Sunday, April 3, 2016

હું જાઉ...???

                                            
                                                                          
ડ્રાયવરને સુચના આપી...
જો ભાઈ આગળ જઈને જમણી બાજુ વળવાનું આવશે એટલે હવે ગાડી જરા ધીમે ચલાવજો.. રોડના ડીવાઈડર પર અંગ્રેજીમાં  “આર્મી” લખેલું એક સાઈનબોર્ડ આવ્યું.. ડ્રાઈવરે રાઈટ ટર્ન લીધો.. અને ગેટ પાસે ગાડી થોભાવી દીધી. આ આર્મી કેન્ટોનમેન્ટ છે.  ગેટ બંધ હતો. બાજુના વિકેટ ગેટમાંથી  બે આર્મીના જવાનો એક સાથે બહાર આવ્યા અને કારની વિન્ડો પાસે આવ્યા એટલે અજયે વિન્ડોનો ગ્લાસ નીચે ઉતાર્યો. એક જવાન,  ગેટકીપર હતો અને બીજો જવાન કર્નલ બાબુનો માણસ હતો.
કર્નલ બાબુના માણસે પૂછ્યું : “ સર..આર યુ મી.અજયકુમાર? “
“ હાં..જી..”
 જવાને સેલ્યુટ કરી અને કહ્યું “ સર.. જયહિન્દ, સર..હમારા નામ ફ્તેહબહાદુર હૈ સર..”
અજયે પણ પ્રત્યુત્તરમાં એને  સેલ્યુટ કરી અને કહ્યું: “ જયહિન્દ “   
કર્નલ બાબુ સા’બને હમેં આપકો ગાઈડ કરને ભેજા હૈ..સર.. હમ આગેકી સીટમેં બૈઠ સકતે હૈ સર..?”
“ યેસ પ્લીઝ ..”
ફતેહ્બહાદુર, ગોરખા રેજીમેન્ટના આ જવાનનાં ચાલચલનમાં લશ્કરી શિસ્તનું અદભૂત દર્શન થતું હતું.વાક્યની શરૂઆતમાં અને અંતમાં ફતેહ્બહાદુર સર બોલતો હતો અને  એ સાંભળવાનો  અજયના કાન માટે નવોજ અનુભવ હતો.
ડ્રાઈવરે આગળનો દરવાજો ખોલ્યો અને ફ્તેહબહાદુર આગળની સીટમાં બેસી ગયો.. ગેટકીપરે દરવાજો ખોલ્યો અને કાર કેન્ટોન્મેન્ટમાં પ્રવેશી.. જિંદગીનો આ પહેલો અનુભવ હતો આર્મી કેન્ટોન્મેન્ટમાં જવાનો.  ફ્તેહ્બહાદુર ડ્રાયવરને સુચના આપીને વેન્યુ તરફ લઇ જઈ રહ્યો હતો.. કાર કેન્ટોનમેન્ટના રસ્તા પર ધીમી ગતિએ જેમજેમ આગળ વધતી હતી અજય  ત્યાંના વાતાવરણમાં ખોવાતો જતો હતો...અદભૂત નજારો હતો. અંધારું જામતું જતું હતું..પુનમનો ચંદ્ર પણ એની ઉત્કૃષ્ટ કક્ષાએથી શીતળ અજવાસ પાથરી રહ્યો હતો, નાનાં  જીવજંતુઓનાં લયબદ્ધ દ્વનીથી વાતાવરણ ભરાઈ ગયું હતું.. રાતનાં લગભગ સાડા આઠ વાગ્યા છે પણ અહીં સમય ઘડિયાળની મર્યાદા વટાવીને આગળ દોડતો હોય એમ લાગે છે.. અજય ખાસો એક કલાક મોડો છે. અજયને ચોક્કસ ખાતરી છે કે બધાજ લોકો એની રાહ જોતા હશે જ કારણ આજની મહેફિલનું  એજ તો મુખ્ય આકર્ષણછે.
લગભગ સાત આંઠ મીનીટના ડ્રાઈવ પછી કાર ગોલ્ડન કટાર ડીવીઝનના ક્લબ હાઉસના લોન પ્લોટના ગેટ પાસે પહોંચી. ફતેહ્બહાદુરે ડ્રાયવરને દૂરથીજ  ગેટ પાસે ગાડી થોભાવવાની સુચના આપી દીધી હતી.
