછ્યું : “ કેમ બેટા ...કેમ આવું થયું ?”
“ય...શ...!”
“   યશના કારણે…  ???”
“   હા પપ્પા “
“   તારો સંબંધ છે હજી…  ??”
“   ના બિલકુલ નહીં... પપ્પા...કેટલાય વર્ષોથી સંપર્ક તૂટી ગયો છે… પણ મારી ભૂલ એ થઇ કે મેં એને લગ્ન પછી યશ સાથેના મારા સંબંધની રજેરજ વાત કરી....”
“   એ તો તારી પ્રામાણિકતા હતી બેટા...”
“   પ્રામાણિકતાનું હંમેશાં સારું પરિણામ મળે છે એવું નથી…એ પૂરવાર થઇ ગયુંને..?”
“   મને તો ખબર જ હતી કે એ નખ્ખોદિયો મારી છોડીનો ભવ બગાડશે…” વિદ્યાબહેન એકદમ તાડૂક્યા…
“   મમ…મમ્મી... પ્લીઝ   “   માનાએ પહેલા રોષમાં અને પછી વિનંતીથી પ્રતિકાર કર્યો..
“   વિદ્યા..! યશ માટે એવું ના બોલ એ સારો માણસ છે..એણે તો મીનીને બહુ સાચવી છે..બહુ પ્રેમ કર્યો છે.. એ તો વિધાતાની નિષ્ઠુરતા કે મીનીને એ પામી ના શક્યો...”
વિદ્યાબહેન હવે સાવ ચૂપ થઇ ગયાં.
“  આવું કેમ થયું બેટા  ? ”
“  પપ્પા અમારી વચ્ચે પ્રેમનું ઝરણું તો ક્યારનું સુકાઈ ગયું હતું....રહ્યો હતો માત્ર નફરતનો કીચડ...અમારા જીવનમાં એકદમ પલટો આવી ગયો..શરૂઆતના શાંત સુખી જીવનના કમાડની તિરાડમાંથી તોફાની વાયરો સુસવાટા સાથે ધસી આવ્યો..બધું વેરણ છેરણ થઇ ગયું...બધું લૂંટાઈ ગયું..” ખુબ ગમગીન અવાજે માના બોલી.
“  જવાબદાર કોણ બેટા...તું કે એ ..???”
“સમય..., પપ્પા, સમય અને બીજો સંશય “
“યશ જવાબદાર ખરો..?”
“ ના પપ્પા ના..બિલકુલ નહીં, એણે તો કશું કર્યું નથી..એ તો આજે પણ દૂર ઉભોઉભો-ઉભો મને પ્રેમ કરતો હશે...પણ પપ્પા સત્ય તો એ છે કે એના પ્રત્યેના દ્વેશભાવે જ અમારું બધું લૂંટાઈ ગયું..”
“બસ એ દિવસ પછી ઘરમાં કોઈ પણ એ વાતનો ઉલ્લેખ ના કર્યો..ખસ્સી પંદરેક દિવસ વીતી ગયાં”
એક દિવસ વહેલી સવારે માના જાગી ગઈ..પપ્પાને ધીરેથી ઉઠાડ્યા અને બહાર વરંડામાં લઈ આવી..બંને જણ સંચકે બેઠાં..થોડીવાર બંને સૂનમૂન બેસી રહ્યાં..હીંચકાનાં હિલ્લોળતી સાથે મન પણ ઝૂલતું હતું..
“પપ્પા...હું શું અરું..?”
“  કશું નહીં ખેટા.બસ તું તારે અહીં રહે શાંતિથી..અને ભગવાન પર ભરોસો રાખ..”
“પપ્પા મારાથી અહીં નહીં રહેવાય…”
“કેમ ખેટા..? કેમ આવો રુક્ષ જવાબ..? તને કાંઈ અમારા માં-બાપના ભાવમાં ખોટ વર્તાઈ..??”
“   ના પપ્પા..પ્લીઝ એવું કશું નથી પણ હું બધા ઉપર બોજ બનીશ..”
“એવું કેમ વિચારે છે મીની....?”
“પપ્પા.., હું યશ પાસે ચાલી કાઉ છું…”
“આતો કેવી રીતે શક્ય છે ખેટા…??”
“પપ્પા મને યશ પર પૂરો ભરોસો છે...અને હવે હું યશ માટે છેક અંત સુધી લડી લઈ, હવે હું જરાય નમતું  પણ નહીં ખોખું અને હાર પણ નહીં માનું..”
“બે...ટા…”
“ મને ચોક્કસ ખબર છે કે યશ મારી રાહ જોતો જ હશે પપ્પા. યશને ધબીએ અન્યાય કર્યો છે..મેં પણ,
હા મેં પણ એને અન્યાય કર્યો છે.”
“તો તું શું કરવા માંગે છે..?”
“ બસ હું યશ સાથે રહીશ કોઈ પણ રીતે. યશ મારો સ્વીકાર કરશે જ, મારો આત્મા કહે છે કે મીની, જા....જા તારું ખરું ઠેકાણું યશ પાસે જ છે..”
 “મારું મન નથી માનતું…બેટા...”  
“પપ્પા એને હું એકવાર મળું ..? તમે આવશો મારી સાથે..?”
“હા…હા,  હું ચોક્કસ આવીશ.. બેટા તારી સાથે..”
બીજા દિવસ માના અને પપ્પા યશના શહેરમાં ગયા..યશને ત્યાં પહોંચ્યા ત્યારે સવારનો સમય હતો. દરવાજો નોક કર્યો અને થોડીવારે દરવાજો ખૂલ્યો..સામે એક જાજરમાન સ્ત્રી ઉભી હતી, આ લોકોને જોઇને એકદમ આશ્ચર્યમાં પડી ગઈ.
“કોણ...તમે...???  માના ..!!!”
“હા..!  હું માના “
પપ્પા સહેજ પાછળ દૂર ઉભા હતા.. માનાએ એમના તરફ ઇશારો કરીને કહ્યું “ મારા પપ્પા છે..”
"નમસ્તે..”
“નમસ્તે…”
“યશ છે..?” માનાએ પૂછ્યું...
