Wednesday, April 27, 2016

પાપા-અંકલ

                                                           
                                                   
હેલી સવારે ઉઠીને ઝડપથી તૈયાર થઇ જવાનું અને સવારે આઠ વાગ્યાની સબર્બન ટ્રેન લઈને ઓફીસ જવાનું..મલાડથી ચર્ચગેટ.

આજ નિત્યક્રમ...

મલાડ સ્ટેશનથી પાંચ મીનીટના અંતરે જ ચાહવાલા મેન્શનના ત્રીજા મજલા પર કંપનીનો ફ્લેટ હતો...અને કંપનીએ મોહિતને ટ્રાન્સ્ફર ઑર્ડરની સાથેજ ફ્લેટની ચાવી પણ મોકલી આપેલી. સવારે નવ વાગેતો ઈરોઝ પર પહોચવાનું. ચર્ચગેટ સ્ટેશનની બરોબર સામે ઈરોઝ બીલ્ડીંગનાં પાંચમાં માળે એની મલ્ટીનેશનલ કંપનીની ઓફીસ હતી. બપોરે સાડા બાર વાગે લંચ પડે ત્યારે ઇચ્છા મુજબ કાંઈક ખાઈ લે. ક્યારેક ટેલિફોન ઑપરેટર રૂબી સાથે તો ક્યારેક એની ઓફીસ સેક્રેટરી શર્લી સાથે ટીફીનમાંથી લંચ ખાઈ લેતો..આમને આમ બે વર્ષ વીતી ગયાં પણ હજુ એની ટ્રાન્સ્ફર હોમટાઉનમાં થતી ન હતી અને એટલે ક્યારેક ખૂબ કંટાળો આવતો. દિવસતો કામમાં પસાર થઇ જતો પણ સાંજે હોમસીકનેસ લાગતી....બધા ખૂબ યાદ આવતાં. મમ્મી-પપ્પાએ ક્યારેય એને આંખ સામેથી દૂર ન હતો કર્યો અને આજે બે વર્ષથી એમનાથી દૂર હતો એટલે શરૂમાં ચિંતા હતી પણ હવે બધું ગોઠવાઈ ગયું. હજુતો બેચલર છે અને આમ પણ એને પરણવાની ઉતાવળ પણ નથી.. ક્યારેક ફલર્ટ કરી લેવું પણ લગ્નની જંજાળમાં હમણાં પડવું નથી.. અત્યારેતો બસ કરિયર બનાવવી છે... અને એજ તો એનો ગોલ હતો...

એની બાજુના ફ્લેટમાં એક નવું ફેમિલી રહેવા આવ્યું...પતિ-પત્ની અને બે નાની દીકરીઓ....હવેતો સાંજનો સમય પણ એ લોકોની સાથે આનંદથી પસાર થઇ જતો હતો..પણ તેમ છતાં ક્યારેક ઘર યાદ આવી જતું.. બાજુમાં રહેતો આ પરિવાર અત્યંત સંસ્કારી હતો...બે નાની છોકરીઓ ટ્વીન્સ હતી.. બંનેની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી...એક રૂબી હતી અને એક પર્લ હતી...બંને છોકરીઓને મોહિતની હવે ખૂબ માયા થઇ ગઈ હતી અને એ છોકરીઓની મમ્મી હતી નોબીકા...

નોબીકા અને જેમ્સના આંતરજાતીય લગ્ન હતાં..જેમ્સ એક મલ્ટીનેશનલ કમ્પનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો અને નોબીકા પણ એજ કમ્પનીમાં જુનિયર એક્ઝીક્યુટીવ હતી..બંને વચ્ચે પરિચય થયો.....પરિણય થયો અને પરણી ગયા..પણ નોબીકાના રૂઢીચુસ્ત પરિવારમાં એનો ખૂબ વિરોધ થયો..જેમ્સ ચેન્નાઈથી ટ્રાન્સ્ફર કરાવીને કોલકત્તા અને ત્યાંથી ટ્રાન્સ્ફર લઈને મુંબઈ આવી ગયો..બંને જણા એક શહેરથી બીજા શહેર ફરતા રહ્યા...લગ્નને પણ છ સાડા છ વર્ષ જેવો સમય વીતી ગયો..પણ એના પરિવારે હજુ આ લગ્નને સ્વીકૃતિ આપી નથી..નોબીકાની સાથેનો સંબંધ બિલકુલ કાપી નાંખ્યો છે.. અને નોબીકા પણ એટલીજ મક્કમ હતી..તેણે પણ પોતાના પરિવાર સાથેના સંબંધને તદ્દન વિસારી દીધો હતો...ક્યારેય કોઈને પણ યાદ કર્યા નથી.. જેમ્સ સાથેના લગ્નજીવનથી ખૂબજ સંતુષ્ટ હતી..

મોહિતને પણ પર્લ-રૂબી સાથે  બહુ ગોઠી ગયેલું.. જેમ્સને મોટે ભાગે ટ્યોરીંગ રહેતું અને મોહિતનું  પણ એમ હતું.. બંને માર્કેટિંગનાં ખેરખાં હતા. જેમ્સ એની કમ્પનીમાં વાઈસ પ્રૅસિડેન્ટ, સેલ્સ હતો.. તો મોહિત ડાયરેક્ટર, માર્કેટિંગ હતો. મોહિત, જેમ્સના પરિવાર સાથે એ રીતે હળી ગયેલો કે એમ લાગતું કે જાણે તે બધા એક પરિવારનો હિસ્સો હોય.. હવેતો મોટેભાગે મોહિતનું જમવાનું પણ આ લોકોની સાથે થતું..જોકે મોહિત એના જમવાના પૈસા દર મહીને આપી દેતો.  શરૂઆતની આનાકાની પછી એ વાત હવે સ્વીકારાઈ ગઈ છે..જેમ્સ અને મોહિત વચ્ચે પાંચેક વર્ષનો ફર્ક હતો...મોહિત જેમ્સ કરતા મોટો હતો..મોહિત તો બેચલરજ હતો અને હવે તો ખાસ કાંઈ પરણવાની ઇચ્છા પણ ન હતી..

પર્લ-રૂબી સાથેનું તાદાત્મ્ય અને જેમ્સ સાથેનાં પારિવારિક સંબંધો પછી પર્લ-રૂબી તેને પાપા-અંકલ કહીનેજ બોલાવતાં..અને જેમ્સને તે લોકો ડેડી કહેતા...જેમ્સેજ એવું બોલતાં શિખવાડેલું..
જેમ્સને વર્કિંગ ટ્યોર પર જવાનું થાય કે મોહિતને બિઝનેસ ટયોર હોય બંને એ રીતે મેનેજ કરતા કે બંને દીકરીઓ સાથે બેમાંથી  એક જણતો હોયજ...જેમ્સ અને મોહિત જાણે બે ભાઈઓ હતા. નોબીકા, જેમ્સ અને મોહિત ત્રણેય જુદી જુદી જાતિનાં હતાં....  નોબીકા મુસ્લિમ હતી તો જેમ્સ ગોવાનીઝ હતો અને મોહિત ગુજરાતી ...  ઘરમાં મોટેભાગે કમ્યુંનીકેશન અંગ્રેજીમાંજ થતું, પણ ક્યારેક હિન્દીમાં પણ વાતચીત કરતા.
શરૂશરૂ માં મોહિત નોબીકાને ભાભીજી કહીને બોલાવતો પણ જેમજેમ નિકટતા વધતી ગઈ તેમતેમ એ સંબોધન બંનેને સારું ન હતું લાગતું... અને એક દિવસ બન્નેએ એકબીજાને નોબીકા અને મોહિત કહીને બોલાવવાનું શરુ કર્યું..

આ વખતે મોહિત ઘણા લાંબા સમયે પોતાના ઘરે ગયો.. મમ્મી-પપ્પા સાથે સારો એવો સમય વિતાવ્યો..પર્લ-રૂબીની અને જેમ્સ નોબીકા વિષે ખુબ વાતો કરી.. આ વખતે પણ મમ્મીએતો  એને પરણાવવાનું રટણ ચાલુ રાખ્યું...ત્યારે મોહિતે મમ્મીને કહ્યું.." હું પરણીશ તો નોબીકા જેવીજ કોઈક છોકરીને અને હા મમ્મી જો તારે મારા માટે કોઈ છોકરી શોધવી હોય તો તું પહેલા નોબીકાને જોઇલે...
" બેટા તું ત્રીસ વર્ષનો થયો ક્યાં સુધી તું કુંવારો રહીશ...?"
" સાચું કહું મમ્મી...મારી અત્યારે પરણવાની જરાપણ ઈચ્છા નથી, મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે...મારે ફક્ત પરણીને સંસારમાં બંધાઈ નથી જવું."
જ્યારે પણ પરણવાની વાત નીકળે ત્યારે આમજ  વાત ટાળી દેતો.
આવી ગયો પાછો મુંબઈ...
આ બધીજ વાતો એણે નોબીકાને અને જેમ્સને કરી અને એ દિવસે બહુ હસ્યા એ ત્રણેય જણા..
ત્રણેક વર્ષ તો આમને આમ વીતી ગયાં..કઈ ખબર ના પડી..બંને દીકરીઓ પણ મોટી થવા માંડી..!
                                   