કર્નલ બાબુ ગેટ પાસેજ ઉભા હતા અજયને આવકારવા. એ પહેલાં સામેથી એક જવાન આવ્યો અને કારનો દરવાજો ખોલ્યો. સેરીમોનીયલ યુનિફોર્મમાં આવેલા એ જવાને સેલ્યુટ કરી..પ્રતિભાવમાં અજયે પણ હાથ ઉંચો કરીને એનો આદર કર્યો અને કર્નલ બાબુ સાથે જોડાયો. જવાન એમને મહેફિલ સ્થળ તરફ દોરી જતો હતો અને અજય ચાલતા ચાલતા કર્નલ બાબુ સાથે ઔપચારિક વાતો કરતો હતો.. બહુજ સરસ માદક  વાતાવરણ હતું.. આછું આછું અજવાળું, પીળી મદ્ધિમ લાઈટો અને લોન પરની ઠંડક અને લોન પ્લોટના એક કોર્નર પર જૂદીજૂદી ઉંમરની ચાળીસ-પચાસ સ્ત્રીઓ અલગ ગોઠવાયેલી છે, પોતાનાં બાળકોને સાચવતી..વાતો કરતી.. હંસી મજાક કરતી અને એજ તરફથી અવારનવાર પવનના ઝોંકા સાથે વાતાવરણમાં ફેલાઈ જતી કોલોનની-પરફ્યુંમ્સની સુવાસથી મસ્તિષ્કમાં તાજગી પ્રસરી ગઈ.. આર્મી અફસરોની આ સોફેસ્ટીકેટેડ અને  ખૂબ રૂપાળી પત્નીઓ એમની મસ્તીમાં હતી.. કોઈ પોતે તો કોઈ પોતાનાં બાળકોને હાઉસી રમાડતી હતી.

લોન પ્લોટમાં પ્રવેશતાંજ સામે  કોર્નર પર કેટલાક અફસરો  ખુરશીઓમાં બેઠા હતાં અને એમના સેન્ટરમાં એક બહુજ મોટા અફસર હતા..કર્નલ બાબુએ ત્યાં પ્રવેશતાંજ દૂર બેઠેલા એ અફસર તરફ ધ્યાન દોર્યું  અને કહ્યું “ અજય બાબુ...!  વો જો બીચમેં બૈઠે હૈ વે હૈ બ્રિગેડીયર સુદ...એન્ડ હી ઇઝ ચીફ ઓફ ગોલ્ડન કટાર ડીવીઝન હિયર..” 
ગોલ્ડન કટાર ડીવીઝનની અલગ અલગ બટાલીયનોનાં અફસરો  આખા પ્લોટમાં અહીંતહીં અલગઅલગ ગ્રુપમાં ઉભાંઉભાં ગપ્પાં મારતા હતા. એક કોર્નર પર બનાવેલા  બારમાંથી બધાને ઊંચી જાતનો શરાબ સર્વ થતો હતો.. લગભગ બધાજ અફસરોના હાથમાં લીકર ગ્લાસમાં દરેકને અનુકૂળ બ્રાન્ડનો અને ચોઈસ મુજબનો શરાબ હતો અને તેમાંથી ચુસકીઓ લેવાતી હતી..વચ્ચે વચ્ચે “ઓરડર્લી “ સોડા-પાણી-આઈસ અને  સર્વિંગ ટ્રેમાં અલગઅલગ મંચર્સ લઈને ફરતા હતા. કોઈકની પાસે ફ્રાઈડ પી-નટ્સ તો કોઈકની પાસે ચીઝ રોલ્સ, આલુ પકોડા હતા અને જેની જે ઇચ્છા થાય તે, ટુથ પીકમાં ભરાવીને શરાબના સીપ સાથે ખાઈ લેતા અને પછી શરાબની મસ્તીમાં ઝૂમતા હતા. કોઈ બોલકા અને મજાકિયા  અફસર વળી ક્યારેક અફસર પત્નીઓનાં ટોળામાં જઈ મજાક મસ્તી પણ કરી આવતા.
અજય, આ નજારો જોવામાં ગુલતાન હતો અને કર્નલ બાબુએ કહ્યું: “ ચલીયે અજય સા’બ આપકો બ્રિગેડીયરસે ઇન્ટ્રોડકશન કરવાતે હૈ..” અજય કર્નલ બાબુની સાથે થોડે દૂર કેટલાક અફસરો સાથે ઉભેલા બ્રિગેડીયર પાસે ગયા.  બ્રિગેડીયર લગભગ ૫૦-૫૫ આસપાસની ઉંમરનાં હશે, એકદમ સ્ટાઉટ બોડી અને વેલ ડ્રેસ્ડ.   
કર્નલ બાબુએ કહ્યું: “ એક્સક્યુઝ મી સર..”  બ્રિગેડીયર એમના તરફ વળ્યા અને કર્નલ બાબુએ મારી ઈન્ટ્રોડકશન આપી. “ સર ! ધીસ ઈઝ અજયબાબુ...હમારે બહુત હી અચ્છે દોસ્ત હૈ...!  દેશકે મશહુર ગઝલ સિંગરોમેં ઉનકા શુમાર હૈ.. “ બ્રિગેડીયરે શેકહેન્ડ કરતા કહ્યું: “ અરે વાહ ભઈ...!  યહ તો બડી ખુશીકી બાત હૈ..ધીસ ઈઝ અ બીગ સરપ્રાઈઝ ફોર ઓલ ઓફ અસ...ચલો આજ બડા મજા આએગા “
બ્રિગેડીયર સુદે એમના પત્નીની પણ અજય સાથે ઓળખાણ કરાવી..બંનેએ  સામસામે નમસ્તે કર્યા.