“હા…હા છે જ, અને તમારી રાહ જુએ છે…”
“મારી રાહ જુએ છે ..???? પ..પ..પણ એને તો ખબર જ નથી કે હું આવવાની છું..”
“હા પણ તોય એ તમારી રાહ જુએ છે...”
“પણ   કેમ?”
“કાયમ મને કહે છે...નીલેશ્વરી મારી માના પાછી આવશે જ.... તારે એને તારી પાસે રાખવી પડશે હોં  કે  !”
પપ્પાતો આ બધું સાંભળીને સાવ ઢીલા જ થઇ ગયા..આંખોમાં આંસુ ધસી આવ્યા..પાછું નીલેશ્વરીએ બોલવાનું શરુ કર્યું..” જો માના, ચાલો આપણે ઉપર જઈએ..ઉપર અગાશીમાં એ ઉભો હશે અને અપલક રસ્તાને જોતો હશે.. બસ રોજ એ આમજ ઉભો રહે છે અને હતાશ થઇ જાય છે અને પછી આવીને મને કહેશે...”નીલેશ્વરી આજે પણ માના ના આવી..” ચાલો આપણે ઉપર અગાશીમાં જઈએ...પણ હા... ખૂબ ધીમેથી એને સહેજ પણ ખલેલ ના પડે એ રીતે..” યશ અગાશીમાં એમજ ઉભો છે જેવું નીલેશ્વરીએ વર્ણન કર્યું..સફેદ કુર્તા પાયજામા ઉપર બ્રાઉન સ્વેટર પહેરેલું છે.. અસ્તવ્યસ્ત વાળ અને બે-ત્રણ દિવસની વધેલી દાઢી છે. અગાશીની પેરાપેટ પાસે ઉભો રહીને બરાબર એના ત્રિભેટે આવેલા ઘર સામેથી પસાર થતા અને દુરદુર સુધી જઈ ક્ષિતિજમાં ઓગળી જતા એક લાંબા રસ્તાને એકી નજરે તાકી રહ્યો છે. નીલેશ્વરી સૌથી આગળ દાદર ચડતી હતી અને માના અને પપ્પા થોડાં પગથિયાં પાછળ હતા. અગાશીના દરવાજે પહોચતાં સુધીમાં નીલેશ્વરીએ એને બૂમ પાડી.. “યશ..!”
એણે કોઈ પ્રત્યુત્તર ના વાળ્યો એટલે નીલેશ્વરીએ ફરી બુમ પાડી.. “ યશ..!!!!”
શું છે ની..લ.... અને એ ધીમેથી નિરાશ ચહેરે પાછળ ફર્યો અને એમજ રોજની જેમ એક નિસાસા સાથે  બોલી પડ્યો...“ ની..લ આજે પણ..મા..ના.. ના આવી.!
નીલેશ્વરી અને યશ વચ્ચેના આ સંવાદ દરમ્યાન માના અને પપ્પા દાદરમાં જ થોભી ગયા હતા. બંનેના  હૃદયમાં વ્યગ્રતા મનમાં ઉચાટ અને પગમાં થડકાટ હતો...વજન હતું . માનાને એક જોશથી ડૂસકું આવી ગયું.. પણ એણે દુપટ્ટામાં મો છુપાવી દીધું....જોરથી રડી પડી પણ સહેજે અવાજ ના થાય એટલી તો એ સભાન હતીજ એટલે એનો અવાજ ઉપર સુધી ના પહોંચ્યો.  
“યશ તું આંખો મીચી દે તો... જો તો હું તારા માટે શું લાવી છું.......!!!!!”
“મને કાંઈ નથી જોઈતું નીલ...“
“યશ સાચ્ચેજ નથી જોઈતું તને કાંઈ..પછી પસ્તાઈશ હોં કે યશ ..!
“ની...લ.....પ્લીઝ યાર...! તને ખબર તો છે કે મને નથી ગમતું કશું ” નિરાશ અવાજમાં યશ બોલતો હતો.
નીલેશ્વરી, એના મન અને હૃદયના ભાવ અને પીડા બહુ સભાનતાથી છુપાવતી હતી અને એટલે એ વધારે  બોલકી બની ગઈ હતી. માના અને પપ્પા પણ થડકતા હૃદયે અને વજનદાર પગલે  દાદરનું એકએક પગથિયું ચડતા હતા... અને...!  નીલેશ્વરીનો યશ સાથેનો સંવાદ સાંભળીને બન્ને જણ ત્યાં દાદરમાં વચ્ચે જ ખોડાઈ ગયાં.  
માના માટે આ ક્ષણ આનંદાશ્ચર્ય લઈને આવી છે તો પપ્પા માટે હળવાશ અને ભય બંને લઈને આવી છે...લાગે છે તો એવું કે તેમના જીવનમાં અનાયાસ ધસી આવેલાં અનિશ્ચિતતાનાં કાળાં ડીબાંગ વાદળ હવે હટી જશે અને ફરી પાછો વ્યાપશે ઉજાસ.. પણ....?? પપ્પાનું હૃદય નિયમિત કરતા ઘણી વધારે ઝડપથી ધબકારા લે છે..પગમાં પણ ધ્રુજારી થાય છે.. જે બની રહ્યું છે એ ખરેખર વાસ્તવિકતા છે કે પછી આભાસ...!!! આવું શું બની શકે ??  કોઈ એક સ્ત્રી એટલી ઉદાર, એટલી સાલસ એટલી પરગજુ હોઈ શકે કે પોતાના સંસારને પોતે જ પોતાના હાથે  વિભાજિત કરે..??  આ બધા પ્રશ્નોની ભૂતાવળ પપ્પાના મનમાં ઉઠી છે પણ અત્યારે  પરિસ્થિતિ એવી પણ નથી કે જે બની રહ્યું છે તે બાબત કોઈ સંશય ઉભો કરીને મીની નું જીવન માંડ ઠારે પડવા જઇ રહ્યું છે ત્યારે કોઈ નવો વિવાદ ઉભો થાય. કોઈ સ્ત્રી શું એટલી ઉદાર હોઈ શકે કે પોતાની ગૃહસ્થીમાં અન્ય સ્ત્રીનો પ્રવેશ આટલી સહજતાથી સ્વીકારે...! માની ના શકાય એવી આ વાત પપ્પા માટે સંશયનું મોટું કારણ છે...વળીવળી ને એક વિચાર આવે છે કે શું આ છળ તો નહિ હોયને.. ??? જવ્વલ્લેજ બનતી આ ઘટના પોતાની દીકરીનાં જીવનમાં બનવા જઈ રહી હતી. જોકે અત્યારે તો એને વિધાતાની એક ઓર કમાલ કે પછી અવળચંડાઈ.. એમ માનવામાં શાણપણ હોવાનો અહેસાસ પણ એમના અનુભવી જહનને છે જ.