                                                           ****                            ****

" પાપા- અંકલ ....પાપા- અંકલ ....હવે અમે જતા રહેવાનાં...!!!!
મોહિત ઘરમાં પ્રવેશ્યો અને છોકરીઓ દોડતી આવીને વળગી પડી....નોબીકા એમની પાછળ દરવાજા સુધી આવી પહોંચી ...મોહિત એની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો...
" આવીજા...અંદર આવ..",
."બેટા પાપા- અંકલને ઘરમાંતો આવવા દો.."
મોહિત એ બધાની સાથે લીવીંગ રૂમમાં ગયો... જેમ્સ સોફા પર બેઠો હતો અને ડ્રીંક લઈ રહ્યો હતો..રૂમમાં પ્રવેશતાં એક મજાની કડક ખુશ્બુ આવીને એના શ્વસન તંત્રમાં પ્રવેશી ગઈ...મોહિતે ઉંડો શ્વાસ લઈને એ ખુશ્બુનો અંગીકાર કર્યો...જેમ્સની  સામે પડેલો ખાલી ગ્લાસ મોહિતનીજ રાહ જોતો હતો.. એ ફ્રૅશ થઈને ચેઇન્જ કરીને આવી ગયો જેમ્સની બાજુમાં...ડ્રીંક બન્યું..અને બે ગ્લાસ અથડાઈને ટણીનનનન અવાજ આવ્યો...ચીયર્સ...થયું...
" મોહિત ડિયર..પ્લીઝ.. વિશ મી ગૂડ લક ફોર ગોઇંગ બેક ટુ માય હોમ ટાઉન ...!"
મોહિત એની સામે જ જોઈ રહ્યો..." યસ ડિયર... આઈ ગોટ ટ્રાન્સ્ફર ટુ  માય હોમ ટાઉન "
બહુ ખુશ હતો જેમ્સ...પણ નાખુશ હતી નોબીકા...
આજે સાંજે જ જેમ્સને ઑર્ડર મળ્યો...જેમ્સને  ખૂબજ  આનંદ હતો...પણ નોબીકા અત્યંત  નારાજ હતી એ શહેરમાં જવા માટે.. નોબીકાએ જેમ્સ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એના પરિવારે એ બન્ને સાથે કરેલા દુર્વ્યવહારથી પારાવાર દુઃખ થયેલું અને એ લોકો પ્રત્યે નફરત થઇ ગયેલી અને એમની સાથે ક્યારેય સંબંધ નહિ રાખવાના સોગંદ લીધેલા...
આ વાત મોહિત જાણતો હતો..

એકાદ અઠવાડિયામાં એ લોકો શિફ્ટ થઇ ગયા..મોહિત એકલો થઇ ગયો...એકલતામાં ફરી પાછો અટવાઈ ગયો...
એજ પાછો લંચ બ્રેક....અને બ્રેડ ઓમ્લેટ અને ક્યારેક જાતે બનાવેલી બળી ગયેલી વઘારેલી ખીચડી...અને એજ સૂનકાર ...પર્લ-રૂબીનો અદ્રશ્ય થઇ ગયેલો કિલબીલાટ...બહુ યાદ આવતા હતા એ બધ્ધાં...બહુ યાદ આવતી હતી નોબીકા...કેટલા બધા ઉપકાર હતા નોબીકાના મોહિત પર...એક વખત જ્યારે મોહિતને એક્યુટ ન્યુમોનિયા થઇ ગયેલો અને પથારીવશ હતો ત્યારે નોબીકાએ માંની જેમ એની સેવા કરેલી..લગભગ પંદર દિવસ સુધી એણે એને સાચવેલો.. હવે ક્યારેક આ બધું યાદ આવે છે ત્યારે આંખો ભીની થઇ જાય છે. આવો સ્નેહાળ પરિવાર વેરવિખેર થઇ ગયો....

હવે તો ક્યારેક ફોનથી તો ક્યારેક પત્રથી તો વળી જેમ્સ ક્યારેક કમ્પનીના કામે મુંબઈ આવે ત્યારે મુલાકાત થતી..સમય વીતતો ગયો...એક વર્ષ..બે વર્ષ..ત્રણ વર્ષ અરે સાડા સાત વર્ષ થઇ ગયા એ પરિવારથી વિખૂટાં પડયાને.. એકાદ બે વખત મોહિત ચેન્નાઈ જઈ આવ્યો.. પર્લ અને રૂબી તો ખાસા મોટા થઇ ગયાં હતાં..પણ તોયે પાપા- અંકલને ભૂલ્યાં નથી..અમીટ છાપ કોરાઈ ગઈ હતી બદ્ધાના હ્રદયમાં...!!!
મોહિત પણ ટ્રાન્સ્ફર લઈને પોતાના હોમ ટાઉન અમદાવાદ આવી ગયો.. ઉંમર પણ ખાસ્સી વધી ગઈ છે પાંત્રીસનો થયો...પણ હજુ પરણ્યો નથી.. મમ્મી પપ્પાને ચિંતા થતી પણ એ તો સાવ બેફિકરો...એને એ પળોજણમાં પડવું નથી..

એક દિવસ મોહિત ફિલ્ડમાં વર્કિંગમાં હતો..અને એના ઘરે ચેન્નાઈથી ફોન આવ્યો.. ચેન્નાઈથી  નોબીકાના નંબર પર થી  ફોન હતો.. મમ્મીએ ફોન લીધો તો ફક્ત એટલાં સમાચાર આપ્યા કે જેમ્સને એકસીડન્ટ થયો છે અને મોહિતભાઈને તાત્કાલિક ચેન્નાઈ મોકલો... નોબીકા એની રાહ જૂએ છે.. મોહિતે નોબીકા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ નોબીકા બિલકુલ વાત કરવાની પરિસ્થિતિમાં ન હતી.. મોહિત સાંજની વહેલામાં વહેલી ફ્લાઇટ લઈને ચેન્નાઈ પહોચી ગયો..નોબીકા અને એના એક-બે પાડોશીઓ અને જેમ્સનો ઓફીસ સ્ટાફ એની રાહ જોતા હતા..જેમ્સનું કાર એક્સીડન્ટમાં મૃત્યુ થયું હતું.. મોહિત અવાક થઇ ગયો..ત્યાંની પરિસ્થિતિ જોઇને.. નોબીકા સાવ અસ્વસ્થ હતી અને પર્લ અને રૂબી ખૂબ રડતાં હતાં..  મોહિતને જોતાં ત્રણેય જણા એને  વળગી પડયા...ખૂબ રડયા..નોબીકા એને છોડતીજ નહતી.. નોબીકાનું હવે જાણે બધું મોહિત જ હતો.. મોહિતે વારંવાર એનાં આંસુ લૂછ્યાં પણ એતો રોકાવાનું નામજ લેતાં નથી..મોહિત એના ગાલ પર, એના વાળમાં અને એના બરડે હાથ ફેરવતો રહ્યો અને સાંત્વના આપતો રહ્યો..મોહિતની આંખો પણ બેસુમાર વરસતી હતી.. થોડાક શાંત થયા પછી મોહિતે નોબીકાને જેમ્સ અને એના પરિવારને સમાચાર આપવા સમજાવી... દરમ્યાન મોર્ગમાંથી ડેડબોડી ઘરે લાવ્યા...અંતિમ ક્રિયામાં જેમ્સને ત્યાંથી કોઈ ના આવ્યું..અને નોબીકાએ એના પરિવારમાં જાણ કરવા ના દીધી..
નફરત એટલી હતી કે કોઈએ મોતનો મલાજો પણ ના જાળવ્યો..!!
અંતિમક્રિયા પતિ ગઈ.. નોબીકા આ વાસ્તવિકતા સ્વીકારી શકતી ન હતી. પર્લ અને રૂબી રડવાનું બંધ જ નથી કરતા..ત્રણેય જણા જાણે સાવ નિરાધાર બની ગયા..મોહિત એ લોકોની સાથે રોકાયો..નોબીકા હવે થોડી થોડી સ્વસ્થ થવા માંડી...પણ સામે નર્યો અંધકાર દેખાતો..જોકે એટલું સારું હતું કે આર્થિક સંકડામણ પડવાની ન હતી કારણકે જેમ્સની ખૂબ મોટી બચત હતી...ખૂબ મોટો ઇન્સ્યોરન્સ આવ્યો..અને કમ્પનીએ પણ એના બેનીફીટસનાં પૈસા આપ્યા તે રકમ પણ ખાસ્સી મોટી હતી..
મોહિત પંદરેક દિવસ રોકાયો.. બધું સેટલ કર્યું પછી નોબીકાને કહ્યું " નોબીકા તું કહે તો હવે હું જાઉં ??"
"-----------"
" તું જરાય ચિંતા નાં કરીશ તારી કે દીકરીઓની...હવે તમે ત્રણેય મારી જવાબદારી છો..હું જીવીશ ત્યાં સુધી તમને કોઈ તકલીફ નહિ પડવા દઉં..નોબીકા તું આ યુદ્ધ લડવામાં એકલી નથી..એટલો વિશ્વાસ રાખજે.."
" મને ખબર છે મોહિત તું મારી સાથે છે અને હોઈશ પણ હું તારા માથે કોઈ રીતે બોજ બનવા નથી માંગતી.. મારું તો સર્વસ્વ લુટાઈ ગયું છે પણ....પણ... ના મોહિત હવે હું નહિ રડું કે નહિ ઢીલી પડું..બસ મારે આ છોકરીઓને ખૂબ ભણાવવાની છે..એમની કરિયર બનાવવાની છે.... મોહિત મારે તને એક વિનંતી કરવી છે.. તું હંમેશા મારી સાથે રહે. મારે તારા સાથની જરૂર છે. જા તું આપને સતત સમ્પર્કમાં રહીશું.."
મોહિત ગયો..લગભગ રોજ ફોનથી વાત કરતા અને નાનીમોટી તમામ બાબતોમાં મોહિત માર્ગદર્શન આપતો..
થોડા દિવસોમાં નોબીકાને જેમ્સનીજ કમ્પનીમાં ફરી પાછી નોકરી મળી ગઈ..
આ ઘટના પછી મોહિતે ક્યારેય લગ્ન નહિ કરવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો અને એ નિર્ણય એણે એના ઘરમાં જણાવી પણ દીધો.
કાળનાં નિશાન નોબીકાના શરીર પર વર્તાવા માંડ્યા...પણ એના જુસ્સામાં કે એના દેખાવમાં કે પછી એની નજાકતમાં કોઈ અસર દેખાતી નથી..
કેટલાં બધા વર્ષો વિતી ગયાં.. છોકરીઓ એમના જીવનમાં સેટલ્ડ થઇ ગઈ ..  
મોહિત પંચાવનનો થયો...નોબીકા પણ લગભગ એટલી છપ્પન-સત્તાવનની થઇ.. બંને અલગ અલગ રહેતા હતા..  મોહિત અમદાવાદમાં અને નોબીકા ચેન્નાઈમાં..પણ હવે એ બંનેએ એક સાથે એકજ જગ્યાએ રહેવાનું નક્કી કર્યું અને મોહિત ચેન્નાઈ શિફ્ટ થઇ ગયો.. નોબીકા અને મોહિત આજે પણ એક છત નીચે રહે છે, એક બીજા પ્રત્યે અપાર લાગણીનાં સહારે એકબીજાની હૂંફમાં બંને જણા રહે છે..