“ અરે અજયસા’બ આજ આપ અકેલે હી કયું આયે જી ?” બ્રિગેડીયરે કહ્યું.
બધાં અફસરો હવે તેમનાં તરફ ફર્યા...કર્નલ બાબુએ મોરચો સંભાળતાં કહ્યું : “ સર..! હી ઈઝ બેચલર –“
ઓહહહ... તભી ઇતને ખુશમીજાઝ દિખતે હે...! અજય બાબુ જરા દેખીયે હમારી તરફ...હમારે તો હંસને કે ભી હોશ નહીં રહે...” એમ કહીને બ્રિગેડીયરે એમનાં પત્ની તરફ એક નજર કરી લીધી.. થોડી વાત કરીને કર્નલ બાબુ અજયને બીજા અફસરોના ટોળા તરફ લઇ ગયા. અજય માટે કર્નલે “ ઓર્ડરલી”ને વ્હીસ્કી લઇ આવવા કહ્યું. “ઓર્ડરલી” એક ગ્લાસમાં વ્હીસ્કી લઇ આવ્યો. કર્નલ બાબુએ અજયને કહ્યું: “ લીજીયે સા’બ આજ બસ મન ચાહે ઇતના પીજીયે...ઝૂમીએ ઓર ફીર હમારે લીયે દિલ ખોલકર ગાઈએ..”
અજયે ગ્લાસ લીધો અને એટલામાં તો એની આગળ-પાછળ ચાર-પાંચ અફસરો આવી ગયા. કર્નલે વારાફરતી બધાની ઓળખાણ કરાવી.” અજય સા’બ..!  યે હૈ મેજર સતીષ..યે હૈ મેજર વસંત..યે હૈ હમારે બહુત હી દમદાર અફસર મેજર જયરાજ...યે હૈ કેપ્ટન પાંડે ઔર યે હૈ હમારે દોસ્ત કેપ્ટન કદમ..”         

ઓળખાણોનો દૌર અને વ્હીસ્કીના ઘૂંટ... સિગારેટ-પાઈપમાંથી આવતી તમાકુની કડવી કડક વાસ... ક્યાંકથી ખડખડાટ હસવાનાં અવાજો તો વળી ક્યાંકથી બચ્ચાઓનો રડવાનો અવાજ. થોડી થોડી વારે પવનના ઝોંકા સાથે ધસી આવતી પરફ્યુમ્સ-કોલોનની ખુશ્બુ.. બેકગ્રાઉન્ડમાં ઘડીકમાં વાગતો શાસ્ત્રીય આલાપ તો ક્યારેક વાગતું  ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન...મસ્ત અને ખુશનુમા વાતાવરણ હતું. ત્યાં ઉપસ્થિત બધાંજ હળવા મૂડમાં હતાં.

 આર્મીના વેસ્ટર્ન રીજીયનની ગોલ્ડન કટાર ડીવીઝનની ત્રણ બટાલીયનોનો દર મહીને યોજાતો આ ગેટ ટુ ગેધર પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામમાં અજયને કર્નલ બાબુએ એમના ખાસ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા હતા. અજય જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ મિત્ર હોવી અને આ પ્રોગ્રામમાં એને બોલાવવા એ કર્નલ બાબુ માટે ગૌરવ લેવા જેવી વાત હતી એટલે એ કાર્યક્રમમાં કર્નલ બાબુનો પણ કંઇક જૂદોજ માભો હતો. અજયને પણ અહીં ખૂબ મજા પડતી હતી.
આજે એ તદ્દન જુદાજ માહોલમાં હતો, વળી આખા ક્રાઉડમાં એ વિશિષ્ઠ વ્યક્તિ હતો. બધાજ એને ખૂબ માન આપતાં હતાં. બ્રિગેડીયર સૂદનો એ હમઉમ્ર હતો. ૫૨-૫૫ વર્ષનો આ ગઝલ ગાયક લશ્કરી અફસરો સાથે ભળી ગયો.
મહેફિલનો માહોલ હવે જામવા માંડ્યો હતો. શેરો-શાયરીનો દૌર શરુ થયો..બધા ઉપર શરાબની અસર ધીમેધીમે વર્તાવા માંડી હતી કારણ ત્યાં હાજર લગભગ તમામ લોકો ૨-૩ લાર્જ પેગ હલકની નીચે ઉતારી ચૂક્યા હતાં. ઈર્શાદ... વાહ.. શુભાનલ્લાહ..ક્યા બાત હૈ...જેવી દાદના અવાજો કયારેક ક્યારેક સંભળાતા હતા..