“યશ...સારું તારે આંખો બંધ ના કરવી હોય તો કાન ખુલ્લા કર અને ધ્યાન થી સાંભળ હું જે કહું તે... ઓ..કે...યશ...! હું ફરી નહીં બોલું હો...” નીલ એની સાથે નાના બાળકની જેમ વ્યવહાર કરતી હતી.
“એક ખાનગી વાત કહું યશ...? તું કોઈને કહીશ તો નહીને..?”
“ ના “ એકાક્ષરી જવાબ આપ્યો
“ યશ...!  આજે તો બોલ માના આવી છે ..” એકદમ સહજતાથી કહી દીધું.
“ તું કાયમ મારી પાસે જુઠ્ઠું બોલે છે નીલ “
“ પણ આજે તો હું સાચું બોલું છું યશ..” એટલું બોલતા બોલતા એણે દાદર તરફ ફરી ને જોરથી તાળી પાડી... માના એનો ઇશારો સમજી ગઈ અને દાદરમાંથી અગાશીમાં જઈ પહોચી.. બંને ની નજર એક થઇ...યશ ને હજુ વિશ્વાસ નથી બેસતો કે માના એની સામે સદેહે ઉભી છે.. યશનું માથું ભમવા માંડ્યું...આ શું જોઈ રહ્યો છે એ..? માનાની આંખો ભરાઈ આવી દોડતી ગઈ અને યશને વળગી પડી..યશ પણ સમજી નહતો શકતો કે એણે શું પ્રતિક્રિયા આપવી પણ ધીમેથી એના હાથ પણ માનાને ફરતે વીંટળાઈ ગયા. માનાનાં આંસુ રોકાતા નથી અને યશની છાતીમાં મો નાખીને રડે જાય છે.. નીલેશ્વરીની આંખો પણ ભરાઈ આવી અને એ આ દ્રશ્ય જોઈ ના શકી એટલે નીચે જવા માંડી અને સામે  પપ્પા ઉભા હતા. એમને તો એજ નહતું સમજાતું કે આ બધું શું થઇ રહ્યું છે ..? એ મુઝવણ અનુભવતા હતા પણ નીલેશ્વરીને નીચે જતી જોઇને એ પણ એની પાછળ ગયા. નીલેશ્વરીની આંખોના બંધ તૂટી ગયા હતા. પપ્પા એની પાસે ગયા અને એના માથે હાથ ફેરવવા લાગ્યા...અને પાસે જ પડેલી પાણીની બોટલ એની સામે ધરીને પાણી પીવા કહ્યું.
નીલેશ્વરી શાંત થઇ.. પપ્પા એની સામે બેસી ગયા અને એની સામે હાથ જોડવા લાગ્યા. એમની આંખો પણ ભરાઈ આવી હતી... છોકરીના એક વૃદ્ધ બાપની લાચારી સ્પષ્ટ દેખાતી હતી એમના ચહેરા પર...એમના વર્તનમાં. નીલેશ્વરીએ એમને હાથ જોડતા અટકાવ્યા અને એમને પણ પાણી આપી શાંત કર્યા.
યશ અને માના હજુ ઉપર જ હતા અગાશીમાં.. ખુબ ધીમો અવાજ સંભળાતો હતો પણ કશું સ્પષ્ટ થતું ન હતું.
“ બેટા..તું તો અમારા માટે ભગવાન થઈને આવી..? આ ઘરડા માં-બાપ પાછી ફરેલી પરણેતરને કેમના વેંઢારત..? હું તો માનીજ નથી શકતો કે એક સ્ત્રી આટલો મોટો ભોગ આપીજ કેવી રીતે શકે..? મને હજુ આ સપનું લાગે છે દીકરા...તારા તો કેટલા પાડ માનું હું...!!” આટલું બોલતામાંતો એકદમ ભાંગી પડ્યા. નીલેશ્વરીએ એમને શાંત કર્યા પણ એ વૃદ્ધ પુરુષ એની સામે લાચારીથી જોઈ જ રહ્યા હતા.. એટલે નીલેશ્વરી એ કહ્યું: ” આપ ચિંતા ના કરશો ભગવાન સૌ સારુંજ કરશે..”
“પણ દીકરા હું તો હજુ માનીજ નથી શકતો જે બની રહ્યું છે.”
“ જે બન્યું છે એ સત્ય છે પણ આજે જ્યારે મારા માથા પર હાથ મુકીને મને દીકરા કહીને  તમે બોલાવી છે ત્યારે આજે જીંદગીમાં પહેલીવાર બાપનો હાથ કેવો હોય એનો મને એહસાસ થયો છે.”  પપ્પા એની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહીં.. બધું મૌનના ઓથાર હેઠળ દબાયેલું છે. નીલેશ્વરીએ એક નજર દાદર તરફ કરી અને એની સાથે પપ્પાની નજર પણ એ બાજુ ગઈ. થોડી વારે હિમ્મત કરીને બોલ્યા..” બેટા તું કેમ એવું બોલી કે પહેલી વાર બાપના હાથ નો અહેસાસ થયો..?”
એક નિસાસો નાખીને નીલેશ્વરીએ કહ્યું “ હું તો અનાથ આશ્રમમાં ઉછરેલી ...મા-બાપનો ચહેરો તો શું
મા-બાપ કેવા હોય એનીયે મને તો ખબર નથી.”
