Saturday, June 18, 2016

નખ્ખોદિયો


ટો  સ્ટેશને આવીને થોભી.. માના અને મહર્ષિ ધીમેથી ઉતર્યા ...એક હાથમાં કપડાંની સૂટકેસ અને બીજા હાથમાં મહર્ષિને પકડેલો.. ઓટોનું ભાડું ચૂકવીને પાછળ છૂટી ગયેલા રસ્તા પર એક નજર કરી.. સ્ટેશનમાં પ્રવેશ ટીકીટ ખરીદીને પ્લેટફોર્મ પર આવી ગઈ..હજૂતો ટ્રેન આવવાની થોડીવાર હતી.. દૂર એક બાંકડો ખાલી હતો.. માના ત્યાં જઈને બેસી ગઈ..એકબાજૂ સૂટકેસ મૂકી અને બીજી બાજુ મહર્ષિને બેસાડ્યો..ખબર નહીં આ નાનકડો છોકરો મહર્ષિ પણ આજે એકદમ ચૂપ થઇ ગયો છે...!! કશું જ બોલતો નથી..ફક્ત મમ્મીની પાછળ દોરવાયો જાય છે.
સ્ટેશન પર મુસાફરોની ચહલપહલ, ફેરિયાનો ઘોંઘાટ, કુલીઓની આવન-જવન, રેનબસેરા જેવા આ પ્લેટફોર્મ પર સ્થાઈ નિવાસ કરતાં સમાજનાં તમામ અવલંબનને પાછળ મૂકીને આવેલાંમાંથી કેટલાંક લોકો અહીં-તહીં સૂતાં છે..અને આ બધી ભીડ વચ્ચે માના દૂરના છેડે આવેલા બાંકડે બેઠીબેઠી પોતાના મન સાથે તુમૂલ યુદ્ધ લડી રહી હતી.. ગંતવ્ય વિષે હજુ મનમાં દ્વિધા છે..પણ એટલોતો મનમાં ચોક્કસ નિર્ધાર કરી લીધો છે કે જે છોડ્યું છે ત્યાંથી તો  મન હવે સદાને માટે વાળી લેવું.. છેલ્લા ત્રણ-ચાર વર્ષના સંઘર્ષ પછી માનાએ જાણે મેદાન છોડી દીધું....
સલીલ...હા ! સલીલ એનો પતિ... એની સાથેના સંઘર્ષનો અંત આવી ગયો.. એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.. પતિ-પત્ની નામનું લેબલ તોડી નાખ્યું.
ગઈ રાત્રે બંને વચ્ચે ખૂબ ઝગડો થયો.. વૈચારિક મતભેદો, નાનકડાં મન અને કશું જતું નહીં કરવાની વૃત્તિ..પુરુષનો અહમ અને પુરુષ મનમાં ધીમેધીમે ઉછરીને મોટા થયેલા સંશયના કીડાના સળવળાટે આ ગૃહસ્થીને ઊધઈની જેમ કોરી ખાધી...અને અંતે અવિશ્વાસના પાયા પર ઉભી રહેલી એ ઇમારત ધરાશાયી થઇ ગઈ..
બસ છૂટી ગયું બધું પાછળ...!
માનાના મનની ઉદાસી ચહેરા પર સ્થાઈ થઇ ગઈ છે...મહર્ષિનો કલબલાટ પણ સાવ શમી ગયો છે..કારણ આખી રાત એણે પપ્પા-મમ્મીને લડતાં જોયાં હતા.. સુનમુન થઇ ગયેલા બાળમન પર થયેલા આઘાતોએ ન જાણે શું શું અંકિત કરી દીધું હશે..! અત્યારેતો એની શી ખબર પડે..? એ બધું ક્યારે અને કેવા સ્વરૂપે બહાર આવશે એનીયે અત્યારે કેવી રીતે ખબર પડે..!!!  આખી રાત સામસામા રાડારાડ અને ચીસાચીસ અને વાક્પ્રહારો ચાલતા રહેલા ત્યારે એ એના પપ્પાને આજીજી કરતો હતો અને એની કાલીકાલી ભાષામાં  બોલતો હતો : “પપ્પા..મારી મમ્મા સાથે ઝગડો ના કરો ને..મારી મમ્મા રડે છે..” અને એ પણ રડતો..
ટ્રેન આવવાની તૈયારી થઇ. મુસાફરોની ચહલપહલ વધી ગઈ..પ્લેટફોર્મ પરનો શોરબકોર અને ભાગંભાગ છતાંય માના તો હજુયે એમજ બાંકડે બેસી રહી હતી..એનું મન-તન જાણે નિશ્ચેતન થઇ ગયાં હતાં.
ટ્રેન આવી થોભી અને જતી પણ રહી તોયે માનાતો એમજ બાંકડે સૂનમૂન બેસી રહેલી...ઘણી વારે મહર્ષિએ જ્યારે એને હલબલાવી નાંખી ત્યારે એનામાં સ્વસ્થતા આવી.. અને હાંફળીફાંફળી આજુબાજુ જોવા માંડી..પ્લેટફોર્મ પરનો શોરબકોર શમી ગયો હતો ખુબ ઓછા લોકોની અવરજવર હતી...એને ધ્રાસકો પડ્યો.. “  શું ટ્રેન જતી રહી..??  ઓહ માય ગોડ...શું કરું હવે..?? “
કડવા વિચારોની હારમાળા તૂટી ગઈ..આખરે ફરી પાછી મહર્ષિને લઈને સ્ટેશનની બહાર આવી..ઉભી રહી ગઈ..એક દિશામાં હમણાં છોડીને આવી એ બધું, બીજી દિશામાં વર્ષો પહેલાં કાયમને માટે જેને અલવિદા કરેલી એ મા-બાપનું ઘર અને ત્રીજી દિશામાં એને મૂકીને જતી રહેલી ટ્રેનનું પ્લેટફોર્મ.... ત્રિભેટે આવીને ઉભી થઇ ગઈ...ક્યાં જવું ...કેવી રીતે જવું...શું થશે..? અનેક ભાવો...અનેક પ્રશ્નાર્થ મનમાં ઉભા થયાં.
                           