અજય આ મસ્ત-મજાની મહેફિલનો લુત્ફ ઉઠાવતો હતો.. મંદમંદ પવન અને શરાબની તલ્ખ ખુશ્બુની સાથે પરફ્યુમ્સ-કોલોનની  મહેકથી એકદમ માદક માહોલ થઇ ગયો હતો..અને એટલામાંજ કર્નલ બાબુએ આવીને કહ્યું..: “ અજય સા’બ આઇએ માહોલ બન ચૂકા હૈ..ઔર લોગ બેસબ્રીસે ઇન્તઝાર કર રહે હૈ આપકો સુનનેકા.. આઇએ ઔર બસ આજ ઇતના ગાઈએ કી સબકા દિલ ભર જાય..”
કર્નલ એમને ધીમે ધીમે સામે બનાવેલા રેઈઝ પ્લેટફોર્મ તરફ લઇ ગયા અને એનાઉન્સમેન્ટ કર્યું..
“ મે આઈ નાવ  યોર એટેન્શન પ્લીઝ..!!” મહેફિલમાં એકદમ ચૂપ્પી છવાઈ ગઈ
“ ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન.. એઝ યુ ઓલ નો, વી હવે ટુડે વિથ અસ આ વેલનોન ગઝલસિંગર મી. અજય, ઇન ધીસ ગેધરીંગ... વન્સ અગેઇન આઈ વેલકમ હિમ  ઓન બી હાફ ઓફ યુ ઓલ... એન્ડ નાઉ... આઈ રીક્વેસ્ટ આર સ્પેશ્યલ ગેસ્ટ ઓફ ટુડે’ઝ  બ્યુટીફૂલ ઇવનિંગ, મી. અજય, ટુ સિંગ બ્યુટીફૂલ  ગઝલ્સ ફોર અસ .. બીગ એપ્લોડ્સ ફોર અજયબાબુ..”
મહેફિલમાં એકદમ સન્નાટો વ્યાપી ગયો.. બધાંજ એકદમ શાંત.. અજય એની બેઠક પર ગોઠવાયો અને હાર્મોનિયમ લઈને આલાપ આપ્યો.. શરૂઆત એક શેરથી કરી..
                     
                      “ હમારા  હશ્ર  તો  જો  હૂઆ,  હૂઆ લેકિન,
                        દુઆ યે હૈ, કી તેરી આંખે બસ સંવર જાયે,
                        નિગાહેં શૌક નહીં હૈ, નિગાહેં  શૌક   શર્મી,
                        જો એકબાર  રૂઠે  યાર  પર  ઠહર  જાએ ...”   

   લોકો મંત્રમુગ્ધ થઇ ગયા..વાહ વાહના પોકારો અને તાળીઓનો ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. લગભગ એક-દોઢ કલાક સુધી ખૂબ સરસ ગઝલો ગઈ અને ત્યારબાદ ઊભા થવાની ઇજાજત માંગી પણ લોકોએ” કુછ ઔર..કુછ ઔર  સુનાઈએ સર “ એમ કહીને વધારે ગાવા માટે મજબુર કર્યો.. ત્યારબાદ બીજી ત્રણ-ચાર ગઝલો ગાઈને કાર્યક્રમ પૂરો કર્યો.. બધાં ડીનર માટે ગયાં...અજયની આગળ પાછળ ટોળું થઇ ગયું..બધા એની સાથે હાથ મિલાવવા તો કોઈ એની સાથે સેલ્ફી પડાવવા આતુર હતા.લોકોએ ખૂબ કોમ્પ્લીમેન્ટ્સ આપ્યા. અનિચ્છાએ પણ સમયની પાબંદીને કારણે કાર્યક્રમ વહેલો પૂરો કરવો પડ્યો.
કર્નલ બાબુ અજયને જમવા માટે લઇ ગયા ...બ્રિગેડીયર સૂદ એમના પત્ની અને અજય અને બીજા ત્રણ-ચાર અફસરો સાથે જમતાં હતાં. હવે ઔપચારિકતા રહી ના હતી.. બ્રિગેડીયર મજાકના મુડમાં હતા અને એમને કંઇક સૂજ્યું અને એમણે કહ્યું : “ અજય સા’બ માનાકી આપ બેચલર હૈ પર આપકી કોઈતો  દોસ્ત તો હોગી હી ના! ભાઈ આપકી તો કોઈ ના કોઈ ગર્લફ્રેન્ડ હોગી હી...ઉન્હેં લે આતે  ઇસ મહેફિલમેં સા’બ..!! આપ અકેલે આયે હમેં અચ્છા નહીં લગા સા’બ..”