સમય તો સડસડાટ વહ્યે જતો હતો સવારથી એક પછી એક બનેલી ઘટનાઓ એટલી ઝડપથી ચાલી કે કોઈને સમયનું ભાન જ નથી રહ્યું કે નથી...કોઈએ કશું ખાધું. પપ્પાને હવે નીલેશ્વરી વિષે વધારે જાણવાનું કુતૂહલ થયું પણ એતો ફક્ત એના ચહેરાને તાકી રહ્યા હતા. નીલેશ્વરીએ બોલવાનું ચાલુ રાખ્યું : “ મને તો એય ખબર નથી હું ક્યાં અને ક્યારે જન્મી હતી, કોની કુખે જન્મી હતી અને મારી જાત કઈ છે પણ જ્યારે સમજણી થઇ ત્યારે ખબર પડી કે મારું ઘર એટલે એને અનાથાશ્રમ કહેવાય અને જેને માં-બાપ ના હોય એ લોકો ત્યાં રહે... હું ત્યાં રહી ને ભણી...ખુબ ભણી. બધા એવું કહેતા કે હું બહુ હોશિયાર છું એટલે મને ભણાવવા માટે લોકો બહુ દાન આપતા. ગ્રેડ્યુએટ થઇ અને તરતજ બૅન્કમાં ઑફિસરની નોકરી મળી.
હવે પપ્પાની ઉત્સુકતા વધવા માંડી એટલે પૂછી બેઠા “ તો તમારું લગ્ન?“
“  એક દિવસ હું બૅન્કમાંથી મારા રૂમ પર પાછી આવી ત્યારે મને અમારા રેકટરે બોલાવી અને યશસ્વી સાથે ઓળખાણ કરાવી. રેક્ટરના સંબંધમાં એ હતો અને એને બિલકુલ સાદી-સીધી સામાન્ય પણ ભણેલી છોકરી સાથે લગ્ન કરવા હતા એટલે ત્યાં આવેલો... અમારો પરિચય વિસ્તર્યો અને પ્રણય થયો અને પ્રણય પરિણમ્યો પરિણયમાં...હું તો આવી ગઈ દમામભેર ઢગલાબંધ સપનાઓ લઈને એના આ ઘરમાં, એના સંસારમાં એના જીવનમાં. સરસ મજાનો સંસાર ચાલતો હતો.
પપ્પાએ એને વચ્ચે અટકાવી અને પૂછ્યું “ તો માના ???”
માના વિષે તો એણે મને અમારી ઓળખાણના પ્રારંભમાંજ કહ્યું હતું.. એતો કહેતો “ માના મારું સર્વસ્વ છે...મારા જીવનનો સૌથી સુખદ હિસ્સો છે..મારી...,અરે  મારીજ કેમ, અમારી કમનસીબી હતી કે અમારા માટે સહજીવન શક્ય ના બન્યું પણ એ વખતે પણ એ કહેતો કે જીવનના કોઇપણ તબક્કે મારી માના મારી પાસે આવે તો હું તારી સાથે એને પણ રાખીશ... તું માનાને તારી સાથે રાખીશ ને ? મેં એ વખતે અનાયાસ જ હા કહી હતી પણ.... મને ક્યાં ખબર હતી કે ?????”
ચુપ થઇ ગઈ નીલેશ્વરી. આંખ આંસુ થી ભરાઈ ગઈ.....થોડી ક્ષણની ચુપકીદી બાદ એણે ફરી બોલવાનું શરુ કર્યું... “ મને ક્યાં ખબર હતી કે એ અનાયાસ બોલાયેલા શબ્દો સાચા પડશે.!!!! “
“ બેટા તને સહેજ પણ ખચકાટ હોય તો હું માનાને પાછી લઈ જાઉ...? અને બેટા હું પણ સમજુ છું કે માનાનો કોઈ જ અધિકાર નથી તારી  આ ઘરગૃહસ્થી પર. હું એને લઈને અહીં આવ્યો ત્યારે હું ફક્ત લાગણીમાં અંધ બનેલો બાપ હતો..પણ હવે હું  જીવનની વાસ્તવિકતા જોઈ શકતો એક તટસ્થ માણસ છું”
“ના...ના...પ્લીઝ એવો તો હવે તમે વિચાર પણ ના કરતા..”
“ કેમ?”
“  મને મારો યશ ત્યારે જ પાછો મળશે જ્યારે એને એની માના પાછી મળશે..... અમારા લગ્ન પછી પણ માના ને ભૂલી શકતો નહતો. દિવસ રાત એના નામનું જ રટણ ચાલુ રહેતું.. એ હું એની પત્ની કેવી રીતે સહન કરતી.? સંઘર્ષ થતો.. પણ કોઈ અર્થ ન હતો, એતો બસ માનામય હતો..એકના એક રટણને લઈને એ કોઈક મનોરોગનો શિકાર બની ગયો નોકરી પણ છૂટી ગઈ.. અને બસ આખો દિવસ માના આવશે...મારી માના જરૂર પાછી આવશે એવી આશાએ પહેલાતો અહીં બારણા પાસે જ રાહ જોતો ઉભો રહે..પણ પાછી અગાશીમાં જઈને ઉભવા માંડ્યો.. આ બધામાં હુંતો મારાપણું જ ખોઈ બેઠી..ના હું ઘર પામી...ના વરને પામી  કે ના તો સંતાન...હું કરતી તો શું કરતી..??? જતી તો ક્યાં જતી...પાછી આશ્રમમાં ???
થોડી વાર કશું ના બોલી... ઘડી ઘડીમાં એની નજર અગાશી તરફ જતી.અને પાછું બોલવાનું શરુ કર્યું. “ડોક્ટરે પણ એજ સલાહ આપી કે એને આ ભ્રમણામાંથી બહાર લાવવાનો એકજ ઉપાય છે અને એ કે એને નાના બાળકની જેમ સંભાળવો અને એને ગમતી વાત જ કરવી અને એની સાચીખોટી જીદ ને સમર્થન આપવું...”
એક જોરથી નિસાસો નાંખ્યો...થોડી ક્ષણો શાંત રહી અને પાછી બોલવા માંડી....
“પણ મને ગાંડીને ક્યાં ખબર હતી કે માના નામની ભ્રમણા એક દિવસ સત્ય બનીને મારી સામે ઉભી થઇ જશે..? ” બસ પછી એકપણ શબ્દ એ ના બોલી..પપ્પા પણ એની સામે જોતા બેસી રહ્યા...થોડીવારે  દાદરમાંથી પગથિયાં ઉતરવાનો અવાજ સંભળાયો...બેયની નજર એ તરફ ગઈ. માના યશનો હાથ પકડીને એને ધીરે ધીરે નીચે લઈ આવી. યશ ખુશખુશ દેખાતો હતો..