ઘણાંબધાં લોકોને પ્રશ્ન થાય છે..શું સંબંધ છે એમની વચ્ચે? શું એમણે લગ્ન કર્યા છે ..?? શું એમની વચ્ચે અનૈતિક સંબંધ છે..???

આ બધા પ્રશ્નોનો ઉત્તર સીધો સાદો એટલો છે
આ છે નામ વિનાનો સંબંધ...
આ છે માણસાઈનો સંબંધ...
આ છે દોસ્તીનો -વફાદારીનો સંબંધ...
આ છે પાપા-અંકલ અને દીકરીઓનો સંબંધ...

                                                     *****************

                                                                         
                                                                                                                               



Thursday, April 21, 2016

શી ઈઝ ધ બોસ

           સોડીયમ લાઈટનાં અજવાળાથી આખું એરપોર્ટ ઝગમગી રહ્યું હતું....હજુતો રાતના બે વાગ્યા છે..ન્યુયોર્ક થી અમદાવાદની ફ્લાઈટનો  અરાઈવલ ટાઈમ રાતના ૩.૩૫નો છે, એટલે આવી રહેલા પેસેન્જર્સને રીસીવ કરવા આવનારા હવે ધીમે-ધીમે આવશે...પણ અત્યારે અમદાવાદથી ન્યૂયોર્કની ફ્લાઈટનાં પેસેન્જર્સને સી-ઑફ કરવા આવનારાઓથી એરપોર્ટ ચિક્કાર ભરાયેલું હતું. રીસીવ કરવાવાળાઓ એકલ-દોકલ  ઇધર-ઉધર ફરી રહ્યા છે.
થોડીવારમાં ભીડ જામશે. ક્યાંક-ક્યાંક લોકો છૂટાછવાયા લોનમાં બેઠા છે, તો વળી કોઈક કોફીશોપમાંથી  ડિસ્પોઝેબલ ગ્લાસમાં કોફી-ચાહ લઈને લાઉન્જમાં આમતેમ લટાર મારી રહ્યાં છે.
          પ્રક્ષાલ એરપોર્ટ પર વહેલો આવી ગયો. અરાઈવલને તો હજુ ખાસ્સી વાર છે, પણ ઘરે ઊંઘ નાં આવી અને છેક સેટેલાઈટથી એરપોર્ટનો ૨૦ કી.મી.નો રસ્તો મોડી રાત્રે કાપવો એના કરતા વહેલાજ એરપોર્ટ પર  પહોંચી જવું એમ માનીને તે ઘરેથી વહેલો નીકળી ગયો.... અને આમ પણ મનમાંતો ખુશી હતીજ. ગાડી પાર્ક કરીને એ પણ બીજા લોકોની જેમ અહીં તહિ આંટા-ફેરા માર્યા કરતો હતો......કોફી પીધી ...સિગારેટ સળગાવી ....ભીડભાડમાં થોડા ચક્કર માર્યા...થાક્યો એટલે એને થયું ગાડીમાં બેસું....આરામ કરું... સીટની બેક પાછળ ઢાળીને બેઠો .... ફરી પાછી સિગરેટ સળગાવી ....બુઝાવી અને મનમાં છૂટી છવાઈ દોડી આવતી ઘટનાઓને તટસ્થભાવે જોઈ રહ્યો...વીસેક વર્ષ પહેલાની એ ઘટના અને પછી યોજાયેલો ઘટનાક્રમ અત્યારે એના દિમાગ પર સવાર થઇ ગયો. ...
                     ****                         * ***                                    ****
પ્રક્ષાલ એની ચેમ્બરમાં હતો અને કોઈક અગત્યના કામમાં પરોવાયેલો હતો.....ઓપરેટરને એણે સુચના આપેલી કે હમણાં એક કલાક સુધી કોઈ મને ડીસ્ટર્બ ના કરે.... એન્ડ પ્લીઝ ડોન્ટ ફૉર્વર્ડ એની કોલ ટુ મી. ખુબજ મહત્વની નોટ તૈયાર કરતો હતો...ફેડરેશન ઑફ ઈમ્પોર્ટ એન્ડ એકસ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન-(ફીઓ) નો તે પ્રૅસિડેન્ટ છે અને કાલની  એક્સ્પૉર્ટ કાઉન્સિલની મીટિંગ માટેની નોટ્સ તૈયાર કરી રહ્યો હતો...આવતા મહીને અમેરિકન એક્સપોર્ટસ કાઉન્સિલ સાથે  જોઈન્ટલી એક કન્વેન્શન યોજાવા જઈ રહ્યું છે અને તેની તૈયારીરૂપે આવતીકાલની મીટિંગ છે.
અને અચાનક ફોન રણક્યો. પ્રક્ષાલે ફોન ઉપાડ્યો અને ગુસ્સામાં ઓપરેટરને કહ્યું.... "વોટ્સ હેપન્ડ માર્ગો ...આઈ ટોલ્ડ યુ  નોટ ટુ ડીસ્ટર્બ મી .....!!!!!"
"બટ સર ....બેબી ઇઝ ઓન ધ લાઈન...... શી ઇઝ ઇન્સીસ્ટીંગ ટુ ટોક ટુ યુ એન્ડ શી સેઝ ઇટ્સ અર્જન્ટ"
ઓહ ગોડ...” એક લાંબો શ્વાસ લઈને કહ્યું ...  "ઓ...ઓ...ઓકે ...આઈ કાન્ટ સે હેર નો....શી ઈઝ ધ બોસ"
પ્રક્ષાલે ફોન રીસીવ કર્યો ..સામે છેડેથી અવાજ આવ્યો..
હેલો પ્રક્ષાલભાઈ ...હું નિલય બોલું છું ખમ્માના મોટાભાઈ ..."
" હા બોલો નીલયભાઈ"
"એક સમાચાર આપવાના છે .....ઇટ્સ અ ગૂડ ન્યૂઝ"
"અચ્છા...!  ગુડ ગુડ...બોલો શું સમાચાર છે ?"
બેબીનું નક્કી થઇ ગયું....ગઈકાલે રાત્રે રૂપિયો અને શ્રીફળ આપ્યા.
ઓહ સારું થયું..." સહેજ કસક આવી ગઈ એ વાક્ય બોલતાં
"આ સૌથી પહેલો ફોન તમને કર્યો .... બેબી ક્યારની તમને ફોન કરવા કહી રહી છે...."
મારા જનાજાના સમાચાર તો મનેજ પહેલા હોયને ....!" મનમાં બોલાઈ ગયું.
"હેલ્લો...હેલ્લો...”
હ...હ્હ્હ...હા બોલો..."
"ક્યાં ખોવાઈ ગયા પ્રક્ષાલભાઈ...?"
"ક્યાંય નહિ બસ આતો એમજ ...." જીભ થોથવાઈ
બેબી ક્યાં છે? ખુશ છે ...?" ઉદાસીનતા સ્પષ્ટ વર્તાતી હતી એના અવાજમાં.
ફોન આપું બેબીને એને અભિનંદન અને આશીર્વાદ આપો...
"હેલ્લો...હેલ્લો..." થોડી ચુપકીદી છવાઈ ગઈ... એનું એવુંજ... જ્યારે દ્વિધામાં હોય ત્યારે મૌન થઇ જાય
હેલ્લો બેબી...બોલ તો ખરી...”
"હેલ્લો ..."
કોન્ગ્રેચ્યુલેશન્સ ......"
"થેન્ક્સ ...સાવ શુષ્ક અવાજે પ્રત્યુત્તર આપ્યો.
 "શું થયું... ખુશ છે ને ...?
"મને પછી ફોન કરજે ...મારે કામ છે..."
ફોન ડીસ્ક્નેકટ થયો ....પ્રક્ષાલથી નિસાસો નખાઈ ગયો... કામ બાજુ પર મૂકી દીધું, રીવોલ્વીંગ ચેરની બેક ઢાળી દીધી અને માથા પર હાથ મુકીને રેસ્ટ કરવા માંડ્યો....ઊંડા શ્વાસ લેતા લેતા ...બેબીની એક એક હરકત એની સામે આવવા માંડી અને હૃદય ભરાઈ આવ્યું...આંખો નમ થઇ ગઈ...અને સ્વગત  બોલાઈ ગયું
બેબી...તું જતી રહીશ તારા આ પ્રક્ષને મુકીને ...?" બેબી તેને કાયમ પ્રક્ષ કહેતી