                          XX                          XX                        XX                         XX

“ વિદ્યા ઊંઘ નથી આવતી તને..?”
“ ના કોણ જાણે આજે જીવ બહુ બળ્યા કરે છે..”
“ભગવાનનું નામ લે વિદ્યા અને ઊંઘવાનો પ્રયત્ન કર એટલે ઊંઘ એની મેળે આવી જશે.. હજુતો રાતના
ત્રણ વાગ્યા છે..”
“કૌછુ..! મને તો જાણે કૈક ખોટું થવાનું હોય એવું લાગ્યા કરે છે..”
“ વિદ્યા તું નકામી ચિંતા કરે છે... કશુંય અશુભ નથી થવાનું.. અને જે કાંઈ થાય કે બને ..બધું ઈશ્વરની ભેટ માનીને સ્વીકારી લેવાનું તો બહુ દુઃખ ના થાય સમજી...?”
“બધું સમજુ છું પણ મારું મન આજે કશુંક અમંગળ થવાનું હોય એમ બેચેન છે..”
“ જો વિદ્યા વિધાતાએ દરેકની હથેળીમાં ચિતરામણ કર્યું હોય છે..આપણને એની નાતો સમજ પડે કે ના એમાં ખબર પડે..અને એ અજ્ઞાનમાં જ સુખ છે..સુઈ જા જે થશે તે  બધું સારું થશે..”
થોડીવાર બેમાંથી કોઈ ના બોલ્યું .
“ કૌછુ..સાંભળો છો..? આ મીની તો મઝામાં હશે ને ? મને એ છોડીની બહુ ચિંતા થાય છે.
“એની ચિંતા કરવા જેવી નથી વિદ્યા....! હવે સુઈ જા અને બધું ભગવાનને સોંપી દે...આપણી મીની બહુ સમજદાર છોકરી છે..”
આ બંને ઘટનાઓ એજ રાત્રે સમાંતર બનેલી..એક બાજુ માનાનો એના પતિ સાથે સંબંધવિચ્છેદ અને બીજી બાજુ માનાના મમ્મીનો સંતાપ-વિલાપ અને ચિંતા....એમનું દુઃસ્વપ્ન ખરેખર એ દિવસે કડવું સત્ય બનીને સામે આવ્યું.
હજુતો સવાર જ પડી હતી, ઘરનાં બધાં સભ્યો નીત્યક્રીયાઓ પતાવીને પોતપોતાનાં કામે વળગવાની
પળોજણમાં હતાં અને એજ વખતે માનાનો ઘરમાં પ્રવેશ થયો અને સૌથી પહેલી નજર એના પર મમ્મીની જ પડી.
.” અરે મીની ..! તું આમ અચાનક આટલી વહેલી સવારે ..?? “
“હા મમ્મી... હું થોડા દિવસ રહેવા આવી છું..”
“ પણ આટલી વહેલી સવારે અને એય પાછી આટલી મોટી બેગ લઈને..?”
“ હા મમ્મી આજે વહેલી સવારે નક્કી કર્યું અને નીકળી પડી...પણ કેમ મમ્મી હું અહીં રહેવા ના આવી શકું..?”
“આવવાની ક્યાં ના છે બેટા...પણ આતો થોડું જુદું લાગ્યું એટલે કહ્યું...”
“ અરે વિદ્યા ! તું આમ કેમ કહે છે..? શું થયું છે તને હેં..”
“ મને ક્યાં કશું થયું છે..? આ તો ગામમાંને ગામમાં છોડી રહેતી હોય અને સવારના પહોરમાં આમ આવડી મોટી બેગ લઈને આવે તો ચિંતા તો થાય ને ..? પણ એ તમને નહીં સમજાય... એના માટે તો મા થઈને અવતરવું પડે...”
હવે પપ્પાનો વારો હતો..: “બેટા બધું સારું તો છે ને ..?”
“ હા પપ્પા બધું ઠીક છે..અને એ તો ઠીક કે સારું ના પણ હોય તો ક્યાં કશું આપણા હાથમાં હોય છે..?”
“ બેટા...!  કેમ આવું બધું નિરાશાજનક બોલે છે ?”
“ કશું જ નથી પપ્પા..આ તો બસ..”
“ તું સાચું તો બોલે છે ને બેટા ...?”
માના એ  હિમ્મતપૂર્વક રોકી રાખેલો પોતા પરનો સંયમ ખૂટી પડ્યો..ચોધાર આંસુએ રડી પડી..મમ્મીને ફાળ પડી...કશુંક  અશુભ થવાના એંધાણ મળેલા એ સાચા પૂરવાર થયા...પપ્પાના ખોળામાં માથું મુકીને ક્યાંય સુધી રડતી રહી..મમ્મી-પપ્પા બંને એને સાંત્વન આપતા રહ્યાં...બહુ વારે શાંત થઇ...સહેજ સ્વસ્થ થઇ..એ આખો દિવસ કોઈએ કશું પૂછ્યું નહીં..અને માનાએ પણ કશુંય કહ્યું નહીં...આખો દિવસ માના ગુમસૂમ બેસી રહી....
એ રાત્રે પપ્પા-મમ્મી હિંચકે બેઠાં હતાં અને માના એ રૂમમાં પ્રવેશ કર્યો..એના હાથમાં એક કાગળ હતો અને એ કાગળ એણે પપ્પાના હાથમાં મૂક્યો..મમ્મીતો આ જોઇને બઘવાઈજ ગઈ અને લગભગ બુમ પાડી ઊઠ્યા
“ શેનો છે એ કાગળ...મીની..?
“ કશું નથી..વિદ્યા તું શાંતિ રાખીશ..?  મને પહેલા વાંચવા તો દે...”
“હે ભગવાન શું થવા બેઠું છે આ..?” વલોપાત કરવા માંડ્યા.
“ કશું જ નથી થવા બેઠું.. મને પહેલા કાગળ વાંચવા દઈશ..??” પપ્પા સહેજ ગુસ્સે થઇ ગયા.
પપ્પાએ કાગળ વાંચવા માંડ્યો..:
“   આપણે દસ વર્ષ સાથે રહ્યા છતાં આપણું માનસિક સંયોજન ના થઇ શક્યું અને એટલે હવે આપણે છુટા પડીએ એજ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે આપણા અને મહર્ષિના હિતમાં છે અને એ વિકલ્પ આપણને બંનેને મંજુર છે કારણ કે આપણે બંને સમાયોજન સાધીને સાથે રહી શકીએ એ સામર્થ્ય ગુમાવી ચૂક્યા છીએ.
આ લખાણ આપણે બંનેએ  રાજીખુશીથી અને સમજણપૂર્વક અને પૂરા હોશોહવાસમાં લખ્યું છે અને જરૂર જણાય તો કોર્ટ રજિસ્ટ્રેશન આપણા બંનેમાંથી કોઈ પણ કરાવી શકે છે..”
કાગળમાં નીચે બંનેની સહીં હતી. કાગળની એક કોપી માના પાસે અને એક કોપી એની પાસે હતી.
પપ્પા કાગળ વાંચતા જ અવાક્ થઇ ગયા..કપાળ પર પરસેવો વળી ગયો..ચશ્મામાં ઝાંય વળવા માંડી..શ્વાસની ગતિ બેવડાઈ ગઈ.. આંખો ભીની થઇ આવી.. મમ્મી પણ રડવા લાગ્યાં... કોઈ કોઈને સાંત્વન આપી શકે એ પરિસ્થિતિમાં હતું જ નહીં.. માના પણ રડતી હતી.. એકલો મહર્ષિ સ્વસ્થ હતો એ પણ આ દ્ગશ્ય જોઇને બઘવાઈ ગયો.. માના પાસે જઈને એને વળગી પડ્યો.. અને એના આંસુ લૂછવા માંડ્યો..” મમ્મા તું ના રડીશ નહીં ને .. આપણે પપ્પાની કિટ્ટા કરી દઈશું...”
બધાં શાંત થઇ ગયા...સુનમુન...કોઈ કશું બોલતું નથી.. બધાં પોતપોતાના મન સાથે સંવાદ કરતા હતા કે પોતપોતાની રીતે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા હતાં. ખાસ્સી વાર પછી પપ્પાએ પૂછ્યું : “ કેમ બેટા ...કેમ આવું થયું ?”
“ય...શ...!”
“   યશના કારણે…  ???”
“   હા પપ્પા “
“   તારો સંબંધ છે હજી…  ??”
“   ના બિલકુલ નહીં... પપ્પા...કેટલાય વર્ષોથી સંપર્ક તૂટી ગયો છે… પણ મારી ભૂલ એ થઇ કે મેં એને લગ્ન પછી યશ સાથેના મારા સંબંધની રજેરજ વાત કરી....”
“   એ તો તારી પ્રામાણિકતા હતી બેટા...”
“   પ્રામાણિકતાનું હંમેશાં સારું પરિણામ મળે છે એવું નથી…એ પૂરવાર થઇ ગયુંને..?”
“   મને તો ખબર જ હતી કે એ નખ્ખોદિયો મારી છોડીનો ભવ બગાડશે…” વિદ્યાબહેન એકદમ તાડૂક્યા…
“   મમ…મમ્મી... પ્લીઝ   “   માનાએ પહેલા રોષમાં અને પછી વિનંતીથી પ્રતિકાર કર્યો..
“   વિદ્યા..! યશ માટે એવું ના બોલ એ સારો માણસ છે..એણે તો મીનીને બહુ સાચવી છે..બહુ પ્રેમ કર્યો છે.. એ તો વિધાતાની નિષ્ઠુરતા કે મીનીને એ પામી ના શક્યો...”
વિદ્યાબહેન હવે સાવ ચૂપ થઇ ગયાં.
“  આવું કેમ થયું બેટા  ? ”
“  પપ્પા અમારી વચ્ચે પ્રેમનું ઝરણું તો ક્યારનું સુકાઈ ગયું હતું....રહ્યો હતો માત્ર નફરતનો કીચડ...અમારા જીવનમાં એકદમ પલટો આવી ગયો..શરૂઆતના શાંત સુખી જીવનના કમાડની તિરાડમાંથી તોફાની વાયરો સુસવાટા સાથે ધસી આવ્યો..બધું વેરણ છેરણ થઇ ગયું...બધું લૂંટાઈ ગયું..” ખુબ ગમગીન અવાજે માના બોલી.
“  જવાબદાર કોણ બેટા...તું કે એ ..???”
“સમય..., પપ્પા, સમય અને બીજો સંશય “
“યશ જવાબદાર ખરો..?”
“ ના પપ્પા ના..બિલકુલ નહીં, એણે તો કશું કર્યું નથી..એ તો આજે પણ દૂર ઉભોઉભો-ઉભો મને પ્રેમ કરતો હશે...પણ પપ્પા સત્ય તો એ છે કે એના પ્રત્યેના દ્વેશભાવે જ અમારું બધું લૂંટાઈ ગયું..”
“બસ એ દિવસ પછી ઘરમાં કોઈ પણ એ વાતનો ઉલ્લેખ ના કર્યો..ખસ્સી પંદરેક દિવસ વીતી ગયાં”
એક દિવસ વહેલી સવારે માના જાગી ગઈ..પપ્પાને ધીરેથી ઉઠાડ્યા અને બહાર વરંડામાં લઈ આવી..બંને જણ સંચકે બેઠાં..થોડીવાર બંને સૂનમૂન બેસી રહ્યાં..હીંચકાનાં હિલ્લોળતી સાથે મન પણ ઝૂલતું હતું..
“પપ્પા...હું શું અરું..?”
“  કશું નહીં ખેટા.બસ તું તારે અહીં રહે શાંતિથી..અને ભગવાન પર ભરોસો રાખ..”
“પપ્પા મારાથી અહીં નહીં રહેવાય…”
“કેમ ખેટા..? કેમ આવો રુક્ષ જવાબ..? તને કાંઈ અમારા માં-બાપના ભાવમાં ખોટ વર્તાઈ..??”
“   ના પપ્પા..પ્લીઝ એવું કશું નથી પણ હું બધા ઉપર બોજ બનીશ..”
“એવું કેમ વિચારે છે મીની....?”
“પપ્પા.., હું યશ પાસે ચાલી કાઉ છું…”
“આતો કેવી રીતે શક્ય છે ખેટા…??”
“પપ્પા મને યશ પર પૂરો ભરોસો છે...અને હવે હું યશ માટે છેક અંત સુધી લડી લઈ, હવે હું જરાય નમતું  પણ નહીં ખોખું અને હાર પણ નહીં માનું..”
“બે...ટા…”
“ મને ચોક્કસ ખબર છે કે યશ મારી રાહ જોતો જ હશે પપ્પા. યશને ધબીએ અન્યાય કર્યો છે..મેં પણ,
હા મેં પણ એને અન્યાય કર્યો છે.”
“તો તું શું કરવા માંગે છે..?”
“ બસ હું યશ સાથે રહીશ કોઈ પણ રીતે. યશ મારો સ્વીકાર કરશે જ, મારો આત્મા કહે છે કે મીની, જા....જા તારું ખરું ઠેકાણું યશ પાસે જ છે..”
 “મારું મન નથી માનતું…બેટા...”  
“પપ્પા એને હું એકવાર મળું ..? તમે આવશો મારી સાથે..?”
“હા…હા,  હું ચોક્કસ આવીશ.. બેટા તારી સાથે..”
બીજા દિવસ માના અને પપ્પા યશના શહેરમાં ગયા..યશને ત્યાં પહોંચ્યા ત્યારે સવારનો સમય હતો. દરવાજો નોક કર્યો અને થોડીવારે દરવાજો ખૂલ્યો..સામે એક જાજરમાન સ્ત્રી ઉભી હતી, આ લોકોને જોઇને એકદમ આશ્ચર્યમાં પડી ગઈ.
“કોણ...તમે...???  માના ..!!!”
“હા..!  હું માના “
પપ્પા સહેજ પાછળ દૂર ઉભા હતા.. માનાએ એમના તરફ ઇશારો કરીને કહ્યું “ મારા પપ્પા છે..”
"નમસ્તે..”
“નમસ્તે…”
“યશ છે..?” માનાએ પૂછ્યું...
“હા…હા છે જ, અને તમારી રાહ જુએ છે…”
“મારી રાહ જુએ છે ..???? પ..પ..પણ એને તો ખબર જ નથી કે હું આવવાની છું..”
“હા પણ તોય એ તમારી રાહ જુએ છે...”
“પણ   કેમ?”
“કાયમ મને કહે છે...નીલેશ્વરી મારી માના પાછી આવશે જ.... તારે એને તારી પાસે રાખવી પડશે હોં  કે  !”
પપ્પાતો આ બધું સાંભળીને સાવ ઢીલા જ થઇ ગયા..આંખોમાં આંસુ ધસી આવ્યા..પાછું નીલેશ્વરીએ બોલવાનું શરુ કર્યું..” જો માના, ચાલો આપણે ઉપર જઈએ..ઉપર અગાશીમાં એ ઉભો હશે અને અપલક રસ્તાને જોતો હશે.. બસ રોજ એ આમજ ઉભો રહે છે અને હતાશ થઇ જાય છે અને પછી આવીને મને કહેશે...”નીલેશ્વરી આજે પણ માના ના આવી..” ચાલો આપણે ઉપર અગાશીમાં જઈએ...પણ હા... ખૂબ ધીમેથી એને સહેજ પણ ખલેલ ના પડે એ રીતે..” યશ અગાશીમાં એમજ ઉભો છે જેવું નીલેશ્વરીએ વર્ણન કર્યું..સફેદ કુર્તા પાયજામા ઉપર બ્રાઉન સ્વેટર પહેરેલું છે.. અસ્તવ્યસ્ત વાળ અને બે-ત્રણ દિવસની વધેલી દાઢી છે. અગાશીની પેરાપેટ પાસે ઉભો રહીને બરાબર એના ત્રિભેટે આવેલા ઘર સામેથી પસાર થતા અને દુરદુર સુધી જઈ ક્ષિતિજમાં ઓગળી જતા એક લાંબા રસ્તાને એકી નજરે તાકી રહ્યો છે. નીલેશ્વરી સૌથી આગળ દાદર ચડતી હતી અને માના અને પપ્પા થોડાં પગથિયાં પાછળ હતા. અગાશીના દરવાજે પહોચતાં સુધીમાં નીલેશ્વરીએ એને બૂમ પાડી.. “યશ..!”
એણે કોઈ પ્રત્યુત્તર ના વાળ્યો એટલે નીલેશ્વરીએ ફરી બુમ પાડી.. “ યશ..!!!!”