“ નીલ...તું ક્યાં જતી રહી હતી..? હું અને માના તો ઉપર બહુ વાતો કરતા હતા...નીલ કેટલું બધું મોડું થઇ ગયું છે નહીં ? માનાને પછી એના ઘેર જવાનું મોડું થશે..”
નીલેશ્વરી અને પપ્પાતો એકબીજાની સામે  આશ્ચર્યથી તાકી રહ્યા.
“ નીલ મને બહુ ઊંઘ આવે છે...હું સુઈ જાઉં ? મને ઓઢાડી દેને...નીલ. માના આવજે...!!!!!!!”    


                                           XXXXXXXXX                                                              


   
 
         










































                   













Wednesday, June 8, 2016

કંકુથાપા

                                                                             ર આખું હેલે ચડ્યું હતું.....મહેમાનો આવી ગયાં છે...
આખું ઘર ભર્યુંભર્યું લાગે છે. સુંદર સજાવ્યું છે ઘરને..રોશનીનો ઝળહળાટ અને ઘરની આગળની જગામાં નાનો મંડપ બાંધ્યો છે.... આસોપાલવના તોરણ અને પીળા અને સફેદ ફૂલની સેરો ઠેર ઠેર લગાવી છે.
ઘરમાં આ છેલ્લો પ્રસંગ છે ...હવે નજીકના ભવિષ્યમાં ઘરમાં કોઈ અવસર આવવાનો નથી...
ઘરની સૌથી લાડકી, સૌની વહાલી અને સૌથી નાની શ્રેયાનું લગ્ન છે.
ખળખળ વહેતા ઝરણા જેવી અને ઊછળકૂદ કરતી ચકલીની જેમ ફડફડાટ કરતી શ્રેયા બે-ત્રણ દિવસમાં આ માળો છોડી દેશે અને બીજે ઠેકાણે જઈને વસી જશે...આ ઘરમાંથી એના જવા માત્રની કલ્પનાથી આખું ઘર બેચેન બની ગયું છે..જ્યાં સુધી એ ઘરમાં હોય ત્યારે ઘરમાં ચહલપહલ  હોય...ઘર આખું ગુંજતું હોય-ગાજતું હોય...પણ હવે એના જવા પછી આવનારી નીરવ શાંતિની ઘરનું કોઈ જ કલ્પના સુદ્ધાં નથી કરી શકતું...ઘણાબધા સભ્યો છે ઘરમાં, બહોળો પરિવાર છે. નાનાંનાનાં ટાબરિયાથી માંડીને પપ્પાજી સુધી બધામાં શ્રેયા વિશિષ્ટ પ્રકૃતિની છે. મમ્મી તો  કાયમ કહે કે એના પગમાં ફુદરડી છે..એ જંપીને બેસે જ નહિ... એક ઘડી માટે પણ  જો આ છોકરી શાંતિથી બેસે તો એનું નામ શ્રેયા નહીં....!!!
બસ, શ્રેયા હવે બદલાઈ જશે..શ્રેયાનું સ્વરૂપ-નામ-સ્વભાવ બધું જ બદલાઈ જશે...શ્રેયા દલાલ મટીને હવે શ્રેયા દિવાન બની જશે . લગ્નના નામ માત્રથી ભડકતી આ છોકરી હવે લગ્નના બંધનમાં જકડાઈ જશે.. છેલ્લા ઘણા વખતથી એણે સૂચક મૌન ધારણ કરી લીધું હતું. લગ્ન માટે આનાકાની કરવાનું કે લગ્નનો ઇન્કાર કરવાનું છોડી દીધું ...બસ હવે તો  પપ્પા-મમ્મીને જે વાતથી સુખ મળે એમ કરવાનો નિર્ધાર જાણે કરી લીધો છે.          
એનું લગ્ન કરવાનો નિર્ણય સામૂહિક હતો.....જોકે આ લગ્નથી ઘરનાં બેજ સભ્યો નાખુશ હતા ......એક તો શ્રેયા પોતે અને બીજા એના પપ્પાજી.
બે વચ્ચેનો વચ્ચેનો સ્નેહ દુનિયાના તમામ સ્નેહસંબંધને ઝંખા પાડી દે એવો છે.
પપ્પા લગભગ ૭૦ વટાવી ચૂક્યા છે. છ સંતાનોના આ બાપનો કડપ આ ઉંમરે પણ હજી એવોને એવોજ છે. એમની સામે આંખ મિલાવીને કે સહેજે ઉંચો અવાજ કરીને વાત કરવાની હિમ્મત ના તો ઘરમાં કોઈની છે કે નાતો ગામમાં....અને એજ તો કારણ છે ને કે ૨૦-૨૨ જણાનો આ પરિવાર આજે પણ અખંડિત રહી શક્યો છે. આખા પંથકમાં એમની ધાક હતી.. પોલીસ અમલદાર તરીકે નિવૃત્ત થયા પછી પણ એમના મોભાની લોકો કદર કરતા...આદર કરતા. એટલું જ નહિ એમના રુઆબથી લોકો કાંપતા.