બેબી વિષે વિચારતો રહ્યો.. એની સામે નોકરીમાં જોડાયેલી આ છોકરી ...ખમ્માએ કેટલા ઝડપથી એનાં જીવનમાં પરિવર્તનો આણી દીધાં...!! એ છોકરી બહુ દેખાવડી ન હતી પરંતુ એનાં વિચારો એનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ, બુદ્ધિની તીક્ષ્ણતા એની ચપળતા અને તેનો અંતરમનનો વૈભવ આ બધું પ્રક્ષાલને તેના તરફ આકર્ષિત કરવા માટે પૂરતું હતું...હા એ પણ સાચું કે  આ છોકરી તરફ શરૂઆતમાં પ્રક્ષાલને બહુ ભાવ નહિ થયેલો... પણ ક્યારે...કઈ રીતે અને કયા સંજોગોમાં એનાં જીવનમાં તે પ્રવેશી ગઈ બેમાંથી કોઈને ખબરજ ના રહી ...ખમ્માએ જાણે રમત રમતમાં એના મન અને હ્રદય પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું... ગળાડૂબ પ્રેમમાં પડી ગયા બન્ને...એકબીજાના આદી બની ગયાં...બહારગામથી અપ-ડાઉન કરતી ખમ્માના પ્રક્ષાલના જીવનપ્રવેશથી  ઘણાંબધા અપ-ડાઉન સર્જાયા .....
રૂઢિચુસ્ત કુટુંબની આ છોકરીએ એનાં માટે આવતી લગ્નની દરખાસ્તને  એક યા બીજા  બહાને ટાળવા માંડી...અને એક દિવસ ખમ્માએ એનાં ઘરમાં એનાં પ્રક્ષાલ સાથેના સંબંધની જાણ કરીજ દીધી.... 
             ****                                 ****                          ****
એરપોર્ટના પાર્કિંગ લોટમાં ગાડીમાં બેઠા બેઠા પ્રક્ષાલને ગરમી લાગવા માંડી એટલે મ્યુઝિક સીસ્ટમ ઑફ કરીને ગાડીમાંથી બહાર આવી ગયો.. ..ડિપાર્ચર થનારા પ્લેનના પેસેન્જર્સ હજી હવે પ્લેન ભણી જતા દેખાયા. લોકો ....ખાસ કરીને બાળકો લોખંડની જાળીમાંથી દૂર દેખાતા પ્લવનને આશ્ચર્યના ભાવ સાથે જોતા હતાં....!!!!
ગાડી લોક કરીને પ્રક્ષાલક ગાડીના બૉનેટ પર બેસી ગયો....ગાડી પાછળથી સહેજ ઉંચી થઇ અને પાછી સ્થિર થઇ ગઈ.......સિગરેટ સળગાવીને  બસ જોતો રહ્યો  લોકોને ....
                          ****                            ****                              ****
ખમ્મા એક વાત સમજી લેજે .....તારું લગ્ન આપણી જ્ઞાતિમાંજ થશે...."
પણ મમ્મી..."
"પણ અને બણ કશું નહિ ...તને ખબર છેને આપણી કેટલી પ્રતિષ્ઠા છે જ્ઞાતિમાં...?”
તો શું થયું મમ્મી ......! પ્રક્ષાલ બહુ સારા ખાનદાનનો છે ...."
એ ગમે એટલાં સારા ખાનદાનનો હોય આપણે એની સાથે કોઈ લેવાદેવા નથી...તારી પાછળ
ઘરમાં કેટલાં જણા બાકી છે એ ખબર છે .???
                            ****                           ****                           ****
પ્રક્ષાલે સિગરેટ પર સિગરેટ સળગાવવા માંડી .....ભીડભાડને જોતો રહ્યો ....ન્યૂયોર્કથી આવતા મુસાફરોને રીસીવ કરવા આવનારા પણ હવે એરપોર્ટ પર આવવા માંડ્યા હતાં                            
                            ****                           ****                           ****
પ્રક્ષાલે ફોન ડાયલ કર્યો ....બેબી લાઈન પર આવી
કેટલો બધો મોડો ફોન કર્યો પ્રક્ષ ...અને રડવા માંડી ...."
"બેબી પ્લીઝ તું રડ નહિ... શાંત થઇજા ..."
"કેવી રીતે શાંત થાઉ ...હું તારા વગર નહિ રહી શકું....."
"આઈ નો બચ્ચા..  બટ ....તારા ઘરના લોકો...?"
હું શું કરું મને સમજાતું નથી ..."
"બેબી તારે સુખી થવું હશે તો તારા ઘરના લોકોનો નિર્ણય તારે સ્વીકારવોજ પડશે.
"એ કેમ બની શકશે?
"તો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે.હું તૈયાર છું અત્યારેજ...
"એવું તો શક્યજ ક્યાં છે...?
"તો શક્ય હવે એકજ વાત છે ....તું પરણી જા...”
પ...પ....પણ પ્રક્ષ હું તને નહિ ભૂલી શકું ....હું તારા વગર નહિ જીવી શકું....મેં તને બહુ પ્રેમ કર્યો છે પ્રક્ષાલ...!
ફોનમાં બન્ને તરફથી હૃદયમાંથી ઉઠેલી સિસકનો અવાજ આવતો રહ્યો ...ફોન ડીસ્ક્નેકટ  થયો
                  ****                        ****                      ****
એ ઘટનાક્રમ મન-આંખ સામેથી પસાર થતાં પ્રક્ષાલનું મન બહુ આળું થઇ ગયું...કોફી પીવાનું મન થઇ આવ્યું ચાલતો ચાલતો કોફી શોપ તરફ ગયો....કોફી લઇ આવ્યો પાછો ગાડીના બૉનેટ પર બેસીને કોફીની ચુસ્કીઓ લેવા માંડ્યો...
                   ****                       ****                       ****
ખમ્મા પરણી ગઈ .....નોકરી છોડી દીધી ...... પણ પ્રક્ષાલ સાથેનો સંબંધ વિસરાયો નહિ....મળવાનું ઓછું પણ અનિવાર્ય બની ગયું .....અવારનવાર ખમ્મા એને ફોન કરતી ....રૂબરૂ પણ ક્યારેક મળતી.
બેબી ....હું હવે વિચારું છું કે પરણી જાઉં..."
"તુંઊઊ ...તું ....પ્રક્ષ પરણી જઈશ ....??? ત....ત... તું કેવી રીતે પરણી શકે પ્રક્ષાલ ?? “અનાયાસ આવેલી આ વાતથી એને એક સદમો લાગ્યો
કેમ બેબી??”
"પ...પણ.....પણ...." એનો માલિકીભાવ પ્રગટ થવા માંડ્યો
"પણ શું બેબી..?"
"કાંઈ નહિ...” જ્યારે પણ કઈ કહેવું હોય અને કહી નાં શકે ત્યારે બેબી કઈ નહિ કહીને વાત ટાળી દેતી.
"કેમ બેબી તું સુખી તો છે ને?”
"છું" એકાક્ષરી જવાબ આપ્યો...
કેવો છે એ ..."
સારો છે એ...પ... પણ
"શું પણ."
અમારી વેવલેન્થ જરાય નથી મળતી ...મારા અને એના વિચારોમાં બહુ ફેર છે
             આમને આમ બે-ત્રણ વર્ષતો  વીતી ગયાં..હવે મળવાની અવધી લંબાતી ગઈ ..સમય પસાર થતો ગયો એમ પ્રક્ષાલની તડપ પણ વધવા માડી .....ખમ્મા ધીરેધીરે એની ગૃહસ્થીમાં સ્થિર થતી ગઈ....બેબીના ફોન આવવા લગભગ નહિવત્ થઇ ગયા. ખૂબ રાહ જોયા પછી પ્રક્ષાલે એક દિવસ ફોન કર્યો...