શું છે ની..લ.... અને એ ધીમેથી નિરાશ ચહેરે પાછળ ફર્યો અને એમજ રોજની જેમ એક નિસાસા સાથે  બોલી પડ્યો...“ ની..લ આજે પણ..મા..ના.. ના આવી.!
નીલેશ્વરી અને યશ વચ્ચેના આ સંવાદ દરમ્યાન માના અને પપ્પા દાદરમાં જ થોભી ગયા હતા. બંનેના  હૃદયમાં વ્યગ્રતા મનમાં ઉચાટ અને પગમાં થડકાટ હતો...વજન હતું . માનાને એક જોશથી ડૂસકું આવી ગયું.. પણ એણે દુપટ્ટામાં મો છુપાવી દીધું....જોરથી રડી પડી પણ સહેજે અવાજ ના થાય એટલી તો એ સભાન હતીજ એટલે એનો અવાજ ઉપર સુધી ના પહોંચ્યો.  
“યશ તું આંખો મીચી દે તો... જો તો હું તારા માટે શું લાવી છું.......!!!!!”
“મને કાંઈ નથી જોઈતું નીલ...“
“યશ સાચ્ચેજ નથી જોઈતું તને કાંઈ..પછી પસ્તાઈશ હોં કે યશ ..!
“ની...લ.....પ્લીઝ યાર...! તને ખબર તો છે કે મને નથી ગમતું કશું ” નિરાશ અવાજમાં યશ બોલતો હતો.
નીલેશ્વરી, એના મન અને હૃદયના ભાવ અને પીડા બહુ સભાનતાથી છુપાવતી હતી અને એટલે એ વધારે  બોલકી બની ગઈ હતી. માના અને પપ્પા પણ થડકતા હૃદયે અને વજનદાર પગલે  દાદરનું એકએક પગથિયું ચડતા હતા... અને...!  નીલેશ્વરીનો યશ સાથેનો સંવાદ સાંભળીને બન્ને જણ ત્યાં દાદરમાં વચ્ચે જ ખોડાઈ ગયાં.  
માના માટે આ ક્ષણ આનંદાશ્ચર્ય લઈને આવી છે તો પપ્પા માટે હળવાશ અને ભય બંને લઈને આવી છે...લાગે છે તો એવું કે તેમના જીવનમાં અનાયાસ ધસી આવેલાં અનિશ્ચિતતાનાં કાળાં ડીબાંગ વાદળ હવે હટી જશે અને ફરી પાછો વ્યાપશે ઉજાસ.. પણ....?? પપ્પાનું હૃદય નિયમિત કરતા ઘણી વધારે ઝડપથી ધબકારા લે છે..પગમાં પણ ધ્રુજારી થાય છે.. જે બની રહ્યું છે એ ખરેખર વાસ્તવિકતા છે કે પછી આભાસ...!!! આવું શું બની શકે ??  કોઈ એક સ્ત્રી એટલી ઉદાર, એટલી સાલસ એટલી પરગજુ હોઈ શકે કે પોતાના સંસારને પોતે જ પોતાના હાથે  વિભાજિત કરે..??  આ બધા પ્રશ્નોની ભૂતાવળ પપ્પાના મનમાં ઉઠી છે પણ અત્યારે  પરિસ્થિતિ એવી પણ નથી કે જે બની રહ્યું છે તે બાબત કોઈ સંશય ઉભો કરીને મીની નું જીવન માંડ ઠારે પડવા જઇ રહ્યું છે ત્યારે કોઈ નવો વિવાદ ઉભો થાય. કોઈ સ્ત્રી શું એટલી ઉદાર હોઈ શકે કે પોતાની ગૃહસ્થીમાં અન્ય સ્ત્રીનો પ્રવેશ આટલી સહજતાથી સ્વીકારે...! માની ના શકાય એવી આ વાત પપ્પા માટે સંશયનું મોટું કારણ છે...વળીવળી ને એક વિચાર આવે છે કે શું આ છળ તો નહિ હોયને.. ??? જવ્વલ્લેજ બનતી આ ઘટના પોતાની દીકરીનાં જીવનમાં બનવા જઈ રહી હતી. જોકે અત્યારે તો એને વિધાતાની એક ઓર કમાલ કે પછી અવળચંડાઈ.. એમ માનવામાં શાણપણ હોવાનો અહેસાસ પણ એમના અનુભવી જહનને છે જ.
“યશ...સારું તારે આંખો બંધ ના કરવી હોય તો કાન ખુલ્લા કર અને ધ્યાન થી સાંભળ હું જે કહું તે... ઓ..કે...યશ...! હું ફરી નહીં બોલું હો...” નીલ એની સાથે નાના બાળકની જેમ વ્યવહાર કરતી હતી.
“એક ખાનગી વાત કહું યશ...? તું કોઈને કહીશ તો નહીને..?”
“ ના “ એકાક્ષરી જવાબ આપ્યો
“ યશ...!  આજે તો બોલ માના આવી છે ..” એકદમ સહજતાથી કહી દીધું.
“ તું કાયમ મારી પાસે જુઠ્ઠું બોલે છે નીલ “
“ પણ આજે તો હું સાચું બોલું છું યશ..” એટલું બોલતા બોલતા એણે દાદર તરફ ફરી ને જોરથી તાળી પાડી... માના એનો ઇશારો સમજી ગઈ અને દાદરમાંથી અગાશીમાં જઈ પહોચી.. બંને ની નજર એક થઇ...યશ ને હજુ વિશ્વાસ નથી બેસતો કે માના એની સામે સદેહે ઉભી છે.. યશનું માથું ભમવા માંડ્યું...આ શું જોઈ રહ્યો છે એ..? માનાની આંખો ભરાઈ આવી દોડતી ગઈ અને યશને વળગી પડી..યશ પણ સમજી નહતો શકતો કે એણે શું પ્રતિક્રિયા આપવી પણ ધીમેથી એના હાથ પણ માનાને ફરતે વીંટળાઈ ગયા. માનાનાં આંસુ રોકાતા નથી અને યશની છાતીમાં મો નાખીને રડે જાય છે.. નીલેશ્વરીની આંખો પણ ભરાઈ આવી અને એ આ દ્રશ્ય જોઈ ના શકી એટલે નીચે જવા માંડી અને સામે  પપ્પા ઉભા હતા. એમને તો એજ નહતું સમજાતું કે આ બધું શું થઇ રહ્યું છે ..? એ મુઝવણ અનુભવતા હતા પણ નીલેશ્વરીને નીચે જતી જોઇને એ પણ એની પાછળ ગયા. નીલેશ્વરીની આંખોના બંધ તૂટી ગયા હતા. પપ્પા એની પાસે ગયા અને એના માથે હાથ ફેરવવા લાગ્યા...અને પાસે જ પડેલી પાણીની બોટલ એની સામે ધરીને પાણી પીવા કહ્યું.
નીલેશ્વરી શાંત થઇ.. પપ્પા એની સામે બેસી ગયા અને એની સામે હાથ જોડવા લાગ્યા. એમની આંખો પણ ભરાઈ આવી હતી... છોકરીના એક વૃદ્ધ બાપની લાચારી સ્પષ્ટ દેખાતી હતી એમના ચહેરા પર...એમના વર્તનમાં. નીલેશ્વરીએ એમને હાથ જોડતા અટકાવ્યા અને એમને પણ પાણી આપી શાંત કર્યા.
યશ અને માના હજુ ઉપર જ હતા અગાશીમાં.. ખુબ ધીમો અવાજ સંભળાતો હતો પણ કશું સ્પષ્ટ થતું ન હતું.
“ બેટા..તું તો અમારા માટે ભગવાન થઈને આવી..? આ ઘરડા માં-બાપ પાછી ફરેલી પરણેતરને કેમના વેંઢારત..? હું તો માનીજ નથી શકતો કે એક સ્ત્રી આટલો મોટો ભોગ આપીજ કેવી રીતે શકે..? મને હજુ આ સપનું લાગે છે દીકરા...તારા તો કેટલા પાડ માનું હું...!!” આટલું બોલતામાંતો એકદમ ભાંગી પડ્યા. નીલેશ્વરીએ એમને શાંત કર્યા પણ એ વૃદ્ધ પુરુષ એની સામે લાચારીથી જોઈ જ રહ્યા હતા.. એટલે નીલેશ્વરી એ કહ્યું: ” આપ ચિંતા ના કરશો ભગવાન સૌ સારુંજ કરશે..”
“પણ દીકરા હું તો હજુ માનીજ નથી શકતો જે બની રહ્યું છે.”
“ જે બન્યું છે એ સત્ય છે પણ આજે જ્યારે મારા માથા પર હાથ મુકીને મને દીકરા કહીને  તમે બોલાવી છે ત્યારે આજે જીંદગીમાં પહેલીવાર બાપનો હાથ કેવો હોય એનો મને એહસાસ થયો છે.”  પપ્પા એની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહીં.. બધું મૌનના ઓથાર હેઠળ દબાયેલું છે. નીલેશ્વરીએ એક નજર દાદર તરફ કરી અને એની સાથે પપ્પાની નજર પણ એ બાજુ ગઈ. થોડી વારે હિમ્મત કરીને બોલ્યા..” બેટા તું કેમ એવું બોલી કે પહેલી વાર બાપના હાથ નો અહેસાસ થયો..?”
એક નિસાસો નાખીને નીલેશ્વરીએ કહ્યું “ હું તો અનાથ આશ્રમમાં ઉછરેલી ...મા-બાપનો ચહેરો તો શું
મા-બાપ કેવા હોય એનીયે મને તો ખબર નથી.”
સમય તો સડસડાટ વહ્યે જતો હતો સવારથી એક પછી એક બનેલી ઘટનાઓ એટલી ઝડપથી ચાલી કે કોઈને સમયનું ભાન જ નથી રહ્યું કે નથી...કોઈએ કશું ખાધું. પપ્પાને હવે નીલેશ્વરી વિષે વધારે જાણવાનું કુતૂહલ થયું પણ એતો ફક્ત એના ચહેરાને તાકી રહ્યા હતા. નીલેશ્વરીએ બોલવાનું ચાલુ રાખ્યું : “ મને તો એય ખબર નથી હું ક્યાં અને ક્યારે જન્મી હતી, કોની કુખે જન્મી હતી અને મારી જાત કઈ છે પણ જ્યારે સમજણી થઇ ત્યારે ખબર પડી કે મારું ઘર એટલે એને અનાથાશ્રમ કહેવાય અને જેને માં-બાપ ના હોય એ લોકો ત્યાં રહે... હું ત્યાં રહી ને ભણી...ખુબ ભણી. બધા એવું કહેતા કે હું બહુ હોશિયાર છું એટલે મને ભણાવવા માટે લોકો બહુ દાન આપતા. ગ્રેડ્યુએટ થઇ અને તરતજ બૅન્કમાં ઑફિસરની નોકરી મળી.
હવે પપ્પાની ઉત્સુકતા વધવા માંડી એટલે પૂછી બેઠા “ તો તમારું લગ્ન?“
“  એક દિવસ હું બૅન્કમાંથી મારા રૂમ પર પાછી આવી ત્યારે મને અમારા રેકટરે બોલાવી અને યશસ્વી સાથે ઓળખાણ કરાવી. રેક્ટરના સંબંધમાં એ હતો અને એને બિલકુલ સાદી-સીધી સામાન્ય પણ ભણેલી છોકરી સાથે લગ્ન કરવા હતા એટલે ત્યાં આવેલો... અમારો પરિચય વિસ્તર્યો અને પ્રણય થયો અને પ્રણય પરિણમ્યો પરિણયમાં...હું તો આવી ગઈ દમામભેર ઢગલાબંધ સપનાઓ લઈને એના આ ઘરમાં, એના સંસારમાં એના જીવનમાં. સરસ મજાનો સંસાર ચાલતો હતો.
પપ્પાએ એને વચ્ચે અટકાવી અને પૂછ્યું “ તો માના ???”
માના વિષે તો એણે મને અમારી ઓળખાણના પ્રારંભમાંજ કહ્યું હતું.. એતો કહેતો “ માના મારું સર્વસ્વ છે...મારા જીવનનો સૌથી સુખદ હિસ્સો છે..મારી...,અરે  મારીજ કેમ, અમારી કમનસીબી હતી કે અમારા માટે સહજીવન શક્ય ના બન્યું પણ એ વખતે પણ એ કહેતો કે જીવનના કોઇપણ તબક્કે મારી માના મારી પાસે આવે તો હું તારી સાથે એને પણ રાખીશ... તું માનાને તારી સાથે રાખીશ ને ? મેં એ વખતે અનાયાસ જ હા કહી હતી પણ.... મને ક્યાં ખબર હતી કે ?????”
ચુપ થઇ ગઈ નીલેશ્વરી. આંખ આંસુ થી ભરાઈ ગઈ.....થોડી ક્ષણની ચુપકીદી બાદ એણે ફરી બોલવાનું શરુ કર્યું... “ મને ક્યાં ખબર હતી કે એ અનાયાસ બોલાયેલા શબ્દો સાચા પડશે.!!!! “
“ બેટા તને સહેજ પણ ખચકાટ હોય તો હું માનાને પાછી લઈ જાઉ...? અને બેટા હું પણ સમજુ છું કે માનાનો કોઈ જ અધિકાર નથી તારી  આ ઘરગૃહસ્થી પર. હું એને લઈને અહીં આવ્યો ત્યારે હું ફક્ત લાગણીમાં અંધ બનેલો બાપ હતો..પણ હવે હું  જીવનની વાસ્તવિકતા જોઈ શકતો એક તટસ્થ માણસ છું”
“ના...ના...પ્લીઝ એવો તો હવે તમે વિચાર પણ ના કરતા..”
“ કેમ?”
“  મને મારો યશ ત્યારે જ પાછો મળશે જ્યારે એને એની માના પાછી મળશે..... અમારા લગ્ન પછી પણ માના ને ભૂલી શકતો નહતો. દિવસ રાત એના નામનું જ રટણ ચાલુ રહેતું.. એ હું એની પત્ની કેવી રીતે સહન કરતી.? સંઘર્ષ થતો.. પણ કોઈ અર્થ ન હતો, એતો બસ માનામય હતો..એકના એક રટણને લઈને એ કોઈક મનોરોગનો શિકાર બની ગયો નોકરી પણ છૂટી ગઈ.. અને બસ આખો દિવસ માના આવશે...મારી માના જરૂર પાછી આવશે એવી આશાએ પહેલાતો અહીં બારણા પાસે જ રાહ જોતો ઉભો રહે..પણ પાછી અગાશીમાં જઈને ઉભવા માંડ્યો.. આ બધામાં હુંતો મારાપણું જ ખોઈ બેઠી..ના હું ઘર પામી...ના વરને પામી  કે ના તો સંતાન...હું કરતી તો શું કરતી..??? જતી તો ક્યાં જતી...પાછી આશ્રમમાં ???
થોડી વાર કશું ના બોલી... ઘડી ઘડીમાં એની નજર અગાશી તરફ જતી.અને પાછું બોલવાનું શરુ કર્યું. “ડોક્ટરે પણ એજ સલાહ આપી કે એને આ ભ્રમણામાંથી બહાર લાવવાનો એકજ ઉપાય છે અને એ કે એને નાના બાળકની જેમ સંભાળવો અને એને ગમતી વાત જ કરવી અને એની સાચીખોટી જીદ ને સમર્થન આપવું...”
એક જોરથી નિસાસો નાંખ્યો...થોડી ક્ષણો શાંત રહી અને પાછી બોલવા માંડી....
“પણ મને ગાંડીને ક્યાં ખબર હતી કે માના નામની ભ્રમણા એક દિવસ સત્ય બનીને મારી સામે ઉભી થઇ જશે..? ” બસ પછી એકપણ શબ્દ એ ના બોલી..પપ્પા પણ એની સામે જોતા બેસી રહ્યા...થોડીવારે  દાદરમાંથી પગથિયાં ઉતરવાનો અવાજ સંભળાયો...બેયની નજર એ તરફ ગઈ. માના યશનો હાથ પકડીને એને ધીરે ધીરે નીચે લઈ આવી. યશ ખુશખુશ દેખાતો હતો..
“ નીલ...તું ક્યાં જતી રહી હતી..? હું અને માના તો ઉપર બહુ વાતો કરતા હતા...નીલ કેટલું બધું મોડું થઇ ગયું છે નહીં ? માનાને પછી એના ઘેર જવાનું મોડું થશે..”
નીલેશ્વરી અને પપ્પાતો એકબીજાની સામે  આશ્ચર્યથી તાકી રહ્યા.
“ નીલ મને બહુ ઊંઘ આવે છે...હું સુઈ જાઉં ? મને ઓઢાડી દેને...નીલ. માના આવજે...!!!!!!!”    