અજયે હસતા હસતા કહ્યું: “ ક્યા કરે સા’બ હમ હૈ હી અકેલે ...ના કોઈ દોસ્ત..ના કોઈ હમસફર “
“અરે ...!!! ક્યા બાત કરતે હૈ સર .. આપકી તો બહુત સારી સુંદરસુંદર લડકિયાં ફેન્સ હોંગી...? “
હમ સચ કહેતે હૈ સા’બજી...આપ વિશ્વાસ કીજીયે હમારા..”
“ હમે યકીન નહીં હોતા હૈ સા’બ...આપ જૈસે ઇન્સાનકી કોઈ ગર્લફ્રેન્ડ ના હો...!”
“ અબ ક્યા બતાએ સા’બ જિંદગીમેં કભીકભી કુછ છૂટ જાતા હૈ પીછે...ઔર રહ જાતે હૈ કુછ લોગ અકેલે...દેખિયે હમારી તરહ..” અજય સહેજ દર્દીલા અવાજમાં બોલ્યો...પાણીની પરત બાઝી ગઈ આંખોમાં..

મહેફિલ પૂરી થવાની તૈયારી હતી. બ્રિગેડીયર અને તેમના પત્નીને વિદાય આપવા બધાજ અફ્સર્સ ભેગા થયાં અને તેમની પત્નીઓ પણ ત્યાં આવી ગઈ.. શોફર કાળી એમ્બેસેડર ગાડી લાઉંજમાં લઇ આવ્યો.. ઓર્ડરલીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને બ્રિગેડીયર ગાડીમાં બેસતા બેસતા રોકાઈ ગયા અને અજયને પાસે બોલાવી આભાર માન્યો અને વિદાય થયા. બીજા બધા અફસરો પણ વિખરાવાની તૈયારી કરવા માંડ્યા અને એટલામાંજ મેજર જયરાજ અજય પાસે આવ્યા. કર્નલ બાબુ પણ ત્યાંજ ઉભા હતા.
“ એક્સક્યુઝ મી સર...!”
“ યસ ઓફીસર ..!” અજયે કહ્યું
“ વ્હોટ હેપન્ડ મેજર..?” કર્નલે પૂછ્યું
“ કુછ નહીં સર..!  અભી યે જવાન મેરે ક્વાર્ટરસે આયા ઔર મેરી મમ્માકા મેસેજ લાયા હૈ..”
“ ક્યા હૂઆ..એનીથિંગ સિરિયસ..?” કર્નલે પૂછ્યું
“ સરસ... નહીં નહીં સર...!  અભી અજય સા’બને જો ગઝલેં ગાઈં ઓર ઉનકી આવાઝ મેરે ક્વાર્ટર તક ગઈ હોગી ઓર મમ્માને શાયદ ઇન્હેં સુના... નાઉ શી વોન્ટસ ટુ મીટમી.અજય.”
“ ઓહ ધેટ્સ વેરી ગૂડ, બટ યુ નો વ્હોટ...! ઇટ્સ ટુ લેટ નાઉ” કર્નલની બહુ ઈચ્છા ન હતી
“ સર મેં જ્યાદા નહીં રોકુંગા ઇન્હેં સર..! યુ નો, શી કાન્ટ વોક સર ..અધરવાઈઝ  મેં મમ્માકો યંહા લે આતા... અજય સા’બ.. પ્લીઝ ઇફ યુ કેન સ્પેર ફયુ મીનીટસ...પ્લીઝ સર..” મેજર જયરાજનો અવાજ ઢીલો પડી ગયો.
“ ઠીક હૈ ... ઐસા કરતે હૈ કર્નલ અગર આપ થકે હો તો ડઝન્ટ મેટર, યુ ટેઈક રેસ્ટ ઓર મૈ જાતા હું મેજર કે સાથ  ઇનકે યહાં. થોડી દેર વહાં રુક કે ધેન આઈ’લ પ્રોસીડ ફરધર ફોર માય હોમ”
“ ચલો ઠીક હૈ..” કર્નલે આવવાનું ટાળ્યું. મેજર જયરાજ બહુ ખુશ થઇ ગયા.
“ ચલીયે મેજર સા’બ..અબ હમ આપકે હવાલે હૈ”
“ હાંજી ચલીયે સર ! થેંક યુ વેરી મચ અજય સા’બ..મેરી મમ્મા આજ બહુત ખુશ હોગી સર..! હું આપને વધારે સમય રોકીશ નહીં “ મેજરે ગુજરાતીમાં વાત કરવા માંડી. અજય આશ્ચર્યમાં પડી ગયા. બંને ગાડીમાં ગોઠવાયા અને ગાડી મેજરના ક્વાર્ટર તરફ દોડવા માંડી.
“ મેજર તમે ગુજરાતી બહુ સારું બોલો છો.”
“ જી સર...આપને જાણીને આશ્ચર્ય થશે પણ હું ગુજરાતી છું સર.”