આખા પંથકમાં પી.ડી.ફોજદારનું નામ પડે એટલે અચ્છાઅચ્છા ધ્રુજવા માંડે. એમની સરકારી ખખડધજ જીપનો ધડધડાટ ગામની ભાગોળે થાય અને આખું ગામ આઘુંપાછું થઇ જાય..ફળિયામાં પગ મૂકે અને ફળિયામાં સન્નાટો વ્યાપી જાય..અને જેવા ઘરમાં પ્રવેશ કરે અને આખું ઘર શાંત થઇ જાય. બધા પોતપોતાના કામે વળગી જાય...જોકે ઘરમાં ક્યારેય એમણે કોઈ પણની સાથે  ઊંચા અવાજે વાત નથી કરી કે નાતો કોઈને પણ શિક્ષા કરી છે...પણ તોયે એમની આંખ ફરે ને બધું જ અને બધાં જ  સાબદાં થઇ જાય....પણ આખા ઘરમાં જો કોઈ માથાફરેલું હોય તો તે શ્રેયા છે...એને ક્યારેય પપ્પાજી નો ડર લાગ્યો નથી....ઉલટા પપ્પાજી
એની પાસે એકદમ નરમ થઇ જતા...શ્રેયા બહુ જ  ડાહી છે...બહુ વહાલી છે બહુ લાડકી છે ઘરના બધાંની અને ખાસ કરીને પપ્પાજીની.પપ્પાજી નું કોઈને કાંઇ પણ કામ હોય તો તેણે શ્રેયાને માધ્યમ બનાવવી પડે..અને એટલે તો  શ્રેયા બધાંની ખુબ લાડકી બની ગઈ છે.
ક્યારેક કોઈ ગુંચ હોય કે સમસ્યા ...દરેક નો હલ ..દરેક વસ્તુનું સમાધાન આ ઠાવકી છોકરી પાસેથી મળે. ક્યારેક તો  પપ્પા-મમ્મી પણ એની સલાહને અનુસરે. ખુબ તોફાની અને એટલી ચબરાક પણ.. ચોવીસ વર્ષની ઉંમરે પણ ગજબનું ડહાપણ હતું. જેવી ધારદાર બુદ્ધિપ્રતિભા એવું ચમકદાર એનું વ્યક્તિત્વ છે. અત્યંત તેજસ્વી અને આકર્ષક ચહેરો, ધારદાર નાક-નકશી સહેજ શ્યામલી અને ખળખળ વહેતા ઝરણા જેવી નિર્દોષ .....આખો દિવસ બસ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી આ છોકરીની બધાં ચિંતા કરે... મમ્મી તો કાયમ  એમ જ કહે કે " આ મુઈને કોણ સંઘરશે.....પારકા ઘેર જઈને શું કરશે આ ?" ત્યારે પપ્પાજીનો એક જ જવાબ હોય..."તું હવે અમથી ચિંતા કરવાનું છોડ અને જોજે તો ખરી આ છોકરી તારું અને મારું નામ ઉજાળશે... "
આમતો મા-દીકરી વચ્ચે હેતનો અને મિત્રતાનો સંબંધ હતો..વ્યવહારેય  એકદમ નિકટની સખીઓ જેવો...કંઈપણ સમસ્યા-મૂંઝવણ કે વ્યવહારિક બાબત હોય તો એ બંને વચ્ચે નિખાલસ ચર્ચા થાય..શ્રેયાના જીવનની તમામ ગતિવિધીઓથી મમ્મી વાકેફ હોય..પણ તોય ચિંતા તો   રહેજને..? માનો જીવ છે, કાયમ એમનો જીવ ઉંચો જ રહે શ્રેયાની બાબતમાં..
      ******                          ******                            ******
 શ્રેયા કંઈક બદલાયેલી લાગે છે  .. એનું વર્તન-વ્યવહાર બદલાયા છે.. હવે થોડીક ગંભીર થઇ છે ...બોલવાનું ઓછું થયું છે.... બધાંની વચ્ચે ઓછી અને એકલી વધારે રહેવા લાગી છે... ઊંડા વિચારોમાં ખોવાયેલી રહે છે..ક્યારેક ક્યારેક એકલી એકલી હસે  છે ...શરમાય છે... અને ક્યારેક વળી ઉદાસ થઇ જાય છે. એનું આવું બદલાયેલું વર્તન મમ્મીના ધ્યાનમાં આવ્યું હતું પણ એ તરફ  એમણે બહુ લક્ષ્ય નહિ આપેલું.... ચોવીસ વરસની આ છોકરી નાના બાળકની જેમ આજે પણ મમ્મી-પપ્પાના રૂમમાં એમની વચ્ચે જ કાયમ સૂઈ જતી...
તે દિવસ રાત્રે ગજબની ઘટના બની ગઈ.. પપ્પા બહારગામ હતા અને તે રાત્રે મમ્મી અને શ્રેયા એકલા સુતા હતા..ઘરના બધાં પોતપોતાના માળામાં ભરાઈ ગયા હતાં..શ્રેયા પણ ઘસઘસાટ ઊંઘતી હતી..પણ કોણ જાણે કેમ મમ્મીને ઊંઘ નહોતી આવતી. શ્રેયાના વિચારોમાં ક્યાંક અટવાઈ પડ્યાં હતાં.
શું હશે..? કોકની સાથે કૈક હશેતો નહીને..?કઇંક કુંડાળામાંતો પગ નહીં પડ્યો હોય ને આ મુઈનો કોણ હશે..? પાછા પોતાની જાતેને જાતે પોતાને આશ્વાસન પણ આપતા કે જો એવું કશુયે હોય તો મારી દીકરી મને કહ્યા વગર રહે જ નહિ. મારાથી વળી કયે દા'ડે આ છોડીએ કશુય છાનું રાખ્યું છે અને આમેય આ ઘરમાંય કોઈએય ક્યાં કોઈ વાતે પડદો રાખ્યો છે ? આમ જ વિચારોની ઘટમાળમાં ગૂંચવાઈ ગયા હતા. જુવાનજોધ છોકરી જ્યારે બોલવાનું ઓછું કરે ત્યારે એના મનમાં કશુંક હોય.  આ સત્ય એ જાણતાં હતાં. છ સંતાનો અને તેમાય ચાર છોકરીઓની માં, એને તો છોકરું સહેજ પડખું ફરે તોય અણસાર આવી જાય. શ્રેયાના વર્તનમાં આવેલા ફેરફારો એમને કનડતા હતા, બેચેન બની ગયા હતા અને વળી તે દિવસે બન્યું પણ એવુંજ ને ...!!  શ્રેયા આખી રાત પથારીમાં આડીઅવળી થયા કરતી હતી. કોણજાણે કેમ ઊંઘમાં પણ એને  જાણે બેચેની સતાવતી હતી. આમતો એ ઘસઘસાટ ઊંઘતી હતી...મમ્મી ઉઠીને એની પાસે ગયાં. શ્રેયાની સામે જોઇને બેસી રહ્યા. માથે હાથ ફેરવ્યો..શ્વાસની ગતિ એકદમ તેજ હતી...  એકદમ ચિંતાતુર થઇ ગયા.. પ્રાર્થના કરવા માંડ્યા " હે ભગવાન શું થયું મારી આ છોડીને...? " ઉભા થઈને લાઈટ કરી, અજવાળામાં શ્રેયાના ચહેરા પરની તંગ રેખાઓ અને કશાક   ગણગણાટથી મમ્મી ગભરાયા ....શું થયું હશે આ છોકરીને...?