ખમ્મા...!
"શું છે પ્રક્ષાલ... કેમ મને ફોન કર્યો...?
બેબી તું પાછી આવીજા મારી પાસે ...."
એ કેવી રીતે શક્ય છે ...પ્રક્ષાલ..?
બધું શક્ય છે ..."
"મારા માટે નથી ....અને જો પ્રક્ષાલ હવે હું અહીં સેટલ થઇ ગઈ છું ....એ પણ બહુ ખુશ છે અને હું પણ ખુશ છું...બહુ સારો માણસ છે ...કેવી રીતે હું એને અન્યાય કરું ...? પ્રક્ષાલ તું પરણી જા ...મારે પ્રામાણીક્તાથી જીવન જીવવું છે ...."
                          ****                        ****                         ****
પ્રક્ષાલના હાથમાંથી કોફીનો ગ્લાસ છટકી ગયો ....કોફી અને મનમાં એક સાથેજ કડવાશ પ્રસરી ગઈ....કુર્તા પર કોફી ઢોળાઈ...બૉનેટ પરથી નીચે ઉતર્યો અને ગાડીમાંથી પેપર રોલ અને જગમાંથી થોડું પાણી  કાઢીને કપડા સાફ કર્યા...ગાડી ફરી લોક કરીને બોનેટ પર બેસી ગયો સિગરેટ સળગાવી અને તેના ધુમાડા હવામાં ઓગળતા રહ્યા અને તેનું મન પણ ભૂતકાળની એ ઘટનામાં વળીવળીને પાછું ફેલાતું ગયું. વિચારતો રહ્યો.... દુનિયાની તમામ સ્ત્રીઓ પ્રેમમાં પડે છે ....ભરપૂર પ્રેમ કરે છે .....અને પામે છે....પણ ...પણ .....પછી અન્ય કોઈકને પરણે છે.....શરૂઆતની ખુબજ છટપટાહટ.... પણ પછી સંબંધ-વિચ્છેદ... ધીમેધીમે સમાધાન, મનની સમજાવટ...વર્તમાનનો સ્વીકાર અને મનનાં એક અભેદ્ય અને ગોપનીય ભંડકિયામાં ભૂતકાળ દફન ....અને પોતેજ વણેલા માળામાં કેદ થઇ જાવું...અને કેદ પણ પોતે બનાવેલી....સમયના એક પટમાં હતું પાગલપન ...વિરહ...તડપ...છટપટાહટ  અને બીજા પટમાં સમજાવટ...સમાધાન... અને સ્વીકાર..!!   આજ છે સ્ત્રી...
                    ****                                ****                                  ****
ખમ્મા સાથેનો સમ્પર્ક તૂટી ગયો....સારો એવો સમય વ્યતીત થઇ ગયો...ક્યાંકથી સાંભળવામાં આવેલુંકે ખમ્મા અને એનો પરિવાર અમેરિકા શિફ્ટ થઇ ગયો છે ...પ્રક્ષાલે પણ અત્યંત ખુબસુરત ચૌલા સાથે લગ્ન કરી લીધા... જીવનમાં સ્થિર થઇ ગયો...ચૌલાનો  સમગ્ર પરિવાર કેલીફોર્નીયામાં હતો.... સમયાંતરે ચૌલા અને પ્રક્ષાલ અમેરિકા સેટલ થવાના ઈરાદે ગયા પરંતુ પ્રક્ષાલનો ખૂબ મોટો બિઝનેસ અને સ્ટેટસ અમેરિકામાં  મળવું સહેલું ન હતું. બન્નેએ સમાધાનપૂર્વક સ્વીકાર્યુકે ચૌલા બાળકો સાથે અમેરિકામાં રહેશે અને આમ પણ પ્રક્ષાલને વર્ષમાં બે-ત્રણ ટ્રીપ અમેરિકાની હોય છે તો એ ઇન્ડિયા રહેશે. વર્ષો વીતી ગયાં આમ અલગ અલગ જીવતાં....રેલવે ટ્રેકની જેમ...આમ જુઓ તો સાથે અને પાછા એમ છતાય અલગ.
                      ****                               ****                                  ****
પ્રક્ષાલ ઑફિસમાં કામમાં વ્યસ્ત હતો અને ફોનની રીંગ વાગી..
સર...સમવન કોલ્ડ મિસ્ટર નિલય ઇસ ઓન ધ લાઈન ....
ઓ કે..." ફોન લેતા સુધીમાં મનમાં   વિચારોનું ઝૂંડ ધસી આવ્યું. ...શું થયું હશે...?   બેબી મઝામાં તો હશેને ? અને ફોન રીસીવ કર્યો ....
"હેલ્લો...”
"પ્રક્ષાલભાઈ હું નિલય ...."
બોલો નિલયભાઈ " સાવ ઠંડો પ્રતિભાવ આપ્યો ....
બેબી અમેરિકાથી આવે છે ...૬ઠ્ઠી સપ્ટેમ્બરે ..."
કેમ...?"
પ્રક્ષાલભાઈ એના ડિવોર્સ થઇ ગયા...!
ઓહ માય ગોડ...! આઈ'મ સોરી ...."
પ્રક્ષાલભાઈ તમને ખાસ જણાવવા માટે બેબીએ મને કહેલું..."
"સારું નિલયભાઈ ..."
તમે આવશો એરપોર્ટ..??? બેબી બહુજ ખુશ થશે."
"જોઇશ ...." પંદરેક દિવસ થયા એ વાતને ...અને પ્રક્ષાલ આજે એરપોર્ટ આવ્યો...પ્લેન આકાશમાં બે-ચાર ચક્કર મારીને લેન્ડ થયું...
રિસીવ કરવા આવેલા લોકો બને એટલા દરવાજાની નજીક છેક બેરીકેટ સુધી પહોચી ગયા ....
પેસેન્જર્સ લગેજ લઈને કસ્ટમ ક્લિયર કરાવી ધીમે ધીમે લાઉન્જમાંથી ગેટ તરફ આવતા હતાં ..નિલય અને તેનો પરિવાર લાઉન્જમાં દૂર ક્યાંક ઉભેલી બેબીને શોધવા એમની નજર લંબાવી રહ્યા હતાં ...પ્રક્ષાલ પણ એક ખૂણામાં ઉભો હતો...અને ત્યાં બેબી દેખાઈ, લગેજની ટ્રૉલીને ધકેલતી અને જોડે એક દસ-બાર વર્ષનાં છોકરાને લઈને લાઉન્જમાંથી બહાર આવી ...નીલયે સામે જઈને છોકરાને તેડી લીધો...બેબીએ ટ્રૉલીને ધક્કો મારતા મારતા પૂછી લીધું ..." ભાઈ ...પ્રક્ષાલ આવ્યા છે ...?"
હા જો સામે ખૂણામાં ઉભા છે..." પ્રક્ષાલ અને બેબીની નજર એક થઇ ....દોડતી એ તરફ ગઈ
પ્રક્ષ....તું આવ્યો? મને ચોક્કસ વિશ્વાસ હતો કે તું આવીશજ ...."
કેમ છે તું....?" વાત કરતા પણ એની નજર લાઉન્જ તરફ હતી...
કઈ નાં પૂછ ...હું બધું કહીશ તને ...હું આવું મમ્મી-પપ્પાને મળીને ...તું અહીજ છે ને?"
 “હા
એટલામાંજ લાઉન્જમાંથી એક સ્ત્રી ટ્રૉલીને ધક્કો મારતી ઝડપથી આ તરફ આવતી હતી....પ્રક્ષાલે એને હાથનાં ઇશારાથી તેના તરફ બોલાવી ....પ્રક્ષાલે  ટ્રોલી લઇ લીધી અને ગાડી તરફ દોરવા માંડ્યો. સામે બેબી એના પરિવાર સાથે ઉભી હતી.. પ્રક્ષાલે બેબીને બોલાવી..
બેબી...! આ ચૌલા છે મારી વાઈફ ....એ ત્યાં સેન્ડીઆગોમાં જ  છે...આજ ફ્લાઈટમાં આવી.."
બન્ને વચ્ચે હાય હેલ્લો થયું ...
પ્રક્ષાલ ચૌલાને લઈને ગાડી તરફ વળ્યો..
બેબી જોતીજ રહી બન્નેને જતાં..ક્યાંય સુધી ...જાણે જમીન સાથે જડાઈ ગઈ ...હાથની મુઠ્ઠીઓ વળી ગઈ....  
                                     