                                           XXXXXXXXX                                                              


   
 
         










































                   













Wednesday, June 8, 2016

કંકુથાપા

                                                                             ર આખું હેલે ચડ્યું હતું.....મહેમાનો આવી ગયાં છે...
આખું ઘર ભર્યુંભર્યું લાગે છે. સુંદર સજાવ્યું છે ઘરને..રોશનીનો ઝળહળાટ અને ઘરની આગળની જગામાં નાનો મંડપ બાંધ્યો છે.... આસોપાલવના તોરણ અને પીળા અને સફેદ ફૂલની સેરો ઠેર ઠેર લગાવી છે.
ઘરમાં આ છેલ્લો પ્રસંગ છે ...હવે નજીકના ભવિષ્યમાં ઘરમાં કોઈ અવસર આવવાનો નથી...
ઘરની સૌથી લાડકી, સૌની વહાલી અને સૌથી નાની શ્રેયાનું લગ્ન છે.
ખળખળ વહેતા ઝરણા જેવી અને ઊછળકૂદ કરતી ચકલીની જેમ ફડફડાટ કરતી શ્રેયા બે-ત્રણ દિવસમાં આ માળો છોડી દેશે અને બીજે ઠેકાણે જઈને વસી જશે...આ ઘરમાંથી એના જવા માત્રની કલ્પનાથી આખું ઘર બેચેન બની ગયું છે..જ્યાં સુધી એ ઘરમાં હોય ત્યારે ઘરમાં ચહલપહલ  હોય...ઘર આખું ગુંજતું હોય-ગાજતું હોય...પણ હવે એના જવા પછી આવનારી નીરવ શાંતિની ઘરનું કોઈ જ કલ્પના સુદ્ધાં નથી કરી શકતું...ઘણાબધા સભ્યો છે ઘરમાં, બહોળો પરિવાર છે. નાનાંનાનાં ટાબરિયાથી માંડીને પપ્પાજી સુધી બધામાં શ્રેયા વિશિષ્ટ પ્રકૃતિની છે. મમ્મી તો  કાયમ કહે કે એના પગમાં ફુદરડી છે..એ જંપીને બેસે જ નહિ... એક ઘડી માટે પણ  જો આ છોકરી શાંતિથી બેસે તો એનું નામ શ્રેયા નહીં....!!!
બસ, શ્રેયા હવે બદલાઈ જશે..શ્રેયાનું સ્વરૂપ-નામ-સ્વભાવ બધું જ બદલાઈ જશે...શ્રેયા દલાલ મટીને હવે શ્રેયા દિવાન બની જશે . લગ્નના નામ માત્રથી ભડકતી આ છોકરી હવે લગ્નના બંધનમાં જકડાઈ જશે.. છેલ્લા ઘણા વખતથી એણે સૂચક મૌન ધારણ કરી લીધું હતું. લગ્ન માટે આનાકાની કરવાનું કે લગ્નનો ઇન્કાર કરવાનું છોડી દીધું ...બસ હવે તો  પપ્પા-મમ્મીને જે વાતથી સુખ મળે એમ કરવાનો નિર્ધાર જાણે કરી લીધો છે.          
એનું લગ્ન કરવાનો નિર્ણય સામૂહિક હતો.....જોકે આ લગ્નથી ઘરનાં બેજ સભ્યો નાખુશ હતા ......એક તો શ્રેયા પોતે અને બીજા એના પપ્પાજી.
બે વચ્ચેનો વચ્ચેનો સ્નેહ દુનિયાના તમામ સ્નેહસંબંધને ઝંખા પાડી દે એવો છે.
પપ્પા લગભગ ૭૦ વટાવી ચૂક્યા છે. છ સંતાનોના આ બાપનો કડપ આ ઉંમરે પણ હજી એવોને એવોજ છે. એમની સામે આંખ મિલાવીને કે સહેજે ઉંચો અવાજ કરીને વાત કરવાની હિમ્મત ના તો ઘરમાં કોઈની છે કે નાતો ગામમાં....અને એજ તો કારણ છે ને કે ૨૦-૨૨ જણાનો આ પરિવાર આજે પણ અખંડિત રહી શક્યો છે. આખા પંથકમાં એમની ધાક હતી.. પોલીસ અમલદાર તરીકે નિવૃત્ત થયા પછી પણ એમના મોભાની લોકો કદર કરતા...આદર કરતા. એટલું જ નહિ એમના રુઆબથી લોકો કાંપતા.
આખા પંથકમાં પી.ડી.ફોજદારનું નામ પડે એટલે અચ્છાઅચ્છા ધ્રુજવા માંડે. એમની સરકારી ખખડધજ જીપનો ધડધડાટ ગામની ભાગોળે થાય અને આખું ગામ આઘુંપાછું થઇ જાય..ફળિયામાં પગ મૂકે અને ફળિયામાં સન્નાટો વ્યાપી જાય..અને જેવા ઘરમાં પ્રવેશ કરે અને આખું ઘર શાંત થઇ જાય. બધા પોતપોતાના કામે વળગી જાય...જોકે ઘરમાં ક્યારેય એમણે કોઈ પણની સાથે  ઊંચા અવાજે વાત નથી કરી કે નાતો કોઈને પણ શિક્ષા કરી છે...પણ તોયે એમની આંખ ફરે ને બધું જ અને બધાં જ  સાબદાં થઇ જાય....પણ આખા ઘરમાં જો કોઈ માથાફરેલું હોય તો તે શ્રેયા છે...એને ક્યારેય પપ્પાજી નો ડર લાગ્યો નથી....ઉલટા પપ્પાજી
એની પાસે એકદમ નરમ થઇ જતા...શ્રેયા બહુ જ  ડાહી છે...બહુ વહાલી છે બહુ લાડકી છે ઘરના બધાંની અને ખાસ કરીને પપ્પાજીની.પપ્પાજી નું કોઈને કાંઇ પણ કામ હોય તો તેણે શ્રેયાને માધ્યમ બનાવવી પડે..અને એટલે તો  શ્રેયા બધાંની ખુબ લાડકી બની ગઈ છે.
ક્યારેક કોઈ ગુંચ હોય કે સમસ્યા ...દરેક નો હલ ..દરેક વસ્તુનું સમાધાન આ ઠાવકી છોકરી પાસેથી મળે. ક્યારેક તો  પપ્પા-મમ્મી પણ એની સલાહને અનુસરે. ખુબ તોફાની અને એટલી ચબરાક પણ.. ચોવીસ વર્ષની ઉંમરે પણ ગજબનું ડહાપણ હતું. જેવી ધારદાર બુદ્ધિપ્રતિભા એવું ચમકદાર એનું વ્યક્તિત્વ છે. અત્યંત તેજસ્વી અને આકર્ષક ચહેરો, ધારદાર નાક-નકશી સહેજ શ્યામલી અને ખળખળ વહેતા ઝરણા જેવી નિર્દોષ .....આખો દિવસ બસ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી આ છોકરીની બધાં ચિંતા કરે... મમ્મી તો કાયમ  એમ જ કહે કે " આ મુઈને કોણ સંઘરશે.....પારકા ઘેર જઈને શું કરશે આ ?" ત્યારે પપ્પાજીનો એક જ જવાબ હોય..."તું હવે અમથી ચિંતા કરવાનું છોડ અને જોજે તો ખરી આ છોકરી તારું અને મારું નામ ઉજાળશે... "
આમતો મા-દીકરી વચ્ચે હેતનો અને મિત્રતાનો સંબંધ હતો..વ્યવહારેય  એકદમ નિકટની સખીઓ જેવો...કંઈપણ સમસ્યા-મૂંઝવણ કે વ્યવહારિક બાબત હોય તો એ બંને વચ્ચે નિખાલસ ચર્ચા થાય..શ્રેયાના જીવનની તમામ ગતિવિધીઓથી મમ્મી વાકેફ હોય..પણ તોય ચિંતા તો   રહેજને..? માનો જીવ છે, કાયમ એમનો જીવ ઉંચો જ રહે શ્રેયાની બાબતમાં..
      ******                          ******                            ******
 શ્રેયા કંઈક બદલાયેલી લાગે છે  .. એનું વર્તન-વ્યવહાર બદલાયા છે.. હવે થોડીક ગંભીર થઇ છે ...બોલવાનું ઓછું થયું છે.... બધાંની વચ્ચે ઓછી અને એકલી વધારે રહેવા લાગી છે... ઊંડા વિચારોમાં ખોવાયેલી રહે છે..ક્યારેક ક્યારેક એકલી એકલી હસે  છે ...શરમાય છે... અને ક્યારેક વળી ઉદાસ થઇ જાય છે. એનું આવું બદલાયેલું વર્તન મમ્મીના ધ્યાનમાં આવ્યું હતું પણ એ તરફ  એમણે બહુ લક્ષ્ય નહિ આપેલું.... ચોવીસ વરસની આ છોકરી નાના બાળકની જેમ આજે પણ મમ્મી-પપ્પાના રૂમમાં એમની વચ્ચે જ કાયમ સૂઈ જતી...
તે દિવસ રાત્રે ગજબની ઘટના બની ગઈ.. પપ્પા બહારગામ હતા અને તે રાત્રે મમ્મી અને શ્રેયા એકલા સુતા હતા..ઘરના બધાં પોતપોતાના માળામાં ભરાઈ ગયા હતાં..શ્રેયા પણ ઘસઘસાટ ઊંઘતી હતી..પણ કોણ જાણે કેમ મમ્મીને ઊંઘ નહોતી આવતી. શ્રેયાના વિચારોમાં ક્યાંક અટવાઈ પડ્યાં હતાં.
શું હશે..? કોકની સાથે કૈક હશેતો નહીને..?કઇંક કુંડાળામાંતો પગ નહીં પડ્યો હોય ને આ મુઈનો કોણ હશે..? પાછા પોતાની જાતેને જાતે પોતાને આશ્વાસન પણ આપતા કે જો એવું કશુયે હોય તો મારી દીકરી મને કહ્યા વગર રહે જ નહિ. મારાથી વળી કયે દા'ડે આ છોડીએ કશુય છાનું રાખ્યું છે અને આમેય આ ઘરમાંય કોઈએય ક્યાં કોઈ વાતે પડદો રાખ્યો છે ? આમ જ વિચારોની ઘટમાળમાં ગૂંચવાઈ ગયા હતા. જુવાનજોધ છોકરી જ્યારે બોલવાનું ઓછું કરે ત્યારે એના મનમાં કશુંક હોય.  આ સત્ય એ જાણતાં હતાં. છ સંતાનો અને તેમાય ચાર છોકરીઓની માં, એને તો છોકરું સહેજ પડખું ફરે તોય અણસાર આવી જાય. શ્રેયાના વર્તનમાં આવેલા ફેરફારો એમને કનડતા હતા, બેચેન બની ગયા હતા અને વળી તે દિવસે બન્યું પણ એવુંજ ને ...!!  શ્રેયા આખી રાત પથારીમાં આડીઅવળી થયા કરતી હતી. કોણજાણે કેમ ઊંઘમાં પણ એને  જાણે બેચેની સતાવતી હતી. આમતો એ ઘસઘસાટ ઊંઘતી હતી...મમ્મી ઉઠીને એની પાસે ગયાં. શ્રેયાની સામે જોઇને બેસી રહ્યા. માથે હાથ ફેરવ્યો..શ્વાસની ગતિ એકદમ તેજ હતી...  એકદમ ચિંતાતુર થઇ ગયા.. પ્રાર્થના કરવા માંડ્યા " હે ભગવાન શું થયું મારી આ છોડીને...? " ઉભા થઈને લાઈટ કરી, અજવાળામાં શ્રેયાના ચહેરા પરની તંગ રેખાઓ અને કશાક   ગણગણાટથી મમ્મી ગભરાયા ....શું થયું હશે આ છોકરીને...?
થોડીવાર શાંત થઇ ગઈ અને પછી પાછી કશુંક ગણગણવા માંડી.. ચોખ્ખું કશું સંભળાતું ન હતું પણ હા...કોઈકનું નામ બોલતી હતી......અને પાછી અંગ્રેજીમાં બબડાટ કરવા માંડી...અને...એક ચીસ પાડતાંની સાથેજ પથારીમાં બેઠી થઇ ગઈ.. સાવ બા'વરી બની ગઈ,આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું...આંખો ફાડીને જોઈ રહી...પણ એને કાંઈ ખબર પડતી ન હતી કે શું બની ગયું...
 મમ્મીએ પૂછ્યું: " શું થયું બેટા ?"
"કશું નહિ" એકાક્ષરી જવાબ આપીને પાછી સુઈ ગઈ...
ક્યાંય સુધી મમ્મી એના માથે અને શરીર પર હાથ ફેરવતા રહ્યા...શરીર પરથી પરસેવો લુછી કાઢ્યો...ઉભા થઈને પાણી લઈ આવ્યા અને એને બેઠી કરીને પાણી પિવડાવ્યું., બસ શ્રેયા શાંત થઇ ગઈ..પણ એમની ઊંઘ ઉડી ગઈ..અશાંત મન હવે વિચારોના વમળમાં અટવાયું. " હવે તો વહેલામાં વહેલી તકે આ છોકરીનું .....પણ એનો બાપ ક્યાં માને છે..એમને તો હજુ નાની કીકલીજ  લાગે છે.....જ્યારે કહીએ ત્યારે કહેશે કેમ તને આટલી બધી ઉતાવળ આવી છે મારી આ દીકરીને પૈણાવવાની...!!!!
વિચારોથી મન અને આંસુથી આંખો છલોછલ હતાં... ઉભરાતા હતાં.
સવારેતો સૌ પોતપોતાના કામે વળગી ગયાં. આખું ઘર દોડધામમાં હતું... શ્રેયા હજુ સુતી હતી..મમ્મીએ પણ એને જોકે સુવા દીધી અને રૂમને બહારથી આંકડી મારી દીધી. વિચારતા હતા કે "આખી રાતના અજંપા પછી બચારી ઊંઘી છે તો છો ને ઊંઘતી." મોડી મોડી શ્રેયા જાગી...અંદરથી બારણું ખખડાવ્યું....મમ્મીએ બારણું ખોલ્યું અને એને બાથમાં લઈ લીધી...માથે બરડે હાથ ફેરવતા રહ્યા. આંખો ભરાઈ આવી. એક બાજુ ગુસ્સો છે અને બીજી બાજુ મમતા છે...વહાલ છે.
મમ્મીના આવા વર્તાવથી એને અકળામણ થતી હતી પરંતુ મમ્મીના લાગણીશીલ અને અધિરીયા સ્વભાવની પણ તો એને ખબર છે જ ને ! આજનું તેમનું વર્તન કૈક આશ્ચર્ય જન્માવે તેવું હતું...એને મમ્મીના ચહેરા પર ભયની રેખાઓ દેખાઈ  પણ એતો અમસ્તું કંઈક થયું હશે એમ માની એ નિત્યકર્મમાં પલોટાઈ. થોડીવાર પછી  છાપું લઈને હિંચકે આવીને બેઠી..... મમ્મી પણ એની બાજુમાં બેસી ગયા..શ્રેયાએ એ તરફ બહુ લક્ષ્ય ના આપ્યું ... એમણે બોલાવી.." શ્રેયા...!!"
"હંઅઅ"
" રાતે શું થયું હતું તને ..?" શ્રેયાએ છાપું એકબાજુ મૂકી દીધું"
" ક્યારે...?"
" તને ખબર છે રાતે તું ઝબકી ગઈ હતી..?"
" ના... તેં મને પાણી આપ્યું હતું એટલી ખબર છે."
" હા..મેં તને પાણી પિવડાવેલું....શું થયું હતું તને..સપનું આયેલું?"
" ખબર નથી.."
" સાચુ કે'છે ?"
" હા.. મમ્મી"
"કોનું નામ બોલતી'તી..?"
" નામ..?"
" હા, નામ.."
" મને કશી ખબર નથી...મને કશું યાદ નથી..."
" સાચું..?" 
" હા...મા...?" ક્યારેક લાડમાં તે મમ્મીને મા કહેતી..
" એકદમ તેં ચીસ પાડેલી અને કો'કનું નામ બોલી અને પાછી ઇંગ્લીશમાં કશું બોલતી'તી."      "મને કશું યાદ નથી મા" શ્રેયાએ વાત બદલવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને ઉભી થઈને જવા માંડી એટલે મમ્મી એ એને રોકી લીધી અને ગુસ્સે થઈને કહ્યું : " બેસ અહીં...ક્યાંય જવાનું નથી.." આજે પહેલી વાર શ્રેયા ડરી ગઈ અને બેસી ગઈ. થોડીવાર કોઈ કશું બોલ્યું નહિ.. શ્રેયાએ ગુસ્સામાં જોરથી હીંચકો ઝૂલાવવા માંડ્યો...અને મમ્મીએ ફરીથી ગુસ્સે થઇ ને કહ્યું.: "રોક હીંચકો, બોલ કહે મને કે કોણ છે એ...??"
".........."
થોડીવાર બિલકુલ શાંતિ રહી પણ બંનેના મગજમાં ધમાસાણ ચાલતું હતું.. શ્રેયા કોઇપણ રીતે એ વાત પર પડદો પડેલો રહે એમ ઈચ્છતી હતી અને મમ્મી કોઇપણ રીતે એ વાતનો ઘટસ્ફોટ થાય એમ ઈચ્છતા હતાં.
"શ્રેયા મને કહે બેટા એ કોણ છે.."સહેજ નરમ થઇ ગયા.
અત્યાર સુધી શ્રેયાની કોઈ પણ વાતથી તે અજાણ ન હતા અને આજે પહેલીવાર શ્રેયાએ કશુંક છુપાવવાનો પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં બનેલી આવી જ ઘટનાઓ વિષે એણે સામેથી મમ્મીને કહેલું.. એના જીવનમાં આવેલા અનેક પ્રલોભનો એણે ઠુકરાવી દીધેલા અને મમ્મી એ બધાથી વાકેફ હતા અને આજે આ છોકરીએ કશુંક છુપાવ્યું એ વાત જ આમતો એમના માટે વજ્રાઘાત સમાન હતી...!!!  કોઇ પણ રીતે એ વાત તેઓ જાણવા માંગતા હતા.
" હું આજે આખી રાત ઊંઘી નથી શકી બેટા ...બહુ ચિંતા થાય છે મને." અવાજ સહેજ ગળગળો થઇ ગયો. " એવું કશું ના કરીશ બેટા કે  અમારે નીચાજોણું થાય.."
".............."
" કોણ છે એ તો  કહે..."
" મારા સાહેબ છે..."
" શું નામ છે ...?
" યશસ્વી ....હું...હું એને બહુ પ્રેમ કરું છું.."
"............." શું બોલવું એજ ના સમજાયું.. મૌન રહ્યા ...બસ એ દિવસ તો  આનાથી વધારે કશી  વાત ના થઇ...પપ્પા પણ એ દિવસે સાંજેજ બહારગામથી આવ્યા.... રાત્રે મોડા મમ્મીએ બધી વાત એમને કરી..
પંદરેક દિવસ એમ જ સામાન્ય રીતે કોઈ પણ ઘટનાઓ ઘટ્યા વગર પસાર થઇ ગયા. આ દિવસોમાં બધાજ  જાણે શ્રેયાથી અળગા થઇ ગયા.... એક દિવસ અચાનક પપ્પાએ રાત્રે શ્રેયાને બોલાવી અને પાસે બેસાડી..બાથમાં લઈને કપાળે ચૂમી લીધી...એના ચહેરાને તેમની હથેળીઓમાં લઈ તેની આંખમાં આંખ પરોવવાનો પ્રયત્ન કર્યો....પણ શ્રેયાએ આંખો ભીંસી દીધી...
" મારી સામે જો "
શ્રેયાએ આંખ ના ખોલી...પણ અંદરથી ટપ ટપ કરતા આંસુ ધસી આવ્યા...
" બેટા ..."
" હંમ"
" આવતી અગિયાર તારીખે તારું લગન છે.."
"..........."
મૌન થઇ ગઈ એ છોકરી ...આજે પહેલીવાર એણે પપ્પાની સામે એક હરફ ના ઉચ્ચાર્યો...આજે પહેલીવાર એને પપ્પાની બીક લાગી. આંખો છલકાઈ ગઈ... ઘરના બધાં લગ્નની તૈયારીમાં પડી ગયાં..બધા ને ખુબ ઉત્સાહ હતો....નિરુત્સાહ હતી ફક્ત શ્રેયા.... બધા જેમ કહે તેમ કર્યા કરે.. જીવનનો ઉમંગ અદ્રશ્ય થઇ ગયો..
ફોજદાર સાહેબની શાખ પ્રમાણે ધામધૂમથી લગ્ન થયાં...શ્રેયાએ છોકરા તરફ નજર સુદ્ધાં કરી નહિ.. શ્રેયા વિદાય થઇ ગઈ..અને ઘરમાંથી કિલકિલાટ અદ્રશ્ય થઇ ગયો..ઓરડા સાવ સૂના થઇ ગયાં, બધા જ દુઃખી હતાં...મમ્મીની આંખો સુકાવાનું નામ જ  લેતી નથી..
જોકે સૌથી વધારે દુઃખી છે ફોજદાર સાહેબ..વિદાયવેળાએ શ્રેયા પપ્પાને વળગીને ખૂબ રડેલી...અને ત્યારે પહેલીવાર આ પોલીસ અમલદારને ઢીલા પડેલા લોકોએ જોયેલા.
આખી રાત આંટા માર્યા કર્યા..જ્યાં જ્યાં શ્રેયા સાથે મસ્તી કરતા એ જગ્યાએ જઈ જઈને ઉભા રહે અને મનોમન જાણે શ્રેયાની હાજરીને અનુભવવાનો પ્રયત્ન કરતા હતા.
સવારે મમ્મી એમની પાસે આવ્યા ..."ઊંઘ્યા નહિ આખી રાત...?"
" ના "
મમ્મીના હાથ તેમના હાથમાં લઈ લીધા અને આંખો છલકાઈ ગઈ.." આપણે આવું કેમ કર્યું..."?
" શું...??"
" છોકરીને એની મરજી એ પૂછી નહિ.. સાવ નિષ્ઠુર થઇ ગયા હતા આપણે...એને વિદાય કરી દીધી ફક્ત આપણી જીદ પૂરી કરવા..???"
મમ્મીનો હાથ પકડીને જ્યાં શ્રેયાએ કંકુના થાપા માર્યા હતા ત્યાં લઈ ગયા અને એના પર હાથ ફેરવવા માંડ્યા....હાથ ફેરવતાજ રહ્યા..અને આંખો છલકાઈ ગઈ...જીભ થોથવાઈ ગઈ...અને એક મોટું ડૂસકું નીકળી ગયું..." જો.. જો...મારી આ ઢીંગલીના નાના-નાના હાથની નિશાનીઓ...જો મારા હાથમાં મારી ઢીંગલીના હાથ છે .."
મમ્મીને બીક લાગી શું થઇ ગયું આમને...? આજે પહેલીવાર પપ્પાએ બધાની  હાજરીમાં મમ્મીના ખભે માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને એ સાથે જ  વીસ બાવીસ માણસોની આંખોનાં બંધ પણ તૂટી ગયા...
ઢીંગલીના કંકુથાપા જ યાદ બનીને રહી ગયા....