થોડીવાર શાંત થઇ ગઈ અને પછી પાછી કશુંક ગણગણવા માંડી.. ચોખ્ખું કશું સંભળાતું ન હતું પણ હા...કોઈકનું નામ બોલતી હતી......અને પાછી અંગ્રેજીમાં બબડાટ કરવા માંડી...અને...એક ચીસ પાડતાંની સાથેજ પથારીમાં બેઠી થઇ ગઈ.. સાવ બા'વરી બની ગઈ,આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું...આંખો ફાડીને જોઈ રહી...પણ એને કાંઈ ખબર પડતી ન હતી કે શું બની ગયું...
 મમ્મીએ પૂછ્યું: " શું થયું બેટા ?"
"કશું નહિ" એકાક્ષરી જવાબ આપીને પાછી સુઈ ગઈ...
ક્યાંય સુધી મમ્મી એના માથે અને શરીર પર હાથ ફેરવતા રહ્યા...શરીર પરથી પરસેવો લુછી કાઢ્યો...ઉભા થઈને પાણી લઈ આવ્યા અને એને બેઠી કરીને પાણી પિવડાવ્યું., બસ શ્રેયા શાંત થઇ ગઈ..પણ એમની ઊંઘ ઉડી ગઈ..અશાંત મન હવે વિચારોના વમળમાં અટવાયું. " હવે તો વહેલામાં વહેલી તકે આ છોકરીનું .....પણ એનો બાપ ક્યાં માને છે..એમને તો હજુ નાની કીકલીજ  લાગે છે.....જ્યારે કહીએ ત્યારે કહેશે કેમ તને આટલી બધી ઉતાવળ આવી છે મારી આ દીકરીને પૈણાવવાની...!!!!
વિચારોથી મન અને આંસુથી આંખો છલોછલ હતાં... ઉભરાતા હતાં.
સવારેતો સૌ પોતપોતાના કામે વળગી ગયાં. આખું ઘર દોડધામમાં હતું... શ્રેયા હજુ સુતી હતી..મમ્મીએ પણ એને જોકે સુવા દીધી અને રૂમને બહારથી આંકડી મારી દીધી. વિચારતા હતા કે "આખી રાતના અજંપા પછી બચારી ઊંઘી છે તો છો ને ઊંઘતી." મોડી મોડી શ્રેયા જાગી...અંદરથી બારણું ખખડાવ્યું....મમ્મીએ બારણું ખોલ્યું અને એને બાથમાં લઈ લીધી...માથે બરડે હાથ ફેરવતા રહ્યા. આંખો ભરાઈ આવી. એક બાજુ ગુસ્સો છે અને બીજી બાજુ મમતા છે...વહાલ છે.
મમ્મીના આવા વર્તાવથી એને અકળામણ થતી હતી પરંતુ મમ્મીના લાગણીશીલ અને અધિરીયા સ્વભાવની પણ તો એને ખબર છે જ ને ! આજનું તેમનું વર્તન કૈક આશ્ચર્ય જન્માવે તેવું હતું...એને મમ્મીના ચહેરા પર ભયની રેખાઓ દેખાઈ  પણ એતો અમસ્તું કંઈક થયું હશે એમ માની એ નિત્યકર્મમાં પલોટાઈ. થોડીવાર પછી  છાપું લઈને હિંચકે આવીને બેઠી..... મમ્મી પણ એની બાજુમાં બેસી ગયા..શ્રેયાએ એ તરફ બહુ લક્ષ્ય ના આપ્યું ... એમણે બોલાવી.." શ્રેયા...!!"
"હંઅઅ"
" રાતે શું થયું હતું તને ..?" શ્રેયાએ છાપું એકબાજુ મૂકી દીધું"
" ક્યારે...?"
" તને ખબર છે રાતે તું ઝબકી ગઈ હતી..?"
" ના... તેં મને પાણી આપ્યું હતું એટલી ખબર છે."
" હા..મેં તને પાણી પિવડાવેલું....શું થયું હતું તને..સપનું આયેલું?"
" ખબર નથી.."
" સાચુ કે'છે ?"
" હા.. મમ્મી"
"કોનું નામ બોલતી'તી..?"
" નામ..?"
" હા, નામ.."
" મને કશી ખબર નથી...મને કશું યાદ નથી..."
" સાચું..?" 
" હા...મા...?" ક્યારેક લાડમાં તે મમ્મીને મા કહેતી..
" એકદમ તેં ચીસ પાડેલી અને કો'કનું નામ બોલી અને પાછી ઇંગ્લીશમાં કશું બોલતી'તી."      "મને કશું યાદ નથી મા" શ્રેયાએ વાત બદલવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને ઉભી થઈને જવા માંડી એટલે મમ્મી એ એને રોકી લીધી અને ગુસ્સે થઈને કહ્યું : " બેસ અહીં...ક્યાંય જવાનું નથી.." આજે પહેલી વાર શ્રેયા ડરી ગઈ અને બેસી ગઈ. થોડીવાર કોઈ કશું બોલ્યું નહિ.. શ્રેયાએ ગુસ્સામાં જોરથી હીંચકો ઝૂલાવવા માંડ્યો...અને મમ્મીએ ફરીથી ગુસ્સે થઇ ને કહ્યું.: "રોક હીંચકો, બોલ કહે મને કે કોણ છે એ...??"
".........."
થોડીવાર બિલકુલ શાંતિ રહી પણ બંનેના મગજમાં ધમાસાણ ચાલતું હતું.. શ્રેયા કોઇપણ રીતે એ વાત પર પડદો પડેલો રહે એમ ઈચ્છતી હતી અને મમ્મી કોઇપણ રીતે એ વાતનો ઘટસ્ફોટ થાય એમ ઈચ્છતા હતાં.