                                        ----------*******----------



                                                                                                      વિજય ઠક્કર 

Monday, April 11, 2016

વિષાદ

 વિષાદ


ખી રાત  તંદ્રામાં પસાર થઇ ગઈ..
આંખોએ જાણે બંધ નહીં થવાની જીદ પકડી છે.. સતત મારી પાંપણો પર કો’ક દસ્તક દીધા કરે છે..ગઈકાલે બજારમાં ફરતાં ફરતાં નજર સમક્ષ થઇ ગયેલો એ ધૂંધળો ચહેરો મન પર સવાર થઇ ગયો છે..
“બજારમાં તહેવારોને કારણે પુષ્કળ ભીડ ... અને એમાં જાણીતાંય વિખૂટાં પડી જાય તો અલપ ઝલપ દેખાયેલો એ ચહેરો હવે આ ભીડમાં હું ક્યાં શોધું..??”
“ હા... ! હતો તો એજ તો પછી  અચાનક ક્યાં અદ્રશ્ય થઈ ગયો..? શું એ માત્ર ભ્રમજ હતો કે વાસ્તવિકતા હતી..??”
બધાજ પ્રશ્નો નિરુત્તર રહ્યાં છે...
ઘરે તો આવી ગઈ ...પણ એણે સમગ્ર ચેતાતંત્રને હલબલાવી મૂક્યું છે..
મારા હસબન્ડતો વ્યવસાયાર્થે બહારગામ છે, અને એમની ગેરહાજરીમાં અતીતનો આ પડછાયો શીદને આવ્યો હશે..? સતત એ પડછાયો મારી સમક્ષ આવીને ઉભો થઇ જાય છે.. ઘોર અંધારી રાત્રે પડછાયાનું કોઈ અસ્તિત્વજ ના હોય ત્યારે ક્યાંથી મારી ચોપાસ ફરે છે એ..!!!
અગાશીમાં હીંચકા પરજ આખી રાત જાગતા ઉંઘતા પસાર થઇ ગઈ.. ગગનની સાથેય મારે કેવો ઘરોબો છે..!   એકદમ પરિચિત છતાંય જોજનો દૂર..!!!
એનીજ  સ્વરાંકન કરેલી એક રચનાના શબ્દો ત્રૂટક ત્રૂટક કાનમાં ગુંજ્યા કરે છે....

“પાસપાસે તોય,
કેટલાં જોજન દુરનો આપણો વાસ..!
આમતો ગગન સાવ અડોઅડ,
તોય છેટાંનો ભાસ ......!! “

બસ હિંચકે ઝૂલતાં ઝૂલતાં કાનમાં ગૂંજતું એ ગીત....એનું સંગીત અને ખરજના દર્દભર્યા એના અવાજમાં ગવાયેલું ગીત જાણે ગગનનો એકેએક તારો ગાઈ રહ્યો હોય એવો ભાસ થાય છે ...
ઘડીક દૂરથી તો ઘડીકમાં સાવ અડોઅડ આવીને, મારી પીઠ થપથપાવીને પાછો ક્યાંક દૂર નાસી જતો એ, અને એનો અવાજ, ચેન પડવા નથી દેતો મને...
અગાશીમાં ફેલાઈ ગયેલો ગુલમહોરનો કેસરિયો વૈભવેય કોઈજ બીજી અનુભૂતિ નથી કરાવી શકતો..પણ આ વહેલી પરોઢે પક્ષીઓના કલરવમાંથી દૂરદૂરથી એક સંબોધન થતું સંભળાયાં કરે છે..
“ચકી...એય ચકી........ચ.....કી....!!!”
“એ મને કાયમ ચકીજ કહેતા... જ્યારે પહેલી વખત એમણે મને ચકી કહ્યું ત્યારે મેં એમને પૂછેલું ....કે તમે મને ચકી કેમ કહો  છો ???”

“ જો હું તને ચકી એટલા માટે કહું છું કારણકે... કારણકે... ચકી એ મારું સૌથી વહાલું અને લાડકું નામ છે...અને હા....! ચકી એતો નિર્દોષતાનો પર્યાય છે.. અને સાચું કહું ને તો  મને તો, ચકી જેવોજ ફરફરાટ અને તરવરાટ તારામાં દેખાય છે..”
ચકી શબ્દ સાંભળતાજ મારું સમગ્ર ચેતાતંત્ર ઝંકૃત થઇ ઉઠતું... હું કહેતી...”પ...પ..પણ ...પણ આટલું નાનું સંબોધન..?”
“ હા ચકી...., જ્યારે સંબંધમાં નિકટતા આવે છે ત્યારે સંબોધન ટૂંકું બને છે.. “
સામાન્ય રીતે જેનો વિસ્તરવાનો ક્રમ છે એ સમય પણ આજે સંકોરાયા કરે છે....અને મને અનાયાસ ધકેલે છે અતીતના ઊંડાણમાં.. હૃદયમાં કંડારાયેલાં યાદનાં એકેએક પૃષ્ઠ આજે નજર સમક્ષ થયેલા એ ચહેરાએ ઉઠાવેલા બવંડરમાં આમથી તેમ ઉડયા કરે છે.... વિખરાયાં કરે છે.....અને હું, બસ તાકી રહી છું....મારી આંખો સ્થિર થઇ ગઈ છે ...શ્વાસની ગતી તીવ્ર બની ગઈ છે.. અને મનના બાઈસ્કોપમાં જોઈ રહી છું એ અતીતના કાલખંડને..... હું વિસરાયેલા એ સમયખંડમાં હડદોલાયા કરું છું.. ફંગોળાયા કરું છું..
                                   XXX                XXX                XXX
પપ્પાજીને એ વખતે એમની કંપની તરફથી ક્વાર્ટર મળ્યું હતું....
મુગ્ધાવસ્થાના એ તબક્કે કેટકેટલાં શમણાં આંખોમાં આંજેલા...! અમારાથી ત્રીજાજ બ્લોકમાં એ નવાજ રહેવા આવેલા..તદ્દન રૂક્ષ માણસ..સાવ અનાકર્ષક ચહેરો અને અવ્યવસ્થિત લિબાસ...પણ.. અવાજમાં ગજબની ભીનાશ ..!!
રોજ  વહેલી સવારે એમના ક્વાર્ટર તરફથી આવતો ગાવાનો ધીમો અવાજ....અને એ અવાજે ધીમે ધીમે મારા મનોમસ્તિષ્કનો કબજો લઇ લીધો હતો..
સંગીત શિક્ષક હતા એ અને કેટલાંય લોકો એમની પાસે સંગીતની તાલીમ માટે આવતાં.. યુવાનો યુવતીઓ અને પ્રૌઢો બધાંજ એમનાં શિષ્યવૃંદમાં સામેલ હતાં..અને એટલેજ, એ પણ હમેશાં ઘેરાયેલા રહેતા લોકોની ભીડમાં...
હું પણ એમની પાસે સંગીતની તાલીમ માટે ગઈ.. મારી તાલીમ શરુ થઇ.. એમની શીખવવાની પધ્ધતીજ કાંઇક વિશિષ્ઠ હતી..બસ મને તો રસ પડતો ગયો..સમય વિસ્તરતો ગયો..ત્રણ-ચાર વર્ષનો અભ્યાસ થયો.. પારંગતતા તરફ આગળ ધપવા માંડી.. એમના પ્રિય વિદ્યાર્થીઓમાંની એક હું હતી.. પાસપાસે રહેતા એટલે સમયનાં કોઈ બંધનો નડતાં નહીં...ઘણીવખત તો રાત્રે મોડા સુધી મને તે શીખવતા.. એકજ ધ્યેય હતું સંગીતની તાલીમ મેળવવાનું...