                *********                                       *********              

Wednesday, June 1, 2016

આઈ’મ હીઝ ફાધર...!

મીસીસ બાવીસી દાદર પરથી નીચે આવ્યાં. બે-ત્રણ પ્રોફેસર પણ તેમની પાછળ ઉતર્યા અને પટાવાળો મનસુખ મૅડમની બ્રીફકેસ લઈને આગળ ગાડી પાસે પહોંચી ગયો હતો. ગાડી પોર્ચ પાસે આવીને ઉભી હતી.. ડ્રાયવર ગાડી પાસે જ મૅડમની રાહ જોઇને ઉભો હતો..
ડૉક્ટર મિસીસ શશિકલા બાવીસી હજુ છ મહિના પહેલાં આ કૉલેજમાં ટ્રાન્સ્ફર થઈને આવ્યાં છે.અંગ્રેજી લિટરેચરમાં તેમણે પી.એચ.ડી કર્યું છે.. ધારદાર બુદ્ધિપ્રતિભા, સ્પષ્ટવક્તા અને શિસ્તનાં આગ્રહી, કામ કરવાનો જબ્બર જુસ્સો અને સબોરડીનેટ્સ પાસેથી કામ કરાવવાની તેમની આવડત અને ત્રેવડ બંને ગજબ.. પ્રભાવ એવો કે કૉલેજનાં રાઉન્ડમાં નીકળે એટલે આખું કૅમ્પસ ખાલી થઇ જાય.. અધ્યાપક કે વિદ્યાર્થીઓ કોઈ આડુંઅવળું ફરતું ના દેખાય.. આ હતું એમના વ્યક્તિત્વનું એક પાસું. એમનાં વ્યક્તિત્વનું બીજું પાસું પણ એવું જ મજબૂત... બિલકુલ ઓછું બોલવું, ધીમા અવાજે બોલવું, અવાજની ટોનલ ક્વોલીટી સહેજ હસ્કી પણ બેમિસાલ અને અત્યંત પ્રભાવક, ખુબ શાંત, સૌમ્ય, જાજરમાન અને કેરેષ્મેટિક વ્યક્તિત્વ, મધ્યમસરનો બાંધો..પ્રમાણસરની હાઈટ, ઊજળો વાન અને કોઈની પણ દ્રષ્ટી એમના ચહેરા પરથી હટવાનું નામ ના લે એવા ફીચર્સ. મિસીસ શશિકલાની ડ્રેસસેન્સ પણ કાબીલેદાદ છે.. હમેશા તેઓ ડ્રાય કરેલી સિલ્કની સાડી અથવા કલકત્તી કોટન કે પછી અવરગંડી પ્રકારની સાડી પહેરતાં, ભાગ્યેજ તેઓ સિન્થેટિક કપડાં પહેરતાં અને સાડી-બ્લાઉઝનું પરફેક્ટ કે કૉન્ટ્રાસ્ટ મૅચિંગ હોય..ખુબ ઓછી જૂલરી પહેરતાં. પરફેક્ટલી ટ્રીમ કરેલા બોબ્ડસ્ટાઈલનાં સ્ટેપ્સમાં કપાયેલા અને લાઈટ કર્લ કરેલા વાળ...કપાળમાં એક નાની બિંદી અને સહેજ પિન્કીશ ટોનનાં રીમલેસ ગ્લાસીસ પહેરતાં... હા તેઓ ચોક્કસ તેમના દેખાવ અને વ્યક્તિત્વ બાબતમાં ખુબ સભાન છે.
શહેરનાં પશ્ચિમ કિનારે આવેલી આ કૉલેજ, અંગ્રેજ શાસન વેળા કોઈક અંગ્રેજ અમલદારે શરુ કરાવેલી અને આખા રાજ્યમાં તેની ખુબ પ્રતિષ્ઠા હતી.. શહેરમાં એ વેળા જે બે-ત્રણ કૉલેજો હતી એમાંની આ શ્રેષ્ઠ કૉલેજ હતી.. ખુબ વિશાળ કેમ્પસમાં પથરાયેલી હતી અને તેની બાંધણી પણ અંગ્રેજી કોઠી પ્રકારની હતી..
મિસીસ બાવીસીનું જાજરમાન અને ઠસ્સાદાર વ્યક્તિત્વ અને ભવ્ય એવી આ પ્રાચીન ઢબની બાંધણીવાળી ઇમારત જોઇને કોઈ એવું ચોક્કસ અનુમાન કરેજ કે તેઓ પણ કોઈ રાજઘરાણાની સ્ત્રી હશે....
કૉલેજમાં આજે અગત્યની મીટિંગ હતી એટલે તેઓ મોડા સુધી રોકાયેલા.. મીટિંગ પૂરી થઇ.. ઘણાબધાં નીકળી ગયાં અને થોડાં લોકો રોકાયેલા, જેઓ હવે મૅડમ સાથે નીકળ્યા.. આમાનાં કેટલાક પ્રોફેસરને તેમના માટે આદર હતો તો કેટલાક તેમની અદબ જાળવવા રોકાયેલા તો કેટલાક વળી મૅડમની કૃપાદ્રષ્ટિ પામવાની ખેવનાવાળા પણ હતા. મૅડમ આગળ ચાલતાં હતાં અને બાકીના બધા એમની પાછળ ચાલતા હતા.
છેલ્લા એકાદ બે વર્ષમાં કૉલેજનું વાતાવરણ ઘણું બગડી ગયું હતું.. કૉલેજને તેની આગવી પ્રતિષ્ઠાને અનુરૂપ ચલાવવામાં અગાઉના આચાર્ય નિષ્ફળ ગયા અને તેથીજ મિસીસ બાવીસીને તાત્કાલિક અસરથી રાતોરાત બદલીને અહીં લાવવામાં આવેલાં.. ગવર્ન્મેન્ટ કૉલેજ હોવાથી એમાં ટ્રાન્સ્ફર થાય એ તો સ્વાભાવિક ગણાય અને એ જ રાહે એમની ટ્રાન્સ્ફર થઇ અને તેઓ અહીં આવી ગયાં.. હા... કૉલેજને એનાં મૂળ રેપ્યુટેશનમાં લાવતા એમને છ એક મહિના જેટલો સમય લાગ્યો પરંતુ બધાંજ દૂષણ અને તમામ અસામાજિકોનો સફાયો થઇ ગયો.. હવે આજે કૉલેજની એજ પૂર્વપ્રતિષ્ઠા પાછી આવી ગઈ..
રોજ સાંજે મોડે સુધી તેઓ કૉલેજમાં રોકાતાં અને વળી આમ પણ એમનો પરિવાર અહીં નથી. કૉલેજ તરફથી એમને સુંદર ક્વાર્ટર રહેવા માટે આપવામાં આવ્યું છે.. એમણે એમનાં આગવા અંદાજમાં અને એમનાં ટેસ્ટ અને જરૂરિયાત પ્રમાણે ક્વાર્ટરને સજાવ્યું છે.. રોજ રાત્રે વોકિંગ માટે નીકળે અને બે-ત્રણ માઈલ જેટલું ચાલીને પાછા આવે..મોડીરાત સુધી વાંચતાં હોય અને એમ કરતાં ક્યારે ઉંઘ આવી જાય એની ખબર જ ના રહે..
લગભગ સાંજ પડવા આવી છે...દિવસ આથમી ચૂક્યો છે, મેડમ  ઑફિસમાંથી નીકળીને તેમની સરકારી ગાડી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.. હમેશા છૂટવાના સમયે ડ્રાયવર ગાડીને પાર્કિંગ લોટમાંથી પોર્ચમાં લાવીને ઉભી કરી દે..અને પછી મૅડમ ઑફિસમાંથી આવીને સીધા ગાડીમાં બેસી જાય. આજે પણ એમ બન્યું.. દૂરથી ડ્રાયવરે મૅડમને આવતાં જોયા એટલે તે દરવાજો ખોલીને ઉભો રહી ગયો..મૅડમ કારમાં બેઠાં અને દરવાજો બંધ કરતાં કરતાં કહ્યું : “ ઓ.કે. જેન્ટલમેન, ગુડનાઇટ એન્ડ ટેક કેર.. વી શેલ મીટ ટુ મોરો ધેન....!!”
“યસ મે’મ..ગુડ નાઇટ” એક સાથે ત્રણ-ચાર જણાનો અવાજ આવ્યો...
કારનો દરવાજો બંધ થયો..અને કાર ધીરે ધીરે ચાલવા માંડી..અને એ સાથે એમણે ડ્રાયવરને કાર રોકવાની સૂચના આપી.. કાર અચાનક રોકાતા તરત એમને મૂકવા આવેલા બે-ત્રણ અધ્યાપક દોડતા કાર પાસે આવી પહોંચ્યા..
મેડમની નજર એમના બિલ્ડીંગથી દૂર પ્લે-ગ્રાઉન્ડ પાસે એક ઝાડ નીચે બેઠેલા યંગ કપલ, તરફ ગઈ અને એટલેજ એમણે ગાડી રોકાવી.
“અરે આટલી મોડી સાંજે આ લોકો કૉલેજ કેમ્પસમાં શું કરે છે..?” ક્યાં છે સિક્યુરિટી ગાર્ડ..? જલદી લઈ આવો એ બંને જણને અહીં..” એટલું બોલતાં બોલતાં તેઓ કારમાંથી બહાર આવી ગયા..એકદમ ધૂઆંપૂઆં થઇ ગયા..અધ્યાપકો પણ વિચારવા લાગ્યા કે મૅડમ આવું કેમ કરે છે..? કૉલેજ કેમ્પસમાં તો આ બધું બનતું જ હોય.. સિક્યુરિટી નો જવાન એ બન્નેને ત્યાં લઈ આવ્યો.. આમતો એ લોકો ખાસ્સા દૂર બેઠા હતા એટલે આવતા થોડી વાર પણ લાગી ..પણ તેમ છતાં ત્યાં સુધી મૅડમ બિલકુલ મૌન ઉભા રહ્યાં હતા અને જાણે કોઈક વિચારોમાં ખોવાઈ ગયાં..
“ મૅડમ આ લોકો આવી ગયા..”
“હં..હા...હા..શું કરો છો અહીં આટલા મોડા ..આટલી સાંજે..?” ગુસ્સામાં એકદમ લાલચોળ થઇ ગયેલાં.
“કઈંજ નહિ અમે તો બેઠા હતા મૅડમ !“
એક પ્રોફેસરને એમણે કશીક સૂચના આપી અને પાછા કારમાં બેસીને રવાના થયાં.. ડ્રાયવરને ઘડીએ ઘડીએ ઝડપથી ચલાવવાની સુચના આપ્યા કરતાં હતાં. અચાનક એમનું વર્તન સાવજ બદલાઈ ગયું. રેસ્ટલેસ થઇ ગયાં એકદમ.. ડ્રાયવર પણ એટલું તો સમજી જ શક્યો કે પેલા બે જણાને જોયાં પછી મૅડમનું વર્તન બદલાઈ ગયું હતું.. અપસેટ થઇ ગયા હતાં એકદમ અને કશાક ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા હતાં અને એટલે તો એમને ઘર આવ્યું તો પણ ખબર જ ના રહી..એમના મનનો કબજો કોઈક અતીતની ઘટનાએ જાણે લઈ લીધો હતો...!!
મિસીસ બાવીસી શાંત પ્રકૃતિનાં પ્રૌઢા અને પ્રગલ્ભ વ્યક્તિત્વ... કોણ જાણે કેમ આટલાં બધાં વિવશ થઇ ગયાં..!!
ઘરે જઈને ક્યાંય સુધી બહાર વરંડામાં આરામ ખુરશીમાં બેસી રહ્યાં..અને એમજ ક્યારે આંખ મળી ગઈ એની ખબર ના રહી..અને બસ જાગૃત અવસ્થામાં ચાલતા વિચારો અત્યારે અજાગૃતીમાં પણ એક ગમતીલો અહેસાસ બનીને જાણે ઉમટી આવ્યો.. આંખનાં ખૂણા ક્યારેક ભીનાશ અનુભવતાં, એક અવાજ પોકારતો હતો...બે હાથ પહોળા થઈને જાણે એમનાં તરફ આવી રહ્યાં હતાં..એક ખૂબ અનુભવેલા અહેસાસનું પુનરાવર્તન થતું લાગ્યું.. એજ અનુભૂતિ... હૃદયનાં એજ આવેગ.. રૂવાંડાનું ઉભા થઇ જવું.... એક ખોળામાં એમનું માથું અને કપાળ પરના વાળમાં પરોવાયેલી આંગળીઓનો હલકો સ્પર્શ અને ધીમે ધીમે બે હથેળીઓ વચ્ચે પકડાયેલો ચહેરો અને એનાં પર ચુંબનનો વરસાદ...અને એનાથી થતી ગૂંગળામણથી ચહેરો છોડાવવા થતી મથામણ અને છટપટાહટ અને એ સાથે મોમાંથી નીકળી આવેલી ચીસ...
“ છો..છો..છોડ વિદિશ મને પ્લીઝ...! શું કરે છે આ ? જો..જો..આ મારો આખો ચહેરો..કેવો..? આરામખુરશીમાં છટપટાવા માંડ્યાં મિસીસ શશિકલા બાવીસી..!!!
એ સાથે ઝબકીને જાગી ગયાં..અને એક ક્ષણ એમને ખ્યાલ જ ના આવ્યો કે એ ક્યાં છે..?? ચારેબાજુ નજર ફેરવી લીધી કે કોઈ જોતું તો નથીને...! પણ એટલું સારું હતું કે ત્યાં કોઈ હતું નહીં.
પચાસ-બાવન વર્ષની આ સ્ત્રીમાં જાણે કોઈક નવયૌવનાનો પ્રવેશ થઈ ગયો હતો.. અત્યારેજ જાણે આ ઘટના બની હોય એવું ફિલ કરવાં લાગ્યાં.. તોડીવાર એમજ બેસી રહ્યા અને પછી ધીરેથી ઉભા થયાં, વોશબેઝીન પાસે જઈ અને સામેના મિરરમાં ચહેરો જોયો.. ચાંલ્લો કપાળમાં એની મૂળ જગ્યાએથી સહેજ ખસી ગયો હતો.. એ તો જોકે એમની જ હથેળીમાં એમણે એમનો ચહેરો પકડ્યો ત્યારે એમ થયેલું..!
અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જ ૩૦-૩૨ વર્ષની મુગ્ધ યુવાન શશિકલાનો ચહેરો મિરરમાં દેખાયો અને એના શરીરને વીંટળાયેલા બે હાથ..
“રહેવા દેને વિદિશ તું મને બહુ પજવે છે..પ્લીઝ છોડ મને “
“ શશી.. તારી પાસેથી દૂર જવાનું મન જ નથી થતું....તારા બદનની મહેક મને દૂર જવા જ નથી દેતી..”
અચાનક શશિકલા તંદ્રાવસ્થામાંથી જાગૃતિમાં આવ્યા..!!
“ ઓહ માય ગોડ..! આ શું થાય છે મને હેં..? હું તો કાંઈ નાની કીકલી છું..? કેમ આવું થયું અચાનક..? આટલાં બધાં વર્ષો પછી એ કેમ આમ સામે આવ્યો..? એક નિસાસો નીકળી ગયો અને ઉંડો શ્વાસ લીધો અને સ્વગત બોલવા માંડ્યા..."હા..! એ મારા જીવનનો એક બહુ ગમતો હિસ્સો છે, હતો... હા..હા...હતો..કેમ.??? હા..છે જ વળી!
આજે જે રીતે એ ભૂતકાળનો ભોરિંગ, સમયનો રાફડો ફાડીને બહાર ધસી આવ્યો એનો અર્થ જ એ ને કે, એ હજુ પણ મનમાં એનું અસ્તિત્વ જાળવીને બેઠો છે.. કોઈ પણ કારણ વગર આંતરમનના એ ખંડનાં ચુસ્ત ભીંસાયેલા કમાડનું ઓચિંતું ખૂલી જવું, એની પાછળ કોઈ કારણ હશે..?? એની સાથે થયેલા મેળાપની ઘટના અને એનાથી વિખૂટાં પડી જવાની દુર્ઘટના એ અમારી નીયતીજ ને વળી..? નહીં તો ક્યાં કશુંય અયોગ્ય હતું એ સંબંધમાં.?? જાતજાતનાં વિચારો અને કેટકેટલાં પ્રશ્નો એકસામટા ઉમટી આવ્યા...!!
પણ એ સમજાતું ન હતું કે આટલાં બધાં વર્ષો પછી એવું તે શું થયું કે ભુતકાળે વર્તમાનનો કબજો લઈ લીધો..??? તેઓ કેટલાં બધાં વર્ષોથી કૉલેજમાં અધ્યાપન અને પ્રિન્સિપાલની જવાબદારી નિભાવી રહ્યા છે.. કૉલેજ કેમ્પસમાં છોકરા-છોકરીઓને આમ એકાંતમાં સાથે બેઠેલા અને પોતાની મસ્તીમાં મસ્ત હોય એવાં તો અનેક પ્રસંગો એમણે જોયાં છે અને આજે સાંજે કૉલેજ કેમ્પસમાં બે જણને સાથે બેઠેલાં જોવા મળ્યાં એમાં ક્યાં કશું નવું કે અજુગતું હતું....? તો પછી આજે કેમ એ ઘટના મિસીસ શશિકલાનાં મનોમસ્તિષ્ક પર સવાર થઇ ગઈ..!!
આ બધા પ્રશ્નોમાંથી માંડ માંડ છૂટકારો મળ્યો... બાથરૂમમાં જઈને હોટ વોટરમાં કોલન એડ કરીને શાવર લીધો.. આખો રૂમ કોલનની ખુશ્બુથી ભરાઈ ગયો..અને એમને પણ શરીરમાં સ્ફૂર્તિ આવી..તાજગી મહેસુસ થવા લાગી.જમ્યા અને નિત્યક્રમ મુજબ વાંચવા બેસતા હતા ને જ ફોન ની રીંગ વાગી..
“હેલ્લો..!”
“હેલો શશી..કેમ છે તું ?
“મજામાં..તમે કેમ છો માનવ..?”
“આર યુ શ્યોર... તું મજામાં છે..?કેમ અવાજ ઢીલો છે ? કાંઈ થયું છે ..? તબિયત તો ઠીક છે ને ? કૉલેજમાં કાંઈ પ્રૉબ્લેમ તો નથીને ?”
“ના માનવ એવું કશું નથી.. તમે સવાલો બહુ જ પૂછો છો..તમે ચિંતા નહિ કરો.....માનવ, પ્લીઝ ..ડોન્ટ વરી..”
“ઓ.કે... ધેટ્સ વેરી ગૂડ..શશી સાંભળ...! જો હું કાલે સાંજે ત્યાં આવુ છું, મારે થોડું કામ છે એટલે એકાદ દિવસ રોકાઈને પાછો આવી જઈશ ....”
“છોકરાઓ...?”
“એ લોકો અહિં રહેશે...જો સિદ્ધાંતને આવવું હશે તો લઈ આવીશ.. હું પૂછી જોઇશ”
‘સારું થયું તમે આવો છો, આમ પણ આઈ નીડ યુ હિયર ધીસ ટાઈમ...” બોલતા તો આમ બોલાઈ ગયું પણ એ શબ્દોનો ખટકો તો જરૂર લાગ્યો..
અહીં ટ્રાન્સ્ફર થઇ એટલે એમને એકલાં રહેવું પડતું હતું...એમનો પરિવાર અમદાવાદમાં સેટલ્ડ છે...એમના હસબન્ડ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે.. નાનો દીકરો સિધ્ધાંત તેમની સાથે બિઝનેસમાં છે.. મોટી દીકરી સ્વર્ણિમ મેડીસીનમાં પોસ્ટ ગ્રેડ્યુએશન કરે છે અને હોસ્ટેલમાં રહે છે..આમ આખો પરિવાર વેરણછેરણ હતો..
ક્યાંય સુધી ફોન પાસે બેસી રહ્યાં, આજે કશું સુજતું નથી...સૂનમૂન બેઠાં હતાં અને બસ વિચારોની ઘટમાળ ચાલ્યા કરી..બહુવારે એમાંથી બહાર આવ્યાં અને રૂમમાં આંટો મારીને પાછા આવીને બેડ પર બેસી ગયાં..અને વિચારવા લાગ્યા કે આજે શું થઇ ગયું છે મને...? વિદીશ સાથેનો સંબંધ અનાયાસ કેમ માનસપટ પર તરી આવ્યો અને આટલા વર્ષે તાજો થયો....?? આજે જે ઘટનાઓ મનમાં ઉપસી આવી એ બધીજ ઘટનાઓ જાણે હમણાં બની હોય એમ લાગતું હતું.. વિચારોમાં ને વિચારોમાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર ના રહી. મોડી રાત્રે જ્યારે ઝબકીને જાગ્યાં ત્યારે રૂમની લાઈટ ચાલુ હતી.. ઊઠ્યા,બાથરૂમ જઈ આવ્યાં અને પાણી પીને પાછા આડા પડ્યા...જોકે ઊંઘ ઉડી ગઈ..જાગતાં પડી રહ્યાં ક્યાંય સુધી. વિદિશ, આજે નજર સામેથી હટતો જ નથી.. અનાયાસ એમનાં મોંએથી જોરથી વિદિશના નામની ચીસ પડી ગઈ અને સ્વગત બોલવા માંડ્યાં
“વિદિશ મેં તને અન્યાય કર્યો છે.. હું કબુલ કરું છું કે મેં તારા કોઈ પણ દોષ વગર તને દુઃખી કર્યો છે.. તું તો ..તું..તો મને બહુ પ્રેમ કરતો હતો..પણ શું કરતી હું વિદિશ ? હું બેવડું જીવતી હતી..ના તો હું તને છોડી શકતી હતી કે ના તો હું માનવને પામી શકતી હતી.. એ સાચું હતું કે તું મારા જીવનમાં પહેલો આવ્યો હતો અને આપણે બેસુમાર પ્રેમ કરતા હતાં એકબીજાને અને આપણી વચ્ચેનો સંબંધ....” આટલું બોલતાં તો એમનાં ગળે ડૂમો આવી ગયો..ક્યાંય સુધી બોલી ના શક્યાં.. પાછો એક ઊંડો શ્વાસ લઈને ધીમેધીમે બોલવા માંડ્યાં..” હા...વિ..! ” ક્યારેક શશિકલા એને ફક્ત વિ કહીને જ બોલાવતાં..આજે અનાયાસ એ સંબોધન પણ થઇ આવ્યું.. “ વિ, આપણા સંબંધને કોઈ સામાજિક માન્યતા ન હતી..પણ આપણેતો ક્યાં એવી કોઈ માન્યતાની જરૂર પણ હતી..હેં..??”
આટલી રાત્રે એકલાંએકલાં બોલવું અને આમથી તેમ રૂમમાં આંટા મારવા... સાવ બાલીશ વર્તન લાગતું હતું....આ એક મેચ્યોર્ડ અને ભણેલી ગણેલી પ્રૌઢ સ્ત્રીનું.. પણ અત્યારે ક્યાં કશું એમનાં નિયંત્રણમાં હતું..? બધું અનાયાસ થતું હતું.. આંતરમનમાં જબરદસ્તી દબાવી રાખેલી એ લાગણી આજે બહાર આવી રહી છે.. પણ આમતો એ સારું હતું એમનાં માટે કારણકે એમ કરતાં એ મનનો ઉભરો બહાર ઠાલવી રહ્યાં હતાં.. એ તો બોલ્યેજ જતા હતાં.. એમની સામે એ વિદિશને બેઠેલો જોઈ રહ્યાં હતાં અને બસ એને સંબોધીને જે મનમાં આવતું તે બોલતાં હતાં..
“ વિદિશ, હા..! માનવ તારા પછી મારા જીવનમાં આવ્યો..પણ એ કાયદેસર મારા પતી તરીકે આવ્યો.. મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે...” અને એકદમ આવેશમાં આવીને ચિત્કારી ઊઠ્યા.. “ હા...! વિદિશ, માનવ મારો પતિ છે, કાયદેસર પતિ છે...અને મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે.. સમાજમાન્ય સંબંધ છે મારો..બોલ વિ..! તારું મારા જીવનમાં શું સ્થાન હતું..હેં..બોલ..! તું નહિ બોલે... હું જ તને કહું છું કે તારું મારા જીવનમાં કોઈ સ્થાન ન હતું.. મારે માનવને પામવો હોય તો મારે તારાથી છૂટકારો મેળવવો પડે..?? પણ કેવી રીતે એ શક્ય હતું..? તું તો મારા શ્વાસનાં એકએક ધબકારમાં વ્યાપેલો હતો..વિદિશ મારી છાતીનાં ધબકારમાંથી પહેલો અવાજ જ વિદિશ આવતો.. પછી શું કરતી હું..? બોલ વિદિશ બોલ શું કરતી હું...તું મારો પીછો જ છોડતો ન હતો વિદિશ....હું કેવી રીતે મુક્ત થતી તારાથી ???"
એક ડૂસકું નીકળી ગયું અને ચોધાર આંસુથી રડી દેવાયું..
બહુવાર સુધી કાંઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા.. જેટલા એ વિચારોથી દૂર થવાનો પ્રયત્ન કરતા હતા એટલી પ્રબળતાથી એ સામે આવતા હતા. કશુંજ એમના નિયંત્રણમાં ન હતું.
"વિદિશ ..હા, એટલે જ... એટલે જ...વિદિશ, હું તારાથી દૂર ચાલી ગઈ અને દૂર પણ એવી કે...!!!” આમ બોલતાં બોલતાં તો એમની આંખો મીંચાઈ ગઈ...ઘસઘસાટ ઊંઘી ગયાં... સવારે ખૂબ મોડા ઊઠ્યા.. નિત્યક્રમ પતાવી એકદમ ઝડપથી તૈયાર થઇ કૉલેજ પહોંચી ગયાં અને કામમાં લાગી ગયાં.. વચ્ચે એમનો એક ક્લાસ હતો તે પતાવીને હમણાંજ આવીને ઓફીસમાં બેઠાં..પટાવાળા મનસુખને કડક કોફી બનાવવા કહ્યું.. માથું સહેજ ભારે લાગતું હતું.. ઓફીસના કામમાં વ્યસ્ત હતાં...કોઈ ફાઈલ જોઈ રહ્યા હતાં. બીજા પટાવાળાએ એમના ડેસ્ક પાસે આવીને એક ચિઠ્ઠી ટેબલ પર મૂકી.
“ કોણ છે ભાઈ..? મોકલ જે હોય તેને..” ચિઠ્ઠી વાંચ્યા વગર કહ્યું..અને પાછાં એ તો નીચું જોઇને ફાઈલ વાંચવા માંડ્યા .
ચેમ્બરનું ડોર ખૂલ્યું અને એક અવાજ આવ્યો..” મે આઈ કમ ઇન મૅડમ ..??”
“યેસ પ્લીઝ..” અને એમણે ઉંચું જોયું..ચારે આંખો મળી...
“વી..વિદિ..વિદિશ... તું..તું, ક્યાંથી આમ..? અહીં..? અચાનક..??
વિદિશના ચહેરા પર કોઈ વિશિષ્ઠ ભાવ જોવા ના મળ્યા...કોઈ પણ ઔપચારિકતા વગર એણે કહ્યું: "એક છોકરાને કોઈ છોકરી સાથે ગઈકાલે કેમ્પસમાં બેઠેલો તમે જોયેલો અને એના વાલીને બોલાવવાની તમે સુચના આપ હતી ને ? એ છોકરાનો વાલી હું છું.. આઈ’મ હીઝ ફાધર...! શશી.. મિસીસ શશિકલા ..!!”