“ ઓહ ધેટ્સ ગ્રેટ.. આર્મીમાં... આઈ થીંક ગુજરાતી અફસરો બહુ ઓછા હશે ને ?”
“હા સર ...વેરી ફયુ”
મેજરનું ક્વાર્ટર આવી ગયું...મેજરે બેલ વગાડ્યો અને ઓર્ડરલીએ દરવાજો ખોલ્યો... વરંડો વટાવીને બંને રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં ઝીણી લાઈટ સળગતી હતી. દરવાજાની સામે મોં રાખીને એક સ્ત્રી વ્હીલચેરમાં બેઠી હતી. મેજરે મોટી લાઈટ કરી અને અજય આશ્ચર્યચકિત થઇ ગયો અને જોરથી બોલી પડ્યો “ ઓહ માય ગોડ”
“ આવો ...અ..જ..ય..! ઓળખી ગઈને હું તમારો અવાજ ? “
“મને... હું...મા..મને..” અજય થોથવાવા માંડ્યો.”
“તમે ગાતા હતા એ અહીં ધીમુંધીમું સંભળાતું હતું.. ત્યારેજ મને અંદાજતો  આવ્યો હતો પણ જ્યારે હમારા હશ્ર જો હૂઆ વાળી ગઝલ સાંભળીને ત્યારેતો મારો વિશ્વાસ પાક્કો થઇ ગયો કે તમેજ છો..”
જયરાજ આ સંવાદ સાંભળતો રહ્યો અને એની મમ્મા અને અજ્યબાબુ પરિચિત હોવાનું જાણીને બહુજ ખૂશ થયો.
“ હું માની નથી શકતો સુહા કે આટલાં વર્ષો પછી આપણે...” અવાજમાં ખુશી અને દર્દનું મિશ્રણ થઇ ગયું. આંખોમાં પાણીની પરત થઇ આવી.
“આપ બેસોને પ્લીઝ સર, હું જસ્ટ ચેંજ કરીને આવું છું.”
અજય અને સુહાએ આશ્ચર્યોની આપલે બહુજ ઝડપથી સંકેલી લીધી.
“તમે ગઝલનો પહેલો શેર ગાયો  અને મારાથી બોલાઈ ગયું.. વાહ અજય. એક વાત કહું અજય...? આજે...આજે સવારથીજ મને થતું હતું કે આજે કંઇક સારું થવાનું છે.”
કેમ સુહા...?
‘ આજે સવારે મને જયે કહેલું કે સાંજની પાર્ટીમાં કોઈ ગઝલ સિંગર આવવાના છે, અને સાચું કહું અજય, મને એમજ થયા કરતુ હતું કે જાણે તમેજ આવવાનો છો...અરે.. તમે બેસોતો ખરા..હું તો તમને બેસવાનું કહેવાનું પણ ભૂલી ગઈ..”
અજય સામે પડેલા દીવાન પર બેસી ગયા. સુહા પણ વ્હીલચેર છેક દીવાનની નજીક લઇ આવી અને ત્યારેજ અજયનું સુહાની પરિસ્થિતિ પર ધ્યાન ગયું. અત્યાર સુધીનાં આશ્ચર્યોમાં એક વધારે દુઃખદ આશ્ચર્યનો ઉમેરો થયો..” આ શું થયું તને સુહા..?” 
“અકસ્માત ..” બહુજ ટૂંકાણમાં એણે જવાબ આપ્યો. એ જાણે બહુ લાંબી વાત કરવા માગતી નહતી કારણ એને અજય સાથે થોડા સમયમાં ઘણીબધી વાતો કરવી હતી..એના નાનકડા પાલવમાં જાણે આખું આકાશ ભરી લેવું હતું. જયરાજ બીજા રૂમમાંથી ત્યાં આવી પહોંચ્યો. મમ્માને આટલી બધી ખુશ જોઇને એ પણ ખુશ થયો..
જયરાજે કહ્યું: “ સર..!”
અજયે એને ત્યાંજ અટકાવ્યો...” મેજર, હવે હું સર નથી... આઈ’મ યોર અંકલ..ઓ..કે..?
” યસ સર..” ત્રણેય જણા હસી પડયાં.
“ હું એક વાત કહું સ...અંકલ ?
“ યસ..યસ “
“ તમે આજે અહીં રોકાઈ જાવ બીકોઝ યુ નો વ્હોટ.. ! અત્યારે ઘણું મોડું થયું છે અને આપે ડ્રીંક પણ કર્યું છે...અત્યારે ના જાવ તો સારું..”