                                 XXX           XXX             XXX

હવે તો એમનું પણ મ્યુઝીક કમ્પોઝર તરીકે નામ થઇ ગયું છે.
એ હવે, માત્ર સંગીત શિક્ષકજ નથી રહ્યા પરંતુ હવે તેમનું પોતાનું એક  “હાઉસ ઓફ મ્યુઝીક”
છે..અને ઘણાં સારા કમ્પોઝીશન્સ કરે છે..  જાયન્ટ સ્કેલ પર તે મ્યુઝીકલ ઈવેન્ટ્સ કરે છે.. તેમનો પહેરવેશ, રહેણીકરણી બદલાયાં છે.. ઘણાબધાં પ્રોફેશનલ મેનરીઝમ્સ હવે તે શીખી ગયા છે.. છોકરીઓની ભીડ આસપાસ વધવા માંડી છે..અન્ય લોકો વચ્ચે સતત તે ઘેરાયેલા રહે છે અને એટલેજ, મારા માટેય, હવે તેઓ બહુ સમય ફાળવી શકતા નથી..
અકારણ મને પણ લોકો તરફ ઈર્ષ્યા થવા લાગી છે.. અજાણપણેય એમના માટે મારામાં પઝેસીવનેસ આવી ગઈ છે..ત્યારે હું મારી જાત સાથે જ સંવાદ કરું છું
“ કેમ મને આવો ભાવ થાય છે..?? હેં..? મારે શું છે એમની સાથે ??”
આ પ્રશ્નોના કોઈ જવાબ મળતા નથી..
અનેક પ્રશ્નો અને એમના માટેની ધારણાઓની વણઝાર ફરી પાછી  મારી સામે આવીને ખડી થઇ જાય છે..
“ લોકોની સાથે અને એમાંય  ખાસ કરીને સ્ત્રીઓ સાથે  એકદમ ખૂલીને વાત કરવી...સંબંધનો એકદમ વિસ્તાર કરવો એજ એનો સ્વભાવ છે..એની ફિતરત છે... શું છે આ માણસમાં કે લોકો એની આસપાસ ટોળે વળે છે..? એવું તો એનું કાંઈ આકર્ષક વ્યક્તિત્વ પણ નથી...“ હું સ્વગત ગણગણતી રહી.. જેમજેમ આવા પ્રશ્નો સામે આવતા ગયાં તેમતેમ એના તરફનું ખેંચાણ પણ એટલીજ તીવ્રતાથી વધવા માંડ્યું..મનમાં રીતસર દ્વંદ્વ આરમ્ભાઈ ગયું છે.. “ તદ્દન છીછરો આ માણસ સંબંધને શું જાણે..?? લાગણી જેવું તત્વ આટલા પરિચય પછીય મને તો એનામાં વર્તાયું નથી..શું એને મારા માટે કોઈ ભાવ હશે..લાગણી હશે..પ્રેમ....???? હોઈ શકે...?? જો કે અમારા બે વચ્ચેનો  ઉંમરનો ખાસ્સો તફાવત અને સામાજિક અસમાનતા એવો કોઈ ભાવ ઉદભવવા દઈ શકે ખરા..??” બસ..!! અનેક વિચારો મને આમથી તેમ હડદોલ્યા કરે છે..

                              XXX             XXX              XXX

“મારી મુગ્ધાવસ્થા અને હું સતત એના તરફ આકર્ષાતી રહી છું.... પ્રથમ વ્યક્તિ છે આ,  જેણે મને હચમચાવી નાંખી છે..મારું મન ચગડોળની માફક એકજ દિશામાં ઘુમરાયા કરે છે.... કશુંજ સૂજતું નથી.. પ...પ.પણ કેમ કરીને વ્યક્ત થવું એની પાસે..? હું તો સાવ બહાવરી બની ગઈ છું. અરે ..હા એનું પણ મારા તરફ ધ્યાન ગયું હોય એવું લાગે તો છે.. હવે તો એ મારી સામે જૂએ છે કે પછી મારી સાથે વાત પણ કરે છે તોય એમની નજરમાં અને એમનાં શબ્દોમાં પણ મારા તરફનો વિશેષ ભાવ વ્યક્ત થતો હોય તેવું લાગે છે...એમના શબ્દોમાંથી મારા માટે વ્હાલ વરસતું હોય એવો અહેસાસ થાય છે.....તો મનમાં પાછું એમ પણ થાય છે કે આભાસીતો  નહીં હોય ને આ અહેસાસ..???”

                             XXX               XXX               XXX

મારા મનમાં વિચારોનું દ્વંદ્વ ચાલે છે... હું સતત એના તરફ જોતી રહું છું...એમનું આટલું બારીક નિરીક્ષણ કદાચ કોઈએ નહિ કર્યું હોય... મારી આંખો હવે બોલકી બની છે, પણ વાણીમાં ની:શબ્દતા છવાયેલી છે..  શું એ આંખોની ભાષા નહીં સમજતો હોય..? સમજતો તો હોય જ ને....!  તો પછી કેમ એના તરફથી  કોઈજ પ્રતિભાવ નથી..?
                           
                            XXX               XXX                 XXX

રવિવારે કોઈ પણ પ્રયોજન વગર અચાનક ઘરે આવી ચડયા અને તે પણ  બિલકુલ જાણ કર્યા વગર..ઘરમાં મારા મિત્રો હતા..એ પણ બેઠા અમારી સાથે પણ સહેજ અસ્વસ્થ હોય એવું લાગ્યું..ખાસ કાંઈ બોલતા ન હતા..મોટેભાગે મૌન રહ્યા. ઔપચારિકતા પતાવી અને તરતજ વિદાય થયા..પણ એમના ચહેરા પરની રેખાઓ તંગ થઇ ગઈ હતી..એ હું નોંધી શકી હતી.. બીજા દિવસે હું એમને ત્યાં ટ્યુશન માટે ગઈ..મારી સાથે વાત કરવાનું ટાળતા હોય એવું લાગ્યું..અને મેં એમને બોલાવવાનો પ્રયત્ન કર્યો તો સાવ શુષ્ક પ્રતિભાવ..જરા સરખીયે ઉષ્મા ના વર્તાઈ એમના વર્તનમાં...જોકે એમના આવા વર્તાવથી મને તો છૂપો આનંદજ થયો.. જાણે તીર બરોબર નિશાન ઉપરજ વાગ્યું હોય એમ લાગ્યું.. મારી આશા પૂરી થશે જ એવો હવે મને વિશ્વાસ થવા લાગ્યો.. હું કાંઈજ બોલી નહીં...બેસી રહી એમની સામે જોઇને.. મારું એમને ટીકી ટીકીને જોઈ રહેવું એમને અકળાવવા લાગ્યું..
“ શું જોઈ રહી છે મારી સામે..?”
“ શું થયું છે તમને.....હેં..??”
“ શું થવાનું છે મને ...કાંઈજ નથી થયું મને ..”
“ સાચું બોલો છો..?”
“હા “
“ ખરેખર સાચું બોલો છો..”
“હા...ખરેખર સાચું બોલું છું “
“ ના... તમે ખરેખર ખોટું બોલો છો.. ખબર નહીં પણ કેમ હું તમારા વર્તનમાં આવેલા ફેરફાર જોઈ શકું છું...અનુભવી શકું છું, મને દેખાય છે તમારા ચહેરાના બદલાતા હાવભાવ...તમારા ચહેરા પરની તંગ બનતી રેખાઓ....તમારા અવાજમાંથી આવતી તોછડાઈ...તમારો રુક્ષ વ્યવહાર.. અને..! અને..તમારી આંખમાં દેખાતો ઈર્ષ્યાનો ભાવ...”:
“ હા..હા..હા..હું જ ખરાબ છું.. મને ઈર્ષ્યા થાય છે એ લોકો માટે જે તારી સાથે મજાક-મસ્તી  કરે છે ...તને સ્પર્શ કરે છે.. “
અને એ સાથેજ સામે પડેલા હાર્મોનિયમને જોરથી લાત મારી....હાર્મોનિયમ તૂટી ગયું....હું અવાચક બની ગઈ...ગભરાઈ ગઈ .... મારા મોમાંથી ચીસ નીકળી ગઈ...મારા હાથોથી મારો ચહેરો ઢંકાઈ ગયો..
સુનમુન બેસી રહી હું... સમય સડસડાટ દોડતો હતો  અને હું, ક્યારની એકજ જગાએ બેઠી હતી.....
એ પણ એમના આસન પર જ્યાં બેસીને એ બધાને શીખવતા એજ જગાએ બેસી રહેલા.. વિચારોનું ધુમ્મસ બન્ને પક્ષે છવાયેલું હતું...  બહુવારે હું ઉભી થઇ અને ત્યાંથી જ મેં કહ્યું “ હું જાઉ છું...”
એ પણ ઉભા થયા, રસોડામાં ગયા ફ્રીઝમાંથી પાણીની બોટલ લઇને આવ્યા મારી પાસે  અને ગ્લાસમાં મને પાણી આપ્યું.. મેં એક ઘૂંટો પાણી પીધું અને જવા માંડ્યું ત્યાંજ એમણે પાછળથી મને કહ્યું ‘ આઈ’મ સોરી ... “