"શ્રેયા મને કહે બેટા એ કોણ છે.."સહેજ નરમ થઇ ગયા.
અત્યાર સુધી શ્રેયાની કોઈ પણ વાતથી તે અજાણ ન હતા અને આજે પહેલીવાર શ્રેયાએ કશુંક છુપાવવાનો પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં બનેલી આવી જ ઘટનાઓ વિષે એણે સામેથી મમ્મીને કહેલું.. એના જીવનમાં આવેલા અનેક પ્રલોભનો એણે ઠુકરાવી દીધેલા અને મમ્મી એ બધાથી વાકેફ હતા અને આજે આ છોકરીએ કશુંક છુપાવ્યું એ વાત જ આમતો એમના માટે વજ્રાઘાત સમાન હતી...!!!  કોઇ પણ રીતે એ વાત તેઓ જાણવા માંગતા હતા.
" હું આજે આખી રાત ઊંઘી નથી શકી બેટા ...બહુ ચિંતા થાય છે મને." અવાજ સહેજ ગળગળો થઇ ગયો. " એવું કશું ના કરીશ બેટા કે  અમારે નીચાજોણું થાય.."
".............."
" કોણ છે એ તો  કહે..."
" મારા સાહેબ છે..."
" શું નામ છે ...?
" યશસ્વી ....હું...હું એને બહુ પ્રેમ કરું છું.."
"............." શું બોલવું એજ ના સમજાયું.. મૌન રહ્યા ...બસ એ દિવસ તો  આનાથી વધારે કશી  વાત ના થઇ...પપ્પા પણ એ દિવસે સાંજેજ બહારગામથી આવ્યા.... રાત્રે મોડા મમ્મીએ બધી વાત એમને કરી..
પંદરેક દિવસ એમ જ સામાન્ય રીતે કોઈ પણ ઘટનાઓ ઘટ્યા વગર પસાર થઇ ગયા. આ દિવસોમાં બધાજ  જાણે શ્રેયાથી અળગા થઇ ગયા.... એક દિવસ અચાનક પપ્પાએ રાત્રે શ્રેયાને બોલાવી અને પાસે બેસાડી..બાથમાં લઈને કપાળે ચૂમી લીધી...એના ચહેરાને તેમની હથેળીઓમાં લઈ તેની આંખમાં આંખ પરોવવાનો પ્રયત્ન કર્યો....પણ શ્રેયાએ આંખો ભીંસી દીધી...
" મારી સામે જો "
શ્રેયાએ આંખ ના ખોલી...પણ અંદરથી ટપ ટપ કરતા આંસુ ધસી આવ્યા...
" બેટા ..."
" હંમ"
" આવતી અગિયાર તારીખે તારું લગન છે.."
"..........."
મૌન થઇ ગઈ એ છોકરી ...આજે પહેલીવાર એણે પપ્પાની સામે એક હરફ ના ઉચ્ચાર્યો...આજે પહેલીવાર એને પપ્પાની બીક લાગી. આંખો છલકાઈ ગઈ... ઘરના બધાં લગ્નની તૈયારીમાં પડી ગયાં..બધા ને ખુબ ઉત્સાહ હતો....નિરુત્સાહ હતી ફક્ત શ્રેયા.... બધા જેમ કહે તેમ કર્યા કરે.. જીવનનો ઉમંગ અદ્રશ્ય થઇ ગયો..
ફોજદાર સાહેબની શાખ પ્રમાણે ધામધૂમથી લગ્ન થયાં...શ્રેયાએ છોકરા તરફ નજર સુદ્ધાં કરી નહિ.. શ્રેયા વિદાય થઇ ગઈ..અને ઘરમાંથી કિલકિલાટ અદ્રશ્ય થઇ ગયો..ઓરડા સાવ સૂના થઇ ગયાં, બધા જ દુઃખી હતાં...મમ્મીની આંખો સુકાવાનું નામ જ  લેતી નથી..
જોકે સૌથી વધારે દુઃખી છે ફોજદાર સાહેબ..વિદાયવેળાએ શ્રેયા પપ્પાને વળગીને ખૂબ રડેલી...અને ત્યારે પહેલીવાર આ પોલીસ અમલદારને ઢીલા પડેલા લોકોએ જોયેલા.
આખી રાત આંટા માર્યા કર્યા..જ્યાં જ્યાં શ્રેયા સાથે મસ્તી કરતા એ જગ્યાએ જઈ જઈને ઉભા રહે અને મનોમન જાણે શ્રેયાની હાજરીને અનુભવવાનો પ્રયત્ન કરતા હતા.
સવારે મમ્મી એમની પાસે આવ્યા ..."ઊંઘ્યા નહિ આખી રાત...?"
" ના "
મમ્મીના હાથ તેમના હાથમાં લઈ લીધા અને આંખો છલકાઈ ગઈ.." આપણે આવું કેમ કર્યું..."?
" શું...??"
" છોકરીને એની મરજી એ પૂછી નહિ.. સાવ નિષ્ઠુર થઇ ગયા હતા આપણે...એને વિદાય કરી દીધી ફક્ત આપણી જીદ પૂરી કરવા..???"
મમ્મીનો હાથ પકડીને જ્યાં શ્રેયાએ કંકુના થાપા માર્યા હતા ત્યાં લઈ ગયા અને એના પર હાથ ફેરવવા માંડ્યા....હાથ ફેરવતાજ રહ્યા..અને આંખો છલકાઈ ગઈ...જીભ થોથવાઈ ગઈ...અને એક મોટું ડૂસકું નીકળી ગયું..." જો.. જો...મારી આ ઢીંગલીના નાના-નાના હાથની નિશાનીઓ...જો મારા હાથમાં મારી ઢીંગલીના હાથ છે .."
મમ્મીને બીક લાગી શું થઇ ગયું આમને...? આજે પહેલીવાર પપ્પાએ બધાની  હાજરીમાં મમ્મીના ખભે માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને એ સાથે જ  વીસ બાવીસ માણસોની આંખોનાં બંધ પણ તૂટી ગયા...
ઢીંગલીના કંકુથાપા જ યાદ બનીને રહી ગયા....


                *********                                       *********