Wednesday, May 25, 2016

સંશય


મોક્ષ એકદમ ઝડપથી ઘરે આવતો હતો.

દરરોજ કરતાં આજે સ્કૂટર વધારે ગતિથી હંકારતો હતો, કોઈ જ કારણ વિના. આજે કંઈક અંદરથી ખુશી મહેસુસ કરતો હતો. જાણે કોઈ આનંદપ્રદ ઘટના બનવાની હોય. ક્યારેક અશુભના ઍધાણ મળતાં હોય છે એમ ક્યારેક શુભના પણ ઍધાણ મળી જાય છે.
ઘરે આવી પહોંચ્યો.
રોજના ક્રમ પ્રમાણે દરવાજે લગાડેલું  લેટરબૉક્સ ખોલ્યું. ત્રણચાર ટપાલો નીકળી અંદરથી.
એકતો એકદમ પરિચિત અક્ષરોવાળું કવર હતું જે જોઇને ચોંકી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે પાછું શું તોફાન આવ્યું ? કવર પરનાં અક્ષરો બહુ વર્ષો પછી જોવા મળ્યા,પણ છેલ્લાં વરસોમાં તો જ્યારે પણ આ અક્ષર સાથે એન્વલપ આવેલું  ત્યારે ઉપાધી...માનસિક તાણો અને પારાવાર આક્ષેપ સાથે આવેલું.,
બીજી ત્રણ-ચાર સામાન્ય ટપાલો હતી  જેનું ખાસ મહત્ત્વ ન હતું ગાર્બેજ હતી સાવ. ખિસ્સામાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું. અંદર આવી બ્રિફકેસ સાઈડ પર ક્લોઝેટમાં મુકી દિવાન પર બેસી ગયો. આ બધી જ ક્રિયાઓ એકદમ ઝડપથી યંત્રવત પતાવી. કવર ખોલ્યું. વિગતવાર પત્ર વાંચતા પહેલા પત્રના અંતે લખેલા નામ પર નજર નાંખી. ચીંતા મિશ્રિત આનંદ થયો. પત્રમાં શું હશે એ જાણવા એણે સડસડાટ પત્ર વાંચવા માંડ્યો.
જો કે એક બે વાક્ય વાંચ્યા પછી એટલી તો ખાતરી થઇ કે કાંઈ તોફાન નથી આવ્યું એટલે સહેજ નિરાંત થઇ અને આરામથી પત્ર વાંચવા માંડ્યો. લગભગ પંદર વર્ષ પછી સંસ્કૃતિનો પત્ર આવ્યો. એકવાર ખુબ ઝડપથી વાંચી ગયો પણ પછી નિરાંત થતાં એણે ફરીથી શાંતિથી પત્ર વાંચવા માંડ્યો.

“ મોક્ષ,

કુશળ હશો, છું.

કુશળતા ઇચ્છવાનો મારો અધિકાર હજુ મેં જતો નથી કર્યો અને આમતો તમે જ એ અધિકાર માન્ય રાખ્યો હતો ને ? કદાચ આશ્ચર્ય થશે તમને પણ સાચુ કહું, તમને એક સુખદ આંચકો આપવાનો વર્ષો પછી અભરખો થઈ આવ્યો. ખબર નથી પણ કેમ ઘણાં સમય સુધી મનને સંયમમાં રાખવાનો પ્રયત્ન કર્યો પણ ના થઇ શક્યું એમ...અસફળ રહી.. અને એમાં પાછું નિમિત્ત મળી ગયું. સંહિતા પ્રેમ કરવાની ઉંમરે પહોંચી ગઈ અને પ્રેમ કરી બેઠી છે. સાચું કહું મોક્ષ, આમ પણ એ પૂરેપુરી બાપ પર ગઈ છે ... બધી રીતે.. રૂપે-રંગે સ્વભાવ અને બુદ્ધિમાં પણ.... અફસોસ એને માત્ર એટલો જ છે કે બાપનો સહવાસ એને ના મળ્યો. જોકે તમને દોષ દેવાનો મારો કોઈ  ઇરાદો નથી પણ નિયતિએ કરેલી એ ક્રૂર મજાકનો અફસોસ તો થાય જ  ને વળી?  ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને અંતે આપણે એકબીજાંથી જોજનો દૂર. આ ક્રૂર ખેલ કેમ આપણી સાથે જ  ખેલાયો ?  અફસોસ થાય છે પણ સ્વેચ્છાએ આપણે પસંદ કરેલા માર્ગ પર હું અને તમે ઘણાં બધા આગળ નીકળી ગયા  છીએને ????  પાછા વળવાનું દુષ્કર છે..???

સંહિતાએ એની જ સાથેના એના મિત્રને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. મારી સંમતિ માંગી છે, મૂંઝાઈ છું. એને વાળવી નથી પણ એની  બાબતનો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તમને પૂછવાનું, તમારી સલાહ લેવાનું મન થયું મન થયું અને એમ કરવાનું મને મુનાસિબ લાગ્યું. મેં ખોટું કર્યું ?? અને આમ પણ એની બાબતમાં હું એકલી કઈ રીતે નિર્ણય લઈ શકું ? સંહિતા તો આપણી સંયુક્ત જવાબદારી છે ને ?? ભલે કોર્ટે એની કસ્ટડી મને સોંપી પણ ત્યારે પણ દીકરી પરના તમારા અધિકારનો મેં ક્યારેય ઇન્કાર ન હતો કર્યો. હા... ભલે તમે તમારી મરજી થી એ અધિકારનો ઉપયોગ ના કર્યો.  
મોક્ષ, કેમ છો તમે ? એકલા જ છો કે પછી ????
સ્વભાવ તમારો તમને એકલા રાખી જ કેવી રીતે શકે...હેં..! તમારા આકર્ષણમાં કાંઈ કેટલાં લોકો ભરમાઈ શકે મારી જેમજ તો.. નહીં..? ખેર, તમને થશે કે આટલાં વર્ષો પછી પણ હજુ મારા મનમાં કડવાશ રહેલી છે.... અને એ મારી કલમમાંથી આજે પણ વ્યક્ત થઈ ગઈ. બહુ સંયમ રાખવા છતાં પણ. શું કરું ? મોક્ષ,  તમારા ચારિત્ર બાબત હું પહેલેથી જ આશંકિત હતી પણ મને ગુમાન હતું કે મારા તમારા જીવનમાં પ્રવેશ પછી અન્ય તમામ દ્વાર બંધ થઇ જશે અને એક જ દ્વાર રહેશે અને તે ફક્ત અને ફક્ત હું.
મારો એ અહમ ઠગારો નિવડ્યો હતો ને ?  જો કે એ મારી શંકા હતી કે વિશ્વાસ....એ બાબતમાં તો હું ત્યારે પણ દુવિધામાં હતી અને  આજે પણ છું, છતાં જવાનીના મદમાં અને મારા ઘમંડમાં તમને છોડી
દીધા.  તમે ક્યારેય તમા કરી નથી પાછું વળીને જોવાની પણ હું પણ  એટલી જ અડગ હતી અને છું જ.. ભગ્ન હૃદય બીજે ક્યાંય જોડ્યું નથી. મારા શરીર પરનો તમારો એકાધિકાર આજે પણ યથાવત રહેવા દીધો છે.
ક્યારેક વિચારું છું કે તમે કાંઈ ઓછા જિદ્દી તો નથીજ ને? પાંચ વર્ષની  સંહિતા મને સોંપી ને પછી ચાલી નીકળ્યા તો ના તો એની તરફ કે ના તો મારી તરફ જોવા સુધ્ધાનો પ્રયત્ન કર્યો.  જોયું મોક્ષ, મનના ભાવો નથી રોકી શકાતા. વ્યકત થઇ જ જાય છે કોઈ પણ સ્વરૂપે. આ પત્ર મારા પ્રાયશ્ચિતનો કે મારી ગુનાઈત મનોભાવના વ્યક્ત કરવા માટે હરગીઝ નથી જ પણ છતાંય આજે તમારી સમક્ષ વ્યક્ત થઈ જવાયું.
 સંહિતાનો પણ એવો આગ્રહ હતો કે એના પતિને તમે જૂઓ પછી જ એ લગ્ન કરશે અને એટલે જ આજે તમને આ પત્ર લખ્યો. સંહિતાની ૨૯ સપ્ટેમ્બરની ટીકીટ બુક કરાવી છે ત્યાં તમારી પાસે આવવાની...હા એ એકલી જ આવશે. એક દીકરી બહુ વર્ષો પછી પોતાના બાપ ને મળવા આવી રહી છે એટલે હું તાગ મેળવી શકું છું તમારા આનંદનો. આમ પણ મારી  સગર્ભાવસ્થામાં આપણે કરેલા અનુમાનમાં તમે જ તો  સાચા પૂરવાર થયા હતા ને મોક્ષ ? તમારે દીકરી જોઇતી હતી તો કુદરતે તમને આપી પણ મોક્ષ નિયતિએ જોકે તમને અન્યાય કર્યો. દીકરી આપીને ઝૂંટવી લીધી પણ મોક્ષ સલામ કરવાનું મન થાય છે તમારી જીદને. કુદરતે  જે માંગ્યું તે આપ્યું પણ એ પાછું પણ લઈ લીધું છતાં તમારા જીગરના ટૂકડા સામે પાછું વળીને જોયું પણ નહીં?  ભૂલી ગયા રાતે આવેલા દુઃસ્વપ્નની જેમ ???  જવાદો એ વાત, મૂળ વાત પર આવું સંહિતાએ માનવને પસંદ કર્યો છે પણ લગ્ન પહેલાં એ તમને મળવા માંગતી હતી અને કદાચ છાના ખૂણે હું પણ એવું જ ઇચ્છતી હતી. એક વિનંતી કરૂં લગ્નમાં આવજો. ભલે કાયદેસર રીતે એ શક્ય ન હોય પણ કન્યાદાન આપણે કરીએ ?કશુંક અણગમતું લખાઈ ગયું હોય તો માફ કરજો એમ નથી કહેતી પણ હું તો આવીજ છું એમ માની ને સ્વીકારી લેજો . સંહિતાના અહીંથી નીકળતા પહેલાં ફોન કરીશ.”
                                                                                                                                               -  સંસ્કૃતિ "