“ નથી જવાનું...” સત્તાવાહી સ્વરે સુહાએ કહ્યું અને અજય એની સામે જોઈજ  રહ્યો. થોડીક ક્ષણો પછી સુહાને અહેસાસ થયો કે એ પહેલાં જેવુંજ વર્તન કરી બેઠી...સહેજ છોભીલી પડી ગઈ અને બંને જણ એક સાથે  હસી પડ્યાં. અજયે બહુ જીદ ના કરી અને રોકાઈ જવાનું નક્કી કરી લીધું. ખરેખરતો એનાં મનમાં પણ એવી ઈચ્છા થઇજ હતી.અને  એમાંય વળી સુહાએ આદેશ કર્યો એટલે એની ઈચ્છાની પૂર્તિ થઇ ગઈ.
જયરાજે કહ્યું: “ અંકલ તમારે જ્યારે પણ સૂઈ જવું હોય ત્યારે બાજુના રુમમાં મારી બાજુના બેડમાં સૂઈ જજો. મેં બેડશીટ બદલીને આપના માટે બેડ તૈયાર રાખ્યો છે. પાણીનો જગ પણ આપના બેડની બાજુમાં ટીપોય પર મૂક્યો છે.”
“ થેન્ક્સ મેજર “
“અને હા અંકલ, હવે હું પણ મેજર નથી. આઈ’મ જયરાજ...સો પ્લીઝ કોલ મી જયરાજ,જય ઓર વ્હોટેવર  યુ લાઈક અંકલ...ઓ..કે ..!”
“ યસ મેજ...જયરાજ ...” ત્રણેય ફરી પાછા એકસાથે હસી પડયાં.
“ મમ્મા હું સુઈ જાઉં..? મારે મોર્નિંગ ડ્યુટી છે..”
“ હા બેટા તું સુઈ જા, અમે થોડીવાર બેઠા છીએ..”
“ ગુડ નાઈટ મમ્મા.. ગુડ નાઈટ અંકલ ..!”
“ગુડ નાઈટ “ બંને સાથેજ બોલ્યા
અજય અને સુહા વાતો કરતાં રહ્યાં. રાત ઘણી વીતી ગઈ. પોતાના વિષે અને પરિવાર વિષે વાતો થતી રહી. બસ વાતોવાતોમાં સુહા વિચારોમાં અટવાઈ ગઈ.
“ સુહા...સુ..હા !”
“હમ...હા... હા... શું..?”
“ ક્યાં ખોવાઈ ગઈ ? તારી ખોવાઈ જવાની આદત હજી એમની એમજ છે..નહીં..? “
સુહા સહેજ હસી.
“સુહા..જય બહુ સ્માર્ટ છે..એની પહોળી મર્દાના છાતી, ભરાવદાર મોં, નાની મૂછો, ગોરો વાન ...અને..”
“અને શું અજય..?”
“અને તારા જેવી જ પાણીદાર આંખો, તારા જેવોજ અવાજ અને તારા જેવીજ ચાલ”
“ અને બીજું શું મારા જેવું ?”
“ તારા જેવોજ ધીર ગંભીર અને પ્રેમાળ... બહુજ ઝડપથી આત્મીય બની જાય એવો.”
“ હા “ એની આંખમાં ચમક આવી ગઈ.
“ સુહા આપણે આમ આજે અચાનક મળ્યાં કેવી કુદરતની કમાલ ?”
“ મને બહુ ગમ્યું “
“હું પણ બહુજ ખુશ થયો સુહા.., બલકે એમ કહું કે જીવનની અંતિમ ઈચ્છા ઈશ્વરે પૂરી કરી દીધી “
“ અજય..! તારો પરિવાર ? તું સેટલ થઇ ગયો..?”
એક નિ:સાસો તેનાથી નીકળી ગયો.. છાતીમાં શ્વાસ ભરીને અજયે કહ્યું, “ સુહા..! પરણ્યો તો નહીં, અને સેટલ વળી એકલા માણસને શું થવાનું? ગાઉં છું, જીવવા માટે થોડું કમાઉં છું અને..?”
“ અને શું ?”
“ તને મળવાની ઈચ્છામાં દિવસો પસાર કરતો હતો..સુહા ! જિંદગીની સફરમાં આપણે ક્યારેક હથેળીઓ જ્ક્ડેલી અને સાથે પગલાંઓ પાડેલાં અને શમણાંનાં આકાશે વિહરતાં એક દિવસ આપણી દિશાઓ ફંટાઈ ગઈ...!  બસ એ તરસ... એ તડપ... લઈને જીવ્યો.. જીવ્યાજ કર્યો.”
“ સુહા ! તું કેમ છું...? સુખી છું ..???
“ કશું જ ના સમજાય એનું નામ જિંદગી અજય ..”
“ સુખી તો છું ને .. સુહા ..?”
“ હા...ટૂંકમાં પતાવ્યું.”
“ તારો પરિવાર...જયના બીજાં ભાઈ-બહેન?”
“ એનો એક નાનો ભાઈ છે કુલદીપ... ચેન્નાઈમાં ડેપ્યુટી પોલીસ કમિશનર છે અને એના પપ્પા એની સાથે રહે છે અને હું જય સાથે. આમ પણ મારે આ શહેર છોડવું ન હતું..”