                                XXX                 XXX                XXX

અંત આવી ગયો મારી ભ્રાંતિનો....
સ્વીકૃતિ મળી ગઈ મારા અરમાનને...
એના વર્તનમાં એકદમ પરિવર્તન હતું.. એ વધારે ખુશ પણ દેખાતા  ...તો વધારે બોલકા  પણ બન્યા હતા.. એમની તમામ ગતીવિધીઓમાં આવેલા ફેરફારો કોઇના પણ ધ્યાને આવી શકે એટલા એ બદલાયેલા હતા..
એમના ઘરે બનેલા એ પ્રસંગ પછી ઘણાંબધા દિવસોએ આજે મળવાનું બન્યું.. અમે બન્ને એકલાંજ હતાં...બન્નેને કૈક બોલવું હતું પણ જીભ ઉપડતી નહતી...ખાસી વાર પછી પણ એ કશુંજ બોલ્યા નહીં... બહુ વાર એમજ બેસી રહ્યાં...મારી સામે જોઈ શકતા ન હતા...ક્યાંતો નીચે જોઈ રહેતા કે પછી આજુબાજુ દીવાલો પર જોતા હતા.. કંઇક કહેવાની ગડમથલ ચાલી રહી હતી..
“ ચકી... તને..તને બહુ દુઃખી કરીને મેં તે દિવસે...?”
મારી આંખમાંથી ગરમગરમ આંસુનું એક ટીપું એમના હાથ પર પડયું અને ત્યારેજ એમણે ઊંચું જોયું ..મારી સામે જોયું અને બોલ્યા ” ચકી, તું ક્યાંથી ઉડતી ઉડતી આવી ચડી આ સાવ કોરા આકાશમાં..હેં..!”
“બહુ રાહ જોઈ છે મેં...બહુ ઉડી..હા બસ ઉડીઉડીને થાકવામાંજ હતી અને મને મારો મુકામ દેખાયો તમારામાં..”
“પ...પણ... પણ, આ મુકામ પણ કાયમી નથી ચકી...!!.”
“ કેમ...????”
મારા પર આભ તૂટી પડ્યું...મારી આંખોમાંથી આંસુનો ધોધ વહેવા માંડ્યો..વિખરાઈ ગયો સપનાનો માળો... હજુતો તણખલા વિણતા અને ગોઠવતામાંજ જાણે વિખરાઈ ગયો...
“ ચકી...પ્લીઝ..! તું સાંભળ મને..”
મારી આંખો ધોધમાર વરસી રહી હતી..
“ શું સાંભળું હવે...હેં..??”
“ મારા અંગત પ્રશ્નો છે..”
“એ તમારું અંગત આપણું અંગત ના બની શકે..?” મેં રીતસર આજીજી કરવા માંડી..
“ ના ચકી ના...હું મારા વિષાદોને વહેંચી નથી શકતો...મારા આનંદમાં તું સહભાગી થઇ શકે પણ ના, મારા વિષાદો મારા પુરતાજ છે..”
“ હું શું એટલી નિકટ નથી કે...????”
“ ખબર નથી..”
“ કેમ..??”
“ ચકી...મારી કમનસીબી એ છે કે હું કશું પામી નથી શકતો..”
એ દિવસે પછી બહુ લાંબી વાત ના થઇ શકી..
મારી આંખો રડી રહી હતી ..મન વિષાદગ્રસ્ત હતું અને હૃદય તેની નિયત ગતિથી બમણાં વેગે ચાલતું હતું...શ્વાસ ધમણની પેઠે તીવ્ર ગતિથી ચાલતા હતા..અમે બંનેએ એકબીજાની સામે જોયું નજરો મળી અને તરતજ એમને નજર ફેરવી લીધી.... હું જોઈ શકી કે મારા મોં પરના ભાવ એને બહુ કનડતા હતા., કોણ જાણે કેમ એ દિવસે એ મારી આંખોનો સામનો કરી શકતા ન હતા અને એટલે અનાયાસ ઉભા થયા અને એક હરફ પણ ઉચ્ચાર્યા વગર જતા રહ્યા....હું  રડતી કકળતી રહી.. કોઈ હતું નહીં કે જે મારા આંસુ લુછી શકે..

                              XXX            XXX                XXX

એ દિવસની ઘટના પછી મેં સંગીત ક્લાસમાં જવાનું બંધ કરી દીધું ...
છેલ્લા એક અઠવાડીયાથી તબિયત પણ બગડી છે..
શરીર બહુ ક્ષીણ થઇ ગયું છે.. કશુંજ ગમતું નથી...બેડમાં પડીજ રહી છું..
ખાસ્સી વારે દરવાજો નોક થયો.. મેં  ઉભા થયા વગરજ બૂમ પાડી
“ કમ ઓન ઇન...!!!”
દરવાજો ખૂલ્યો..મેં મારી પાછળ ગોઠવાયેલા લાર્જ સાઈઝ મિરરમાંથી એમને જોયા..
આવ્યા મારી પાસે ....મારા બેડની બાજુમાં  એક ચેર હતી તેના પર બેસી ગયા..
મૌન હતા.. હું ધારી ધારીને એમના ચહેરા સામે જોઈ રહી હતી...
“ ચકી..! બહુ ચિંતા થતી હતી તારી..” બહુ વારે તેઓ બોલ્યા.. અવાજમાં ખર્રાશ આવી ગઈ હતી..
“ કેમ....?? મારી ચિંતા કરવા  જેવો સંબંધ છે આપણો..??
એમણે મારી હથેળી હાથમાં લીધી..અને તેના પર બીજો હાથ ફેરવતા રહ્યા... બસ નીચું જોઇને બેસી રહ્યા..
પહેલીજ વખત પરપુરુષના સ્પર્શનો અનુભવ થયો....ક્ષીણ શરીરે પણ સ્પર્શના કાનખજૂરાના સળવળાટનો અનુભવ અત્યંત રોમાંચકારી લાગ્યો....રોમરોમ પ્રગટ્યું સ્પર્શનું અજવાળું.....શરીરમાં રક્તનું જાણે પૂર આવ્યું હોય તેમ આખા શરીરમાં ભ્રમણ થવા માંડ્યું..શરીરનું ઉષ્ણતામાન અસામાન્ય બનવા લાગ્યું....મારા પગ ભીડાવા માંડ્યા અને પગની આંટીઓ વળી ગઈ..
અને એક ગરમ ગરમ પાણીનું બુંદ મારા હાથ પર પડ્યું.. હું ચમકી ગઈ.. બસ... સ્પર્શનો રોમાંચ ઓસરી ગયો.. ત્વચા અને શરીરનાં અન્ય કોશો ઢીલાં થઇ ગયાં..  મેં એમની સામે જોયું.. એમણે પણ મારી સામે જોયું... હોઠ ભીડાયેલા હતા અને નકારમાં માથું ધુણાવતા હતા..સહેજ અધડુંકા ઉભા થયા.. ખિસ્સામાંથી એક નાનકડું એન્વેલપ મારા હાથમાં પકડાવી દીધું અને મારા હાથ પર એક ચૂંબન કરીને સડસડાટ બહાર નીકળી ગયા.. હું કાંઈ પણ સમજુ એ પહેલાતો એ નીકળી ગયા... મારી બૂમ મારા હોઠ પાસે આવીને થંભી ગઈ.. થોડીવાર લાગી મને આ ઝંઝાવાતમાંથી બહાર આવતા અને સ્વસ્થ થતાં.. મેં એન્વેલપ ખોલ્યું.. એક  મોટા કાગળ પર બરોબર વચ્ચે કાળા મોટ્ટા અક્ષરે લખ્યું હતું... “ ના “
અને પછી નીચે નાના અક્ષરે લખ્યું હતું..  
“મારી વહાલી ચકી..     
ચકી...મારી કમનસીબી એ છે કે હું કશુંજ પામી નથી શકતો.. હું..શાપિત પુરુષ છું... હા હું શાપિત પુરુષ છું.. હું..હું.. હું.. સત્વહીન પુરુષ છું....”

મારા હાથમાંથી કાગળ પડી ગયો..
     
                                XXX                XXX             XXX

આજે આ વહેલી પરોઢે એકાંતમાં એ વિખરાયેલા ચહેરાની કરચો ભેગી કરું છું...અને તોયે ક્યાં થાય છે ભેગો સંપૂર્ણ ચહેરો..
આમતેમ વિખરાયેલા એકાંતનાં ટુકડાઓમાંથી અનાયાસ ઉપસી આવેલો એ ચહેરો ભલે  પીડા આપતો, ભલે દર્દ આપતો.. તોય એ ચહેરો મારો છે.. મારા અંતરમાં એ કેદ છે
મારા કાનમાં ગુંજે છે એના ગીતનાં શબ્દો..
“પાસપાસે તોય,
કેટલાં જોજન દુરનો આપણો વાસ..!
આમતો ગગન સાવ અડોઅડ,
તોય છેટાંનો ભાસ ......!! “
                                              XXXXXXXXXXX


                                                                                વિજય ઠક્કર