ત્રણ ચાર વાર મોક્ષ પત્ર વાંચી ગયો. એના મનોભાવ કંઈક વિચિત્ર થઈ ગયા. વિચારતો હતો. “આ એ જ સ્ત્રી છે જેણે એક વખત ભરપેટ નફરત કરી હતી. કાગળ લખ્યા હતા જેમાં બેસૂમાર આક્ષેપ કર્યા હતા, વકીલો મારફત નોટિસ અપાવી હતી. કોર્ટમાં ઢસડી જઈ મારા ચારિત્ર્ય પર જેટલા થઈ શકે તેટલા છાંટા ઉડાડયા.’’  હસી દેવાયું મોક્ષથી. વિચારવા લાગ્યો. “કુદરત પણ ગજબ ખેલ કરે છે, માણસને રમાડે છે... ઉછાળે છે..... પછાડે છે.....ઊંચકે છે.”   કાગળ  બાજુમાં કૉર્નર ટીપોઈ પર મૂકી એ ફ્રૅશ થવા ગયો  અને ત્યાં  ખોવાઈ ગયો સંહિતાના વિચારોમાં.
“  કેવડી મોટી થઈ ગઈ હશે ?  ઓળખી શકીશ ?  નાનું નાનું પીંક ફ્રોક પહેરતી હતી અને કાલુંકાલું બોલતી હતી. પીંક કલર એને બહુ ગમતો એટલે  એના માટે તો બધી જ વસ્તુ પીંક લાવવી પડતી. આખા રૂમને પણ પીંક કલર કરાવેલો.” રેસ્ટરૂમમાંથી બહાર આવીને મોક્ષે પાણી પીધું. ચાહ બનાવવા લાગ્યો. ટિફિન તો     છેક સાડા આઠ વાગે આવશે. ફરી એકવાર કાગળ વાંચી ગયો. એકદમ કોઈક વિચારના ઝબકારે ઊભો થયો. અને વોર્ડરોબમાં મૂકેલા સંસ્કૃતિના બધા જ કાગળો લઈ આવ્યો. પ્રેમ કર્યો હતો ત્યારના, સાથે જીવ્યા હતા ત્યારના, નફરત કરી હતી ત્યારના અને છૂટા પડ્યા હતા ત્યારના બધા જ કાગળો પર નજર નાંખી ગયો. શોધી કાઢ્યો એ બધામાંથી સંસ્કૃતિએ સૌથી પહેલો જે કાગળ લખેલો એ.

 “ મોક્ષ,
 જબરજસ્ત ચુંબકીય વ્યક્તિત્વ છે તારું. લાખ પ્રયત્ન કર્યા છતાં ના રોકી શકી મારી જાતને... ખેંચાઈ આવી છું તારા તરફ... આઈ લવ યુ મોક્ષ, મેં કદાચ કલ્પના પણ નહતી કરી કે આપણે મળી  શકીશું.  તારી ફરતે  છોકરીઓનાં  ઝૂંડ અને તારો  રોમેન્ટીક સ્વભાવ...  સાચું કહું બહુ નફરત હતી મને એ બધા માટે અને તારા માટે  પણ... પણ કેવી રીતે હું ખેંચાઈ આવી તારા તરફ એની મને ખબરે પણ ન પડી.
                                                                                                                                              - સંસ્કૃતિ.”

મોક્ષ ફરી એકવાર કાગળ વાંચી ગયો. આંખોમાં ફરી એકવાર રોમાન્સ પ્રગટ્યો. બીજા કાગળ ઉથલાવ્યા. લગ્ન પછી એકાદ વર્ષે સંસ્કૃતિએ કન્સીવ કર્યું અને છેલ્લા દિવસોમાં  એનાં મમ્મીને ત્યાં ગઈ પછી લખેલો પત્ર.

“ મોક્ષ ,
કેટલી બધી નસીબદાર છું હું કે તારા જેવો પતિ મળ્યો, અને હવે તારા જેવોજ બદમાશ છોકરો મળશે !!! હા, હું છોકરો લઈનેજ આવવાની છું મોક્ષ. મને છોકરી નહીં જ જોઈએ કારણ ખબર છે?  છોકરી બિચારી તારા જેવા લંપટના હાથે ચડી જાય તો?  હું તો ફસાઈ ગઈને?  એય મોક્ષ, ખરાબ લાગ્યું, નહીં ને? હસતો,  પ્લીઝ હસને મોક્ષ !!
                                                                                                                                            -  સંસ્કૃતી “  

પત્ર વાંચીને ખડખડાટ હસી પડ્યો મોક્ષ,   હસતા હસતા આંખો ભરાઈ આવી.
ક્યાંય સુધી બેસી રહ્યો એ કાગળ છાતી પર મૂકીને, ખોવાઈ ગયો ભૂતકાળમાં. ડૉક્ટરે ૨૭મી સપ્ટેમ્બર ડેટ આપી હતી. મોક્ષ પચ્ચીસમી તારીખથી જ સંસ્કૃતિ પાસે પહોંચી ગયો હતો. બહુ કેર લેતો હતો, છોકરો -છોકરીના ઝઘડા તો ચાલુ જ હતા, અંતે એ દિવસ આવી ગયો. ૨૯મી સપ્ટેમ્બરે છોકરી આવી... જીતી ગયો મોક્ષ. ખુશ થયાં બન્ને.

એટલામાંજ  ડોરબેલ વાગ્યો.

ટીફીન આવ્યું. જમી લીધું પણ આજે માત્ર જમવા ખાતર. સંહિતા કાયમ પપ્પાના ખોળામાં બેસીને જમવાની જીદ કરતી. સંહિતા બહુ લાડકી હતી પપ્પાની. રોજ એને પીંક આઇસ્કીમ જોઈએ પછી જ જમવાનું. જમીને માંડ ઊભો થયો. હજુ ભૂતકાળ  એનો પીછો છોડતો ન હતો. પંદર-સત્તર વર્ષ પહેલાંની બધી જ ઘટનાઓ હજુ ગઈકાલની જ હોય એમ આંખ સામે તાદશ્ય થતી હતી. સિગરેટ સળગાવી હિંચકે બેસી ગયો. ક્યાંય સુધી શૂન્યમનસ્ક બેસી જ રહ્યો. અચાનક એક ઝબકારો થયો. સંસ્કૃતિનો છેલ્લો પત્ર લઈ આવ્યો.

“મોક્ષ ,
તારા સ્વભાવમાં તું કોઈ જ પરિવર્તન લાવી શકે એમ લાગતું નથી. હું તારા આ સ્વભાવથી કંટાળી ગઈ છું. રોજ કોઈ સ્ત્રી મિત્ર તારી સાથે હોય. રોજ કોઈને કોઈના ફોન આવે.. આ બધું મારાથી સહન નહીં થાય. મારો અહમ્ તૂટી ગયો છે, તારા જીવનમાં મારા પ્રવેશ પછી મને એમ હતું કે તું સુધરીશ. પણ ના, એ શક્ય નથી લાગતું. મારા ગયા પછી તને મનફાવે તેવા સંબંધો વિસ્તારવાની છૂટ છે, અને એ સ્વતંત્રતા હું પણ હવે મેળવી લઉં છું. તને આ પત્ર લખીને સંહિતા સાથે આ ઘરને છેલ્લીવાર સજાવીને જાઉં છું. જેવું મેં લગ્ન પછી આવીને સજાવ્યું હતું. હા એ લોભ હું જતો નથી કરતી કારણ કે આ મારૂં ઘર હતું, મેં એની સાથે મારી બધી જ સ્મૃતિ જોડેલી છે. આ કાગળ લખું છું ત્યારે થોડુંક મંથન હતું પણ  જરાય દ્વિધા ન હતી. આ ઘરનો એકેએક ખૂણો-દિવાલ આપણો બેડરૂમ, એ પલંગ જ્યા આપણે... એ કર્ટન્સ જે આપણા રોમાન્સનો મૂક સાક્ષી છે. પલંગની બાજુમાં પડેલું ફલાવર વાઝ જેમાં હું રાતરાણીના ફૂલ રોજ રાત્રે સજાવતી હતી અને મારી અને એની ખુશબૂમાં તને મદહોશ કરતી હતી, મોક્ષ, તારો સ્પર્શ જેણે શરૂઆતમાં મને અત્યંત રોમાંચિત કરી હતી અને પાછળથી અંગારાની આગ આપી હતી. પલંગની સામે પડેલું ડ્રેસિંગ ટેબલ જેમાં મારૂં યૌવન જોવા માટે તું તડપતો હતો એ બધું જ.... એમનું એમ મૂકીને હું જાઉં છું.
મને ચોક્કસ વિશ્વાસ છે કે એ બધું જ  આ ઘરમાં કોઈક બીજું આવશે અને એ મારી બધી જ સ્મૃતિ ભૂંસી નાખશે. રોજ કોઈક બદલાતું રહેશે. તને જરા પણ ખેદ નહીં હોય પણ મને છે..... પણ મારી પાસે હવે ઘર છોડવા સિવાય બીજો વિકલ્પ નથી. જાઉં છું. અને હા !  નીચે નામ નથી લખતી કારણ કે હવે તો  આપણે અજનબી બની જઈશુંને  એકબીજા માટે.”
મોક્ષની આંખો ભરાઈ આવી. સ્વગત જ બોલવા લાગ્યો.                                                    
                                                                                                                                                 “ સંસ્કૃતિ...

ઓ સંસ્કૃતિ,   તને શું ખબર તારા ગયા પછી એ બેડરૂમ જ્યાં તેં સપનાં સજાવ્યા હતા એ  તદ્દન બંધ થઈ ગયો છે. ત્યાં વર્ષોની ધૂળ જામી ગઈ છે, જેમ તારી યાદો પર.”  
મોક્ષ ફસડાઈ પડ્યો. ક્યાંય સુધી બેસી જ રહ્યો. રાત વીતવા માંડી હતી. ક્યારે ઝોકું આવી ગયું એય ખબર ન રહી... રાત્રે જ્યારે જાગ્યો ત્યારે બે વાગ્યા હતા. ઊઠયો, પાણી પીધું. સિગરેટ સળગાવી. ફરી પાછો આજે આવેલો કાગળ વાંચવા માંડ્યો. પસ્તાવાની આગમાં શેકાતી સંસ્કૃતિ તરફ કોઈક લાગણી થઈ આવી. વિચારવા લાગ્યો. સંસ્કૃતિના શબ્દો પર:  “નિયતિએ કરેલી ક્રૂર મજાક જ ને વળી? ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને આપણે એકબીજાથી જોજનો દૂર. આ ક્રૂર ખેલ કેમ આપણી સાથે જ ખેલાયો? અફસોસ થાય છે પણ સ્વેચ્છાએ આપણે પસંદ કરેલા માર્ગો પર હું અને તમે ઘણાં બધાં આગળ નીકળી ગયા છીએને ??  પાછા વળવાનું દુષ્કર છે ???”
“ના સંસ્કૃતિ  ના જરા પણ દુષ્કર નથી.” સ્વગત બોલ્યો. “તને શું ખબર તારા એ પઝેસિવ અને શંકાશીલ  સ્વભાવે કેટલું બધું નુકસાન કર્યું છે આપણું...... કેટલા દુ:ખી કર્યા છે. આપણને બન્નેને ?  તારા ગયા પછી કોઈ જ આવ્યું નથી ન તો કોઈ આવશે. આવીશ તો તું જ.”
બીજા દિવસે સવારે ઓફિસ જતા પહેલા એક જ લીટીનો કાગળ લખ્યો.

“ સંસ્કૃતિ, સંહિતાની સાથે તું આવીશ તો મને ગમશે. જોઇતો જા તારા ઘરને.... હજુ તારી યાદમાં બધું જ તડપે છે.”
                                                                                                                                                     – મોક્ષ

                                                            ************                                                                        
                                                                                                                                                વિજય ઠક્કર