“ સુહા ! કેવું લાગે છે આજે આપણે મળ્યાં તેથી ?”
“ હાશ થઇ ગઈ... જાણે જીવનની બધીજ એષણાઓનો અંત આવી ગયો..”
“ તને કેવું લાગે છે અજય...?” અજયને ‘તમે’માંથી અનાયાસજ ‘ તું ‘  કહેવાઈ ગયું.. પણ અજયનાં  ધ્યાનમાં એ આવ્યું નહીં. અજય એકીટસે સુહાને જોઈ રહ્યો હતો.
“ સાચું કહું સુહા...અત્યંત રોમાંચક...જીવનની તરસ પૂરી થઇ ગઈ...યુ આર ગ્રેટ માય ડીયર... એક વાત કહું ...તને હું પામી ના શક્યો એનો બહુજ રંજ રહ્યો છે જીવનમાં દોસ્ત.. પ..પપ..પણ આજે...આજે તને એકવાર ફરી મળવાથી જીવનમાં હવે કોઈજ ઈચ્છા બાકી નથી રહી..”
રાતના ત્રણ વાગી ગયા હતાં. બહુજ વાતો કર્યા પછી થોડી વાર સૂતાં. અજયની આંખ ખુલી ત્યારે તો ઘણું મોડું થઇ ગયેલું. સુહા કિચનમાં પ્લેટફોર્મ પાસે વ્હીલચેરમાં બેઠાં બેઠાં કાંઇક કરતી હતી. અજયને બેડમાં સૂતાંસૂતાંજ રસોડાનું દ્રશ્ય દેખાતું હતું, તે ધીમેથી ઊભો થયો... પણ બેચેની લાગી એટલે પાછો  આડો પડ્યો. રાતનાં ઉજાગરાથી શરીરમાં ખૂબ સુસ્તી હતી.. રાત્રે ડ્રીંક કરેલું એટલે એનું હેંગઓવર પણ હતું. અજય પાછો સૂઈ ગયો.
સવારનાં લગભગ દસેક વાગે સુહાએ એને જગાડવા માટે બુમ પાડી.
“ અજય “ વર્ષોથી મનમાં ગોપાવી રાખેલું એ વહાલું નામ પોકારતાં રોમાંચ થઇ આવ્યો.
અજયે આંખ ઉઘાડી..
“ ઉઠ અજય ! બહુ મોડું થઇ ગયું છે...જય તો ડ્યુટી પર જતો પણ રહ્યો. ..”
અજય ઊઠીને ફ્રેશ થઇ ગયો..ચા પીધી અને સાથે સુહાએ એના માટે બનાવેલા બટર  ટોસ્ટ અને હાફ ફ્રાઈડ ઓમલેટ ખાધા. કપડાં ચેન્જ કરી લીધાં
“ સુહા ..!’
“ હં..”
“ હું જાઉં..???”
“.....................”
બંને દ્વિધામાં હતાં. કોઈ ઇચ્છતું ન હતું વિખૂટાં પડવાનું. અજય સુહાની વ્હીલચેર પાસે આવ્યો અને પાછળના ભાગે ઊભા રહી સુહાના બંને ખભે હાથ મૂક્યા...વ્હીલચેરને ધક્કો મારીને દીવાન પાસે લઇ આવ્યો અને સુહાની સામે આવીને બેસી ગયો. સુહાના ચહેરા પર હાથ ફેરવ્યો...એની આંખો, એનાં ગાલ, એના હોઠપર આંગળીયો ફેરવી અને આખો ચહેરો બેય હાથોમાં સમાવી લીધો....સુહાની છાતી સરસું માથું મૂક્યું...સુહાના હાથ વીંટળાઈ વળ્યાં...શ્વાસોની ગતિ તેજ થઇ ગઈ.. અશબ્દ ક્ષણો વીતી રહી...અજયનું માથું ક્યાંય સુધી એના ખોળામાંજ રહેવા દીધું... બિલકુલ ચૂપ.... બંને ...ઉના લ્હાય શ્વાસ, ની:શ્વાસ...માથામાં સુહાની આંગળીઓ ફરતી રહી. આંખોમાંથી ઉનાઉના ચાર બુંદ અજયના માથા પર પડ્યાં...અજય સાવ શાંત હતો.. થોડીવારે સુહાએ બે હાથમાં અજયનું માથું લઈને ઊંચું કર્યું....આંખો બંધ હતી... એના કપાળે એની આંખોએ એના ગાલ પર ..એના હોઠ પર સુહાએ ચૂમી લીધી....પણ એ સાથેજ અજયનું માથું એકદમ ઢળી પડ્યું..  “નાઆઆઆઆ..........” મોમાંથી એક ચીસ નીકળી ગઈ...      


                            